૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ વેરિઅન્ટનાં ૩૪૯ સૅમ્પલ્સ મળ્યાં, ગુજરાતમાં ૫૪ કેસ નોંધાયા , કોરોનાના નવા ૧૩૦૦ કેસ નોંધાયા

પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ દેશમાં કોરોનાના XBB.1.16 વેરિઅન્ટના કુલ ૩૪૯ કેસ ડિટેક્ટ થયા છે, જે કદાચ દેશમાં કોરોનાના કેસમાં તાજેતરમાં થયેલા વધારા માટે જવાબદાર હોઈ શકે છે.
ઇન્સાકોગ (ઇન્ડિયન સાર્સ-સીઓવી-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ)ના ડેટા અનુસાર ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ૩૪૯ સૅમ્પલ્સ મળ્યાં છે, જેમાં આ વેરિઅન્ટના સૌથી વધુ સંખ્યામાં કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં કુલ ૧૦૫ કેસ નોંધાયા છે. એ પછી તેલંગણમાં ૯૩, કર્ણાટકમાં ૬૧ અને ગુજરાતમાં ૫૪ કેસ નોંધાયા છે.
ઇન્સાકોગના ડેટા અનુસાર XBB.1.16ના કેસ સૌપ્રથમ જાન્યુઆરીમાં ડિટેક્ટ થયા હતા, જ્યારે બે સૅમ્પલ્સના વેરિઅન્ટ માટેની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ફેબ્રુઆરીમાં XBB.1.16 વેરિઅન્ટના ૧૪૦ કેસ આવ્યા હતા, જ્યારે માર્ચમાં અત્યાર સુધી આ વેરિઅન્ટના ૨૦૭ કેસ આવ્યા છે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં ગઈ કાલે કોરોનાના નવા ૧૩૦૦ કેસ નોંધાયા હતા, જ્યારે ઍક્ટિવ
કેસની સંખ્યા વધીને ૭૬૦૫ થઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાથી એક-એક પેશન્ટનું મોત નીપજ્યું છે.