ગયા વર્ષે ૧૮૦ દેશોના સર્વેમાં ભારત ૧૫૦મા સ્થાને હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ, ૨૦૨૩માં ભારત ૧૧ સ્થાન પાછળ ખસીને ૧૬૧મા સ્થાને પહોંચ્યું છે ત્યારે દેશમાં મીડિયા અસોસિએશન્સે આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ગ્લોબલ મીડિયા વૉચડૉગ આરએસએફ (રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ) સમગ્ર દુનિયાના દેશોમાં પ્રેસ ફ્રીડમ પર વાર્ષિક રિપોર્ટ પબ્લિશ કરે છે. ગયા વર્ષે ૧૮૦ દેશોના સર્વેમાં ભારત ૧૫૦મા સ્થાને હતું. આરએસએફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘ત્રણ દેશો-તાજિકિસ્તાન (એક સ્થાન પાછળ ખસીને ૧૫૩મા સ્થાને), ભારત (૧૧ સ્થાનની પીછેહઠ કરીને ૧૬૧મા સ્થાને) અને ટર્કી (૧૬ સ્થાનની પીછેહઠ કરીને ૧૬૫મા સ્થાને)માં સ્થિતિ ‘મુશ્કેલ’થી ‘અત્યંત ખરાબ’ થઈ છે.
ધ ઇન્ડિયન વિમેન્સ પ્રેસ કૉર્પ્સ, પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા અને પ્રેસ અસોસિએશને આ ઇન્ડેક્સમાં ભારતની પીછેહઠની ટીકા કરી. આ સંસ્થાઓએ જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘પ્રેસ ફ્રીડમના મામલે સ્થિતિ ભારત સહિત અનેક દેશોમાં વણસી છે. કામકાજના મામલે અસલામત સ્થિતિથી પ્રેસને આઝાદીમાં યોગદાન ન મળે.’

