Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પરિસ્થિતિ જલદી સ્થિર થાય એ માટે શુક્રવારે ૧૦૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ કરી

પરિસ્થિતિ જલદી સ્થિર થાય એ માટે શુક્રવારે ૧૦૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ કરી

Published : 06 December, 2025 12:45 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પહેલાં કદી ન જોઈ હોય એવી અંધાધૂંધી જોવા મળી દેશભરનાં ઍરપોર્ટ્‌સ પર, ઇન્ડિગોના CEOએ કહ્યું; ભીડ અને ચોક્કસ જવાબના અભાવે પૅસેન્જરોનો ગુસ્સો ફાટ્યો : ચેક-ઇન લગેજ સિસ્ટમમાં પણ ગરબડ હોવાથી સેંકડો લોકોનો સામાન ઍરપોર્ટ પર રઝળતો જોવા મળ્યો

બૅન્ગલોરમાં ચેક-ઇન થયેલી સેંકડો બૅગો ઍરપોર્ટની અંદર પડેલી જોવા મળી હતી

બૅન્ગલોરમાં ચેક-ઇન થયેલી સેંકડો બૅગો ઍરપોર્ટની અંદર પડેલી જોવા મળી હતી


દેશની સૌથી મોટી ઍરલાઇન કંપની ઇન્ડિગોની છેલ્લા ચાર દિવસમાં ૧૭૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ થતાં સિવિલ એવિએશન ખાતું બૅકફૂટ પર આવી ગયું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે ‘ઇન્ડિગોની ફ્લાઇટ્સ એકસાથે કૅન્સલ થઈ રહી હોવાથી હજારો પૅસેન્જરો ફસાયા છે. આટલી હદે ફ્લાઇટ્સમાં આવી રહેલી અડચણોનું કારણ શું છે એની તપાસ કરવા માટે ચાર મેમ્બરની હાઈ લેવલ કમિટી બનાવી છે.’

પરિસ્થિતિને જલદી થાળે પાડવા



માટે ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગોને બદલાયેલા નિયમોમાં ૧૦ ફેબ્રુઆરી સુધીની રાહત પણ આપી હતી જેમાં પાઇલટ્સના વીકલી કામના કલાકોમાં છૂટ આપવામાં આવી છે. ડિલે થયેલી ફ્લાઇટ્સનો બૅકલૉગ સુધારવા માટે શુક્રવારે સવારે જ ઇન્ડિગોએ ૧૦૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ કરી દીધી હતી.


લગેજની સમસ્યા

દેશના લગભગ દરેક ઍરપોર્ટ પર ઇન્ડિગોને કારણે ભારે ભીડ જમા થઈ ગઈ હતી. કર્મચારીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતો હોવાથી લોકો કલાકો સુધી ઍરપોર્ટ પર એમ જ રાહ જોતા બેઠા રહ્યા હતા. હજી બે દિવસ પહેલાં જે યાત્રીઓએ ચેક-ઇન લગેજમાં સામાન મુકાવ્યો હતો, પરંતુ એ પછી ફ્લાઇટ કૅન્સલ થઈ હતી એ લોકોનું લગેજ પાછું આપવાની સિસ્ટમમાં પણ ઠેર-ઠેર ધાંધિયા જોવા મળ્યા હતા. બૅન્ગલોર, દિલ્હી અને હૈદરાબાદ ઍરપોર્ટ પર સેંકડો બૅગો લગેજ એરિયામાં એમ જ પડેલી જોવા મળી હતી.


ઇન્ડિગોના CEO પીટર ઍલ્બર્સે ગઈ કાલે કહ્યું હતું કે ‘પરિસ્થિતિને ઝડપથી થાળે પાડી શકાય એ માટે ગઈ કાલે ૧૦૦૦થી વધુ ફ્લાઇટ્સ કૅન્સલ કરી હતી અને હજી કદાચ એક-બે દિવસ માટે ફ્લાઇટ કૅન્સલેશન કરીને ઝડપથી પરિસ્થિતિને પૂર્વવત્ કરવાની સહૃદય કોશિશ અમે કરી રહ્યા છીએ. આશા છે ૧૦થી ૧૫ ડિસેમ્બર સુધીમાં ઑપરેશન્સ સ્થિર થઈ જાય.’

બીજી ઍરલાઇન્સના ભાવ આસમાને

ઇન્ડિગોની ફ્લાઇટ્સ કૅન્સલ થતાં જેમને મુસાફરી કરવી જ પડે એમ હતી એ યાત્રીઓને બીજી ફ્લાઇટ્સ માટે દસગણા રકમમાં ટિકિટો ખરીદવી પડી હતી. સૌથી વધુ દિલ્હીના ઍરપોર્ટ પર બેફામ ભાવવધારો જોવો મળ્યો હતો. દિલ્હીથી ચેન્નઈનું ભાડું તો એક લાખ રૂપિયાને ટચ થઈ ગયું હતું. આ ઉપરાંત દિલ્હી-મુંબઈ ૭૯,૦૦૦ રૂપિયા,  દિલ્હી-ગોવા ૬૩,૦૦૦ રૂપિયા, દિલ્હી-પટના ૪૦,૦૦૦ રૂપિયા, દિલ્હી-કલકત્તા ૭૬,૦૦૦ રૂપિયા, દિલ્હી-પુણે ૫૩,૦૦૦ રૂપિયા, દિલ્હી-રાંચી ૫૯,૦૦૦૦ રૂપિયા જેટલો ભાવ આંબી ગયો હતો. 

કેન્દ્ર સરકારે ડ્યુટીના નિયમો હળવા કર્યા, પાઇલટ્સને સહયોગ આપવા વિનંતી કરી

ભારતની સૌથી મોટી બજેટ ઍરલાઇન ઇન્ડિગોને ગઈ કાલે સતત ચોથા દિવસે ફ્લાઇટો કૅન્સલ કરવી પડી હોવાથી ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ નવા ક્રૂ રોસ્ટરિંગ ધોરણોની એક મુખ્ય જોગવાઈ પાછી ખેંચી લીધી હતી અને ઇન્ડિગોને ૧૦ ફેબ્રુઆરી સુધી પાઇલટોની નાઇટ-ડ્યુટીના નિયમોમાંથી એક વખતની મુક્તિ આપી હતી. DGCAએ ઇન્ડિગોને ક્રૂ અને પાઇલટ્સની રજાઓને સાપ્તાહિક આરામ તરીકે ગણવાથી અટકાવવાની જોગવાઈ પાછી ખેંચી લીધી હતી અને પાઇલટ્સને સહયોગ આપવા માટે વિનંતી કરી હતી.

DGCAએ જણાવ્યું હતું કે ક્રૂ અને પાઇલટનો થાક ઘટાડવાના હેતુથી સુધારેલા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTL) નિયમો પહેલી નવેમ્બરથી લાગુ થયા હતા. ચાલુ ઑપરેશનલ અવરોધો અને વિવિધ ઍરલાઇન્સ તરફથી કામગીરીની સાતત્ય અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત જોગવાઈની સમીક્ષા કરવી જરૂરી માનવામાં આવી છે. અઠવાડિક આરામ માટે કોઈ રજા નહીં લેવાની સૂચના તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવે છે. FDTLમાં આંશિક છૂટછાટથી ઍરલાઇન્સોને અને ખાસ કરીને ઇન્ડિગોને થોડી રાહત મળશે એવી અપેક્ષા છે.

ફ્લાઇટના કૅન્સલેશનને કારણે રેલવેમાં પણ મુસાફરોનો ધસારો

અચાનક ખૂબબધી ફ્લાઇટ્સ કૅન્સલ થઈ રહી છે અને બીજી ઍરલાઇનના ભાવ પોસાય એવા નથી રહ્યા ત્યારે અનેક મુસાફરો રેલવે તરફ વળ્યા હોવાથી રેલવે-સ્ટેશનો પર પણ ધસારો વધી રહ્યો છે. એ જોઈને ઇન્ડિયન રેલવેએ યાત્રીઓની સુવિધા માટે ૩૭ દૂરના અંતરોની ટ્રેનમાં ૧૧૬ વધારાના કોચ લગાવ્યા છે જેનાથી ૧૧૪ વધારાની ટ્રેન જેટલા મુસાફરો ટ્રાવેલ કરી શકશે. આ વધારાને કારણે દરેક ટ્રિપમાં ૪૦૦૦ વધુ પૅસેન્જરો મુસાફરી કરી શકશે અને કુલ ૪,૮૯,૨૮૮ વધુ પૅસેન્જરોને સમાવી શકાશે.

આ ઉપરાંત ૧૮ કોચવાળી ૩૦ નવી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે જે દરેક ટ્રિપમાં ૩૭૮૦ પૅસેન્જરોને લઈ જશે. કુલ મળીને લગભગ રોજ વધુ ૩૫,૦૦૦ પૅસેન્જરોને સંભાળવા માટેની વ્યવસ્થા ઇન્ડિયન રેલવેએ કરવાની તૈયારી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2025 12:45 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK