ગઈ કાલથી વારાણસીના મંદિર પરિસરમાં પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ અમલમાં
કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર
કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર સંકુલને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ ગઈ કાલથી શરૂ થયો છે અને કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં દૂધ, પ્લાસ્ટિકની થેલી કે ટોપલીમાં ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો, પ્લાસ્ટિકના લોટામાં ગંગાગળ કે પાણી જેવી કોઈ પણ પ્રકારની સામગ્રી સાથે મંદિરના પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં.
શ્રાવણ મહિના દરમ્યાન સિંગલ યુઝ પ્લાસ્ટિક પર તો પહેલાંથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે મંદિર-પ્રશાસને પર્યાવરણને સ્વચ્છ રાખવા અને મંદિર પરિસરને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આ પગલું ભર્યું છે. ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો હવે કાપડ કે કાગળની થેલીમાં અને દૂધ જેવી પૂજા સામગ્રી હવે માટી કે પિત્તળના સાધનમાં લાવવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ ભક્ત કે દુકાનદાર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો તેને દંડ થઈ શકે છે અને સામગ્રી જપ્ત કરી શકાય છે.


