Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટમાં પહેલા દિવસે ભારે અવ્યવસ્થા

ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટમાં પહેલા દિવસે ભારે અવ્યવસ્થા

Published : 18 February, 2026 08:09 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક સ્ટૉલમાં ચોરી થઈ, કોઈએ VIPને લીધે હેરાન થવું પડ્યું: IT મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે માફી માગી

સોમવારની જેમ ગઈ કાલે પણ દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ-૨૦૨૬માં લોકોનો ભારે ધસારો રહ્યો હતો.

સોમવારની જેમ ગઈ કાલે પણ દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ-૨૦૨૬માં લોકોનો ભારે ધસારો રહ્યો હતો.


દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટના પહેલા દિવસે ભારે ભીડ અને સુરક્ષાના કારણસર થયેલી અવ્યવસ્થા પર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જાહેરમાં માફી માગી છે. ઘણા સ્ટૉલધારકોની ફરિયાદ બાદ સરકારે વ્યવસ્થા સુધારવા માટે ચોવીસ કલાક કાર્યરત વૉર-રૂમ શરૂ કર્યો છે. આ શિખર સંમેલનને દુનિયાનું સૌથી મોટું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંમેલન ગણાવવામાં આવ્યું છે. 

અવ્યવસ્થા અને અફરાતફરીના મુદ્દે એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આ સંમેલન પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ છે. પહેલા દિવસે આયોજનમાં થોડી ખામી રહી ગઈ છે અને વિઝિટર્સને થોડી તકલીફ પડી છે. આ દુનિયાનું સૌથી મોટું AI સંમેલન છે અને જે લોકોને પહેલા દિવસે મુશ્કેલી પડી છે એ માટે અમે માફી માગીએ છીએ. હવે વ્યવસ્થા બરાબર છે. અમે એક વૉર-રૂમ બનાવ્યો છે જે ૨૪ કલાક કાર્યરત છે અને ફીડબૅક મળતાં જ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે છે.’



પહેલા દિવસે ઉદ્ઘાટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી સુરક્ષા પ્રોટોકૉલ હતો અને એથી વિઝિટર્સની લાંબી લાઇન લાગી હતી. વારંવાર થતી સુરક્ષા-તપાસને કારણે લાઇનો લાંબી થઈ હતી અને લોકોને પરેશાની વેઠવી પડી હતી.


ફરિયાદોનો ઢગલો

‘નિયો સેપિયન’ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ધનંજય યાદવે આરોપ લગાવ્યો હતો કે સુરક્ષા-તપાસ વખતે જ્યારે તેમને તેમના સ્ટૉલમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમનું કીમતી AI વેઅરેબલ ડિવાઇસ ગુમ થઈ ગયું હતું. બીજી તરફ ‘રીસ્કિલ’ના સંસ્થાપક પુનિત જૈને કહ્યું હતું કે આયોજકોએ કમ્યુનિકેશન સ્પષ્ટ રાખવાની જરૂર હતી. બિઝનેસમૅન પ્રિયાંશુ રત્નાકરે જણાવ્યું હતું કે શિખર સંમેલનમાં કામને બદલે દેખાવને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, ક્રીએટરોને લાઇનમાં ઊભા રાખી દેવામાં આવ્યા હતા. VIPને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
આટલી ટીકા બાદ પણ આયોજકોએ આશ્વાસન આપ્યું છે કે AI શિખર સંમેલન પૂર્ણ થાય ત્યાં સુધી (૨૦ ફેબ્રુઆરી) ભીડનિયંત્રણ અને પ્રવેશ-નિયમો વ્યવહારુ બનાવવામાં આવશે અને વિઝિટર્સને તકલીફ ન પડે એનું ધ્યાન રાખવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 08:09 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK