બસની ઉપર સિલિન્ડર લાદેલાં હતાં એમાં થયેલા વિસ્ફોટ અને કરન્ટ બન્નેને કારણે આગ ભડકી
ઘટનાસ્થળ
મંગળવારે સવારે જયપુર પાસે શાહપુરામાં એક સ્લીપર બસમાં આગ લાગી હતી. આ બસ નૅશનલ હાઇવેથી નીચે ઊતરીને ટોડી ગામ તરફ જઈ રહી હતી ત્યારે બસની ઉપર રાખેલો સામાન હાઈ ટેન્શન વાયર સાથે ઘસાયો હતો. આ ઘર્ષણથી તરત જ બસમાં આગ લાગી હતી, કેમ કે બસની છત પર સિલિન્ડર પણ હતાં જેનાથી ધમાકા થયા હતા. તમામ યાત્રીઓ બસમાંથી નીચે ઊતરે એ પહેલાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.
શાહપુરામાં આવેલી આ બસ ઉત્તર પ્રદેશના બાગપતથી આવી હતી. એમાં ઈંટની ભઠ્ઠીઓમાં કામ કરવા માટે કામગારો આવી રહ્યા હતા. આગમાં બે મજૂરોનાં મૃત્યુ થયાં હતાં અને લગભગ ૧૨ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. દાઝેલા લોકોને જયપુરની સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બસ કાચા રોડ પરથી પસાર થઈ રહી હતી અને એના પર ૧૧ કિલોવૉટનો ઓવરહેડ વાયર પસાર થઈ રહ્યો હતો. એ વાયર ૧૭ ફુટની ઊંચાઈએ હતો જે નિયમ મુજબ બરાબર હતો, પરંતુ બસ ડબલ ડેકર હોવાથી એની ઊંચાઈ વધુ હતી એટલું જ નહીં; બસની ઉપર સિલિન્ડર, બાઇક અને ઘરેલુ સામાન રાખવામાં આવ્યાં હતાં જે વાયરના સંપર્કમાં આવતાં આગ લાગી હતી. આગ લાગતાં ટોડી ગામના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. તેમના કહેવા મુજબ આગ સાથે ૩ વાર ધડાકા પણ થયા હતા. બસની એક તરફ ઇમર્જન્સી ગેટ દેખાતો હતો, પરંતુ એને વેલ્ડિંગ કરીને લૉક કરી દેવામાં આવ્યો હતો. લગભગ ૨૫ મિનિટ બાદ અગ્નિશામક દળો પહોંચ્યાં હતાં જેને કારણે પૂરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
જયપુર RTOનું નો લગેજ અભિયાન શરૂ
આ ઘટના પછી તરત જ જયપુર રોડ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ‘નો લગેજ’ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. બસની છત પર સામાન રાખવો એ નિયમની વિરુદ્ધ છે. રાજ્યની બસો પર તો સામાન મૂકવાની વ્યવસ્થા હોતી જ નથી, પરંતુ પ્રાઇવેટ બસો અને સ્લીપર બસો છતની ઉપર એવું માળખું બનાવે છે જ્યાં મુસાફરો પણ બેસી શકે અને સામાન પણ મુકાય. શાહપુરા બસની આગમાં છત પર લાગેલો સામાન આગનું કારણ બન્યો હતો એટલે જયપુરના RTO ઇન્સ્પેક્ટરે તમામ ઇન્સ્પેક્ટરોને નિર્દેશ કર્યો હતો કે હવેથી છત પર સામાન રાખતી કે રાખવાની વ્યવસ્થા ધરાવતી તમામ બસોને તરત સીઝ કરવામાં આવે અને ડ્રાઇવર અને માલિક બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.


