Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે માતૃભાષાની શુ​દ્ધિ, શક્તિ તેમ જ સૌંદર્યનો સુભગ સમન્વય

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે માતૃભાષાની શુ​દ્ધિ, શક્તિ તેમ જ સૌંદર્યનો સુભગ સમન્વય

Published : 21 February, 2026 10:14 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આજના સમયે ગુજરાતીઓ પોતાની માતૃભાષા સાચી રીતે બોલે, સાચી રીતે લખે અને માતૃભાષાનું ગૌરવ જળવાય એ માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શરૂ કર્યા છે માતૃભાષા સંવર્ધનના વર્ગ

માતૃભાષાના વર્ગનું પિન્કી પંડ્યા અને રતિલાલ બોરીસાગર સંચાલન કરી રહ્યાં છે

માતૃભાષાના વર્ગનું પિન્કી પંડ્યા અને રતિલાલ બોરીસાગર સંચાલન કરી રહ્યાં છે


હમણાં જ જેમને પદ‌્મશ્રી અવૉર્ડ જાહેર થયો એ ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરીસાગર સાહજિકતા સાથે હળવાશમાં શીખવાડી રહ્યા છે માતૃભાષા ગુજરાતી : ગુજરાતી ભાષા ખોવા બેઠા હોઈએ એવી સ્થિતિ વચ્ચે ઘોર અંધકારમાં નાની મીણબત્તી પ્રગટાવીને અજવાળું કરી માતૃભાષા માટે જાગૃતિ આવે એવો જે પ્રયાસ થઈ રહ્યો છે એના વિશે આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે જાણીએ

આજે ઇન્ટરનૅશનલ મધર લૅન્ગ્વેજ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. દરેક વ્યક્તિને તેની માતૃભાષા પ્રત્યે વહાલ હોય, પણ આજના સમયે મોટા ભાગે અંગ્રેજી ભાષાનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. આવા સમયે ઘોર અંધકારમાં જેમ એક નાની મીણબત્તી અજવાળું પાથરે અને ઉજાસ ફેલાવવાનું કામ કરે એમ માતૃભાષા ગુજરાતી પ્રત્યે જાગૃતિ આવે એ માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આવકારદાયક પ્રયાસ હાથ ધરાયો છે. ગુજરાતીઓ પોતાની માતૃભાષા સાચી રીતે બોલે, સાચી રીતે લખે અને માતૃભાષાનું ગૌરવ જળવાય એ માટે અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે માતૃભાષા સંવર્ધનના વર્ગ શરૂ કર્યા છે. તાજેતરમાં જેમને પદ‌્મશ્રી અવૉર્ડ જાહેર થયો છે એવા ગુજરાતીઓ માટે ગર્વ અને ગૌરવસમા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર સાહજિકતાથી અને હસતાં-રમતાં હળવાશમાં માતૃભાષા ગુજરાતી શીખવી રહ્યા છે.  



માતૃભાષા સંવર્ધનના વર્ગ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને વર્ગખંડમાં શું અભ્યાસ કરાવાય છે એ મુદ્દે વાત કરતાં રતિલાલ બોરીસાગર ‘મિડ-ડે’ને કહે છે, ‘કોરોના સમય બાદ કુમારપાળ દેસાઈએ મને કહ્યું હતું કે આપણે માતૃભાષા માટે કંઈક કરીએ એટલે ૩ વર્ષ પહેલાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં માતૃભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી. પ્રશ્ન એટલો જ છે કે અત્યારે અંગ્રેજી માધ્યમના કારણે માતૃભાષાની અવદશા થઈ છે. મોટા ભાગનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં જાય છે. ધોરણ દસમાં એક લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થાય છે તો આ દશામાં શું કરવાનું? બીજું શું થઈ શકે? ઘોર અંધકાર હોય એમાં નાનકડી મીણબત્તી જલાવવાની વાત છે. ઓછામાં ઓછું મીણબત્તી બધાને દેખાય અને એમ થાય કે વધુ અજવાળું કરીને માતૃભાષાને બચાવવાનો પ્રશ્ન છે એટલે માતૃભાષા સંવર્ધનના વર્ગ શરૂ કર્યા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં મહિનામાં બીજા અને ચોથા ગુરુવારે માતૃભાષા સંવર્ધનના વર્ગ ચલાવીએ છીએ. ગુજરાતીનાં પ્રાધ્યાપક પિન્કી પંડ્યા સહયોગ આપે છે. તેઓ કમ્પ્યુટર પર પાવર-પૉઇન્ટ પ્રેઝન્ટેશન બનાવે છે. એનાથી માતૃભાષા માટે એક વાતાવરણ ઊભું થયું છે. નાગરિકો આ વર્ગમાં માતૃભાષા શીખવા માટે આવે છે. સોશ્યલ મીડિયામાં પણ પ્રચાર થયો છે કે માતૃભાષાના વર્ગ ચાલે છે; પણ અફસોસની વાત એ છે કે એમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો ભાગ્યે જ આવે છે. આ વર્ગ ચલાવવા પાછળનો ઉદ્દેશ ભાષા-શુ​દ્ધિનો છે. અનુસ્વાર, શબ્દો ક્યાં ભેગા અથવા છૂટા લખાય? વાક્ય-રચના શું છે? કેવી રીતે થાય? આવું બધું શીખવીએ છીએ. વર્ગમાં બેઠેલા લોકો પાસે લખાવીને ત્યાં ને ત્યાં એની ચર્ચા કરીએ છીએ. કોઈ વાર્તા, કવિતા, નાટક વિશે પણ ભાષાકે​ન્દ્રિત આસ્વાદ થાય છે.’  


બોલીના શબ્દોની તાકાત

આપણી ગુજરાતી ભાષામાં બોલી વિશે કેટલીક કહેવત છે. બાર ગાઉએ બોલી બદલાય, બોલે તેનાં બોર વેચાય, ન બોલવામાં નવ ગુણ. તો આ બોલીનું પણ વિશેષ મહત્ત્વ છે. આ વિશે રતિલાલ બોરીસાગર કહે છે, ‘ખાસ કરીને બોલીના શબ્દોની જે તાકાત છે એ બોલી ભૂંસાતી જાય છે. બોલી એ જ માતૃભાષાનું શુદ્ધ સ્વરૂપ છે. આ અશુદ્ધ નથી. આપણે જેને મધર ટંગ કહીએ છીએ એ માતૃબોલી, જન્મથી જ એ મળી હોય છે. અને આજે આપણે જે ગુજરાતી કહીએ છીએ એ તો માન્ય ભાષા છે. બોલીનો મહિમા પણ ઓછો નથી. આ બોલીનો સાહિત્યમાં વિનિયોગ થયો છે. એ શબ્દોની તાકાત કેવી છે એનો વર્ગમાં ખ્યાલ આપીએ છીએ. માતૃભાષા સંવર્ધન માટે આ પ્રયાસથી મોટો પ્રભાવ પડી જશે એવું નથી, પણ એનાથી જાગૃતિ આવે એટલે જાણે ઘોર અંધકારમાં મીણબત્તી સમાન કામ. માતૃભાષાના વર્ગો સારી રીતે ચાલે એની પાછળ કુમારપાળ દેસાઈની દૃ​​​​ષ્ટિ તેમ જ પ્રીતિબહેન શાહ અને ગુજરાત વિશ્વકોશના સહયોગીઓનું સરસ આયોજન છે.’


માતૃભાષાના ક્લાસ લઈ રહેલા રતિલાલ બોરીસાગર

ભાષા ખોવા બેઠા હોય એવી સ્થિતિ

માતૃભાષાના સંવર્ધનની જરૂર કેમ ઊભી થઈ એ વિશે વાત કરતાં રતિલાલ બોરીસાગર કહે છે, ‘પહેલા ધોરણનો વિદ્યાર્થી કડકડાટ બોલતો હોય, પણ તે જ્યારે ધોરણ બારમાં પહોંચે છે ત્યારે ક્લાસમાં ઊભો કર્યો હોય તો પાંચ મિનિટ બોલી શકતો નથી. અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કર્યા વગર કોઈ વાત થતી નથી. આપણી માતૃભાષા ઘણી તાકાતવાળી ભાષા છે. આપણી ભાષાનું સાહિત્ય દેશની અન્ય બીજી ભાષાના સાહિત્ય જેવું જ સમૃદ્ધ સાહિત્ય છે. આપણે ત્યાં મોટા સર્જકો થયા એમ છતાં આજે આપણે ભાષા ખોવા બેઠા હોઈએ એવી સ્થિતિ છે એટલે ભાષાની શુ​દ્ધિ એ પહેલી વાત છે. વ્યક્તિ સુઘડ દેખાય એ બરાબર છે, પણ આપણી માતૃભાષાને જો આપણે મા ગણતા હોઈએ તો મા વ્યવસ્થિત હોવી જોઈએ. એટલે કે એમાં જોડણીની ભૂલો ન હોય, લેખનની ભૂલ ન હોય, ઉચ્ચારણોમાં ભૂલ ન થતી હોય એ કોઈ પણ નાગરિક માટે અનિવાર્ય છે; પછી ભાષાની શક્તિ. જુદા-જુદા ગદ્યસ્વામીઓ દ્વારા ભાષાની શક્તિનો વિનિયોગ સાહિત્યમાં થયો એનો પરિચય કરાવે અને એમાં સર્જકતા ભળે ત્યારે ભાષાનું સૌંદર્ય પ્રગટ થાય. એ સૌંદર્યલોકનો અનુભવ કરાવડાવવો છે.’ 

ભાષાની શુ​દ્ધિ, શક્તિ અને સૌંદર્યનું સૂત્ર  

ભાષાનો પણ એક મહિમા છે. ગુજરાતી માતૃભાષાની વાત જ નિરાળી છે અને જ્યારે સિદ્ધહસ્ત વ્યક્તિઓ ભાષા શીખવે ત્યારે એ હૃદયસ્થ થઈ જાય. રતિલાલ બોરીસાગરની માતૃભાષા શીખવવાની રીત વિશે વાત કરતાં સાહિત્યકાર અને ગુજરાત વિશ્વકોશના કુમારપાળ દેસાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘રતિલાલભાઈ બોરીસાગર માતૃભાષાના સંવર્ધનનું કામ કરી રહ્યા છે ત્યારે માતૃભાષા માટે તેમનું સૂત્ર છે : ભાષાસજ્જતા એટલે ભાષાની શુ​​દ્ધિ, શક્તિ અને સૌંદર્ય. એટલે માતૃભાષાના વર્ગોમાં આ પાયાની વાત તેઓ કરતા હોય છે. નિયમોના આધારે વાત કરે છે એ તેમની વિશેષતા છે. માત્ર ભાષાશુ​​​દ્ધિ પૂરતી તેમની મર્યાદા નથી. તેઓ ભાષાની શક્તિ અને ભાષાના સૌંદર્ય વિશે પણ સમજાવે છે. કોઈ વાર્તાની વાત કરે અને એના મર્મ સુધી લઈ જાય. આમ ભાષાશુ​દ્ધિનો વર્ગ સાહિત્યિક ગોષ્ઠી જેવો બની જાય છે. એક કૃતિમાંથી બીજી કૃતિની વાત કરે, અનુભવ ટાંકીને હળવાશનો અનુભવ કરાવે. હસતાં-રમતાં કેવી રીતે માતૃભાષા શીખી શકો એ રતિલાલ બોરીસાગર લોકોને સમજાવે છે. તેમના હાસ્યની વાત સાહજિક અને નિર્દોષ હોય છે. ભાષાની વાત સાહજિક અને નિર્દોષ રીતે કરે છે. માતૃભાષા લખવામાં પહેલાં તો વ્યક્તિની જોડણીની શુ​દ્ધિ થવી જોઈએ એટલે રતિલાલ બોરીસાગર અને પિન્કીબહેન પંડ્યા જોડણી-સુધારણાની વાત કરે છે. જોડણીનો આ વિષય શુષ્ક છે, પણ એને રસપ્રદ બનાવે છે. જુદા-જુદા લેખકોની કૃતિઓ, કૃતિઓ દ્વારા કેવી રીતે ભાષા પલોટાય છે, કેવી રીતે ભાષા પ્રગટ થાય છે, કેવી રીતે ભાષા અભિવ્યક્ત થાય છે એવા ભાવોની ચર્ચા કરે છે. પરિણામે માતૃભાષા સંવર્ધન કેન્દ્ર દ્વારા તેમણે ઘણું મોટું કામ કર્યું છે અને કરી રહ્યા છે.’

કુમારપાળ દેસાઈ અને રતિલાલ બોરીસાગર

સતત ચાલતા માતૃભાષા-સંવર્ધનનાં કામો  

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા માતૃભાષાના સંવર્ધનનાં ઘણાં કાર્યો થયાં છે અને થઈ રહ્યાં છે. આ ‍વિશે વાત કરતાં કુમારપાળ દેસાઈ કહે છે, ‘ટ્રસ્ટ દ્વારા ગુજરાત વિશ્વકોશ ઑનલાઇન મૂક્યો છે. એમાં ગુજરાતી ભાષામાં ૨૬,૦૦૦ લખાણો છે. વિશ્વના પોણાત્રણ લાખ ગુજરાતીઓ એનો ઉપયોગ કરે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતી લેક્સિકન વિભાગ પણ ચલાવે છે જેમાં ૪૫ લાખ શબ્દો છે. ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી શબ્દો જોવા મળે છે. રોજ અંદાજે ૬૦૦૦ લોકો એનો ઉપયોગ કરે છે. ટ્રસ્ટે ગુજરાતી સંસ્કૃત કોશ પણ કર્યો છે જે ઑનલાઇન મૂક્યો છે. ભીલોની ડુંગરી ભાષા છે એના પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અત્યારે કચ્છી બોલીનો કોશ પણ કરી રહ્યા છીએ. દર રવિવારે સવારે ગુજરાતીમાં એક બાળવાર્તા અને બાળગીત પ્રસ્તુત કરીએ છીએ. લોકો ઑનલાઇન લેખો સાંભળી શકે એવું કામ પણ કર્યું છે. આમ સતત માતૃભાષાના સંવર્ધનનાં કામ થતાં રહે એવો પ્રયાસ કરી રહ્યા છીએ.’ 

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 10:14 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK