તાજેતરમાં લાગુ કરાયેલા નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોની પણ સમીક્ષા કરવામાં આવશે. એવી ચર્ચા છે કે આ નિયમોએ ઇન્ડિગોના સંકટમાં ફાળો આપ્યો હતો. જોકે, મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે નિયમો એક મહિના પહેલા લાગુ કરવામાં આવ્યા હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિગોની હજારો ફ્લાઇટ રદ થાય હોવાના સંકટ વચ્ચે, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઇન્ડિગોની ફ્લાઇટ્સ સર્વિસને લીધે નિર્માણ થયેલી પરિસ્થિતિ માટે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, અને પરિસ્થિતિ માટે જે કોઈ જવાબદાર જણાશે તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે અને ભારે કિંમત ચૂકવવી પડશે. મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિ ટૂંક સમયમાં તેનો અહેવાલ રજૂ કરશે, ત્યારબાદ જરૂરી પગલાં લેવામાં આવશે.
ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ પાછળના કારણોની તપાસ કરવામાં આવશે
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી નાયડુએ કહ્યું, "અમે એક સમિતિની રચના કરી છે. શું ખોટું થયું, શા માટે થયું અને કયા સંજોગોમાં થયું તેના દરેક પાસાની તપાસ કરવામાં આવશે. આને અવગણી શકાય નહીં." તેમણે એમ પણ કહ્યું કે હાલમાં પ્રાથમિકતા સામાન્યતા પુનઃસ્થાપિત કરવાની અને મુસાફરોને દરેક શક્ય સુવિધા પૂરી પાડવાની છે.
કેન્દ્રીય મંત્રીએ શું કારણ આપ્યું?
તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં લાગુ કરાયેલા નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોની પણ સમીક્ષા કરવામાં આવશે. એવી ચર્ચા છે કે આ નિયમોએ ઇન્ડિગોના સંકટમાં ફાળો આપ્યો હતો. જોકે, મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે નિયમો એક મહિના પહેલા લાગુ કરવામાં આવ્યા હતા, અને ઍર ઇન્ડિયા, સ્પાઈસજૅટ અને આકાશ જેવી અન્ય ઍરલાઈન્સે તે મુજબ તેમના કામકાજમાં ફેરફાર કર્યા હતા. તેમના મતે, ઇન્ડિગો સાથે જે બન્યું તે અણધાર્યું હતું અને ઍરલાઇનમાં ગેરવહીવટ તરફ ઇશારો કરે છે. નોંધનીય છે કે ઇન્ડિગો ભારતની સૌથી મોટી સ્થાનિક ઍરલાઇન છે અને લગભગ 60 ટકા સ્થાનિક મુસાફરોને સેવા આપે છે. જોકે, બુધવારે માત્ર 19.7 ટકા ફ્લાઇટ્સ જ કાર્યરત થઈ શકી હતી. મંગળવારે આ આંકડો વધીને આશરે 35 ટકા અને સોમવારે લગભગ 50 ટકા થયો હતો. ઇન્ડિગોમાં આ કટોકટીને કારણે દિલ્હી, ચેન્નાઈ અને શ્રીનગર જેવા અનેક ઍરપોર્ટ પર પરિસ્થિતિમાં તીવ્ર બગાડ થયો છે અને સોશિયલ મીડિયા પર મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે.
મનસ્વી ભાડા વસૂલવા પર પ્રતિબંધ
વધુમાં, મંત્રાલયને કટોકટી દરમિયાન ઘણી ઍરલાઇન્સ અસામાન્ય કરતાં વધુ ભાડા વસૂલતી હોવાની ફરિયાદો મળી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બાબતે કડક વલણ અપનાવ્યું હતું, અને કહ્યું હતું કે તેણે એ હકીકતને ગંભીરતાથી લીધી છે કે કેટલીક ઍરલાઇન્સ કટોકટીનો લાભ લઈને વધુ પડતા ભાડા વસૂલ કરી રહી છે. મુસાફરોને વધુ અને ખોટા ભાવોથી બચાવવા માટે, સરકારે ભાડા નિયંત્રણો લાદવાની પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે. બધી ઍરલાઇન્સને નવા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


