Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મિલ્કમૅન કુરિયને કેવી રીતે સર્જી શ્વેત ક્રાન્તિ?

મિલ્કમૅન કુરિયને કેવી રીતે સર્જી શ્વેત ક્રાન્તિ?

10 September, 2012 06:05 AM IST |

મિલ્કમૅન કુરિયને કેવી રીતે સર્જી શ્વેત ક્રાન્તિ?

મિલ્કમૅન કુરિયને કેવી રીતે સર્જી શ્વેત ક્રાન્તિ?


માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશ જેમને શ્વેત ક્રાન્તિના જનક તરીકે ઓળખે છે એવા કુરિયનનો જન્મ ૧૯૨૧ની ૨૬ નવેમ્બરે કેરળના કાલિકટ (હવે કોઝિકોડ)માં થયો હતો. તેમના પિતા કોચીમાં સિવિલ સજ્ર્યન હતા. ૧૯૪૦માં એ વખતના મદ્રાસમાંથી ફિઝિક્સમાં ગ્રૅજ્યુએટ થયા બાદ કુરિયને યુનિવર્સિટી ઑફ મદ્રાસમાંથી મેકૅનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી. એ પછી તેઓ જમશેદપુરમાં તાતા સ્ટીલની ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા હતા. બાદમાં સરકારી સ્કૉલરશિપની મદદથી તેમણે અમેરિકામાં માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી હતી.

આણંદમાં કરીઅર શરૂ કરી

વતન પરત ફર્યા પછી તેઓ ઇન્ટર્નશિપ માટે આણંદ આવ્યા હતા, જ્યાં તેમણે માખણ બનાવતી સરકારી ફૅક્ટરીમાં થોડો સમય કામ કર્યું હતું. બાદમાં તેઓ ૧૯૪૯માં ખેડા જિલ્લા દૂધઉત્પાદક સહકારી સંઘમાં જોડાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી આ સંઘની રચના કરવામાં આવી હતી. સંઘના ચૅરમૅન ત્રિભુવનદાસ પટેલની વિનંતી સ્વીકારીને કુરિયન આ સંસ્થામાં જોડાયા હતા. બાદમાં ત્રિભુવનદાસ પટેલે ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભો કરવા કુરિયનને કહ્યું હતું અને આ રીતે અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ)નું સર્જન થયું હતું.

અમૂલની સફળતા

અમૂલના સહકારી મંડળીના મૉડલને મળેલી સફળતા બાદ તબક્કાવાર સમગ્ર ગુજરાતમાં આ મૉડલ લાગુ કરવામાં આવ્યું હતું. બાદમાં કુરિયને ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની રચના કરી હતી. તેમણે ગુજરાતનાં જુદાં-જુદાં ડેરી યુનિયનોને જીસીએમએમએફના બૅનર હેઠળ લાવી દીધાં હતાં. 

શ્વેત ક્રાન્તિ

કુરિયન ૧૯૭૩થી ૨૦૦૬ સુધી જીસીએમએમએફના ચૅરમૅનપદે રહ્યા હતા. બાદમાં મૅનેજમેન્ટ સાથે મતભેદો થતાં તેમણે ૨૦૦૬માં ચૅરમૅનપદ છોડ્યું હતું. ૧૯૪૬માં ગુજરાતમાં દૂધઉત્પાદકોની પ્રથમ મંડળી સ્થપાઈ હતી. કુરિયનની શ્વેત ક્રાન્તિના પરિણામે આ મંડળીઓની સંખ્યા અત્યારે ૧૬,૦૦૦થી પણ વધારે છે, જ્યારે એના સભ્ય એવા પશુપાલકોની સંખ્યા ૩૨ લાખથી પણ વધુ છે. અમૂલની સફળતાને પગલે એ વખતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ અમૂલના મૉડલને દેશભરમાં લાગુ કરવા નૅશનલ ડેરી ડેવલપમેન્ટ ર્બોડ (એનડીડીબી)ની સ્થાપના કરી અને કુરિયનને એના ચૅરમૅન બનાવ્યા હતા. એનડીડીબીના બૅનર હેઠળ ૧૯૭૦માં ‘ઑપરેશન ફ્લડ’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. કુરિયન ૧૯૬૫થી ૧૯૯૮ સુધી (૩૩ વર્ષ) એનડીડીબીના ચૅરમૅન રહ્યા હતા. એનડીડીબીના પ્રયાસોને કારણે ભારત વિશ્વમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો. ૧૯૬૦માં ભારતમાં દૂધનું ઉત્પાદન બે કરોડ ટન હતું, જ્યારે ૨૦૧૧માં ભારતમાં કુલ ૧૦૨ કરોડ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. ડૉ. કુરિયને પદ્મવિભૂષણ, રેમન મૅગ્સેસે સહિતના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કુરિયનનું સૌથી મહત્વનું યોગદાન


વર્ગિસ કુરિયનનું સૌથી મોટું યોગદાન દૂધઉત્પાદન ક્ષેત્રે સિસ્ટમ અને સંસ્થાની ડિઝાઇન તૈયાર કરી આપવાનું હતું. કુરિયન પહેલેથી જ એવું માનતા હતા કે માણસનો વિકાસ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એના હાથમાં વિકાસનું સાધન સોંપી દેવાનો છે જેને કારણે વ્યક્તિ કોઈની મદદ વિના જાતે જ પોતાનો વિકાસ કરી શકે છે.

મનમોહન સિંહથી મોદી, બધાએ બિરદાવ્યું કુરિયનનું યોગદાન

ડેરી ટેક્નૉલૉજી ક્ષેત્રે ડૉ. કુરિયને અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું.

 - રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

વન લાઇફ, વન મિશન. વર્ગિસસસાહેબ માટે આના સિવાય મારી પાસે બીજા કોઈ શબ્દો નથી.

- ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી

ડેરી પ્રોગ્રામના આર્કિટેક્ટ ડૉ. કુરિયને શ્વેત ક્રાન્તિ લાવીને ભારતને દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બનાવ્યો.

- ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી

દેશના ખેડૂતોની સુખાકારી, કૃષિઉત્પાદન તથા દેશના વિકાસ માટે કુરિયને આપેલું યોગદાન માપી શકાય એમ નથી. 

- વડા પ્રધાન મનમોહન સિંહ

કુરિયનના મૃત્યુ સાથે એક યુગનો અંત આવ્યો છે.

- બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2012 06:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK