૬ મિત્રોએ પાછલી જિંદગી સારી રીતે જીવવા બનાવ્યું ગોલ્ડન હોમ `મૈં નહીં હમ`
ગોલ્ડન હોમ્સના આ છે રહેવાસીઓ.
ઇન્દોરના પ્રખ્યાત કૅન્સર સ્પેશ્યલિસ્ટ ડૉ. અરુણ અગ્રવાલ અને તેમના સાથીઓનો ‘વસુધૈવ કુટુંબકમ’ જેવો અદ્ભુત પ્રયોગ ચકિત કરનારો છે. એકલતા અને સ્ટ્રેસને અલવિદા આપતા કમ્યુનિટી લિવિંગની અનોખી સૃષ્ટિ તેમણે સર્જી છે. તમામ સુવિધાઓથી છલોછલ ૬ આલીશાન બંગલા, એક કૉમન કિચન અને અઢળક પ્રેમ સાથેની ઇન્દોરના આઉટસ્કર્ટ્સમાં આકાર પામેલી અનોખી દુનિયામાં લટાર મારીએ
હાર્વર્ડના એક સંશોધનમાં સાબિત થયું છે કે જે લોકો સામાજિક રીતે એકલા રહે છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વધતી ઉંમરે મગજની કાર્યક્ષમતા ઝડપથી ઘટે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ એકલતા હવે એક પબ્લિક હેલ્થ ઇમર્જન્સી છે જેનું નુકસાન દરરોજની ૧૫ સિગારેટ પીવા જેટલું ઘાતક છે અને એ અકાળ મૃત્યુનું જોખમ ૨૯ ટકા સુધી વધારી દે છે. ૧૪૦થી વધુ દેશોમાં કરાયેલા સર્વે અનુસાર દુનિયામાં દર ચારમાંથી એક વ્યક્તિ તીવ્ર અથવા મધ્યમ સ્તરની એકલતાથી પીડાઈ રહી છે. જાણે કે આ બધા જ આંકડાઓની ગંભીરતા પહેલેથી જ સમજાઈ ગઈ હોય એમ મધ્ય પ્રદેશના ઇન્દોર નજીક ૬ મિત્રોએ સાથે મળીને એક એવી અનોખી દુનિયા ઊભી કરી છે જે દેશભર માટે કમ્યુનિટી લિવિંગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે અને એકલતાના પ્રશ્ન સામે તમતમતો તમાચો મારે છે. પ્રણેતા ઇન્દોરના જાણીતા સર્જિકલ ઑન્કૉલૉજિસ્ટ ડૉ. અરુણ અગ્રવાલ છે. એકલતા સામે લડવા અને ખુશીઓ વહેંચવા માટે તેમણે તૈયાર કરેલું ‘ગોલ્ડન હોમ’ શું છે અને કઈ રીતે એની શરૂઆત થઈ એ વિશે ‘મિડ-ડે’એ ડૉ. અરુણ અને તેમનાં પત્ની સાથે કરેલી દિલચસ્પ વાતોનો સાર પ્રસ્તુત છે.
ADVERTISEMENT

આ છે ગોલ્ડન હોમ્સના રહેવાસીઓનું સામૂહિક રસોડું.


રક્ષાબંધનથી લઈને ગણપતિ અને લગ્ન જેવા પ્રસંગો પણ અહીં સાથે મળીને ઊજવાય છે.
સફરની શરૂઆત
આ સફરનું બીજ આજથી ૩ દાયકા પહેલાં વવાયું હતું. ૧૯૯૫માં ડૉ. અરુણ અગ્રવાલે ઇન્દોરમાં એક ઍડ્વેન્ચર ક્લબ શરૂ કરી હતી. તેઓ પોતે ઉત્સાહી ટ્રેકર અને પર્વતારોહક હોવાથી લોકોને હિમાલય અને અન્ય પર્વતો પર ટ્રેકિંગ માટે લઈ જતા. આ ટ્રેકિંગ દરમ્યાન લોકો એકબીજાની ખૂબ નજીક આવ્યા. સાથે મળીને પહાડો ખૂંદવા, કૅમ્પ-ફાયર કરવું, સાથે નાચવું-ગાવું અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં એકબીજાનો હાથ પકડવો આ બધી પ્રવૃત્તિઓએ તેમની વચ્ચે એક્સ્ટેન્ડેડ ફૅમિલી જેવો મજબૂત પારિવારિક ઘરોબો ઊભો કર્યો. એ પછી ૨૦૦૫માં ડૉ. અરુણ અને તેમનાં સાઇકિયાટ્રિસ્ટ પત્ની ડૉ. સ્મિતાના મનમાં એક સુંદર વિચાર સ્ફુર્યો. તેમણે વિચાર્યું કે જો આપણે ટ્રેકિંગ દરમ્યાન આટલાં ખુશ રહી શકીએ છીએ તો કેમ ન આપણે જિંદગીનાં અંતિમ વર્ષો પણ આ જ રીતે હસતાં-રમતાં અને એકબીજાના સથવારે સાથે વિતાવીએ? ડૉ. અરુણ કહે છે, ‘શરૂઆતમાં આ કન્સેપ્ટ ૧૪ મિત્રો સાથે મળીને ઘડાયો હતો. એ સમયે અમે ઇન્દોરથી થોડે દૂર ૧૫ એકર જેટલી મોટી જમીન પણ લીધી હતી, પરંતુ કેટલાંક વ્યાવસાયિક અને કૌટુંબિક કારણોસર એ મોટો પ્રોજેક્ટ એ સમયે સાકાર થઈ શક્યો નહીં. જોકે અમે આ સપનું છોડ્યું નહીં. ૨૦૧૬માં ઇન્દોરના આઉટસ્કર્ટ્સમાં આવેલા બડિયા કીમા ગામની ગ્રામપંચાયત હેઠળ આવતા બિજૌલી એરિયા પાસે અમે ૬ મિત્રોએ સાથે મળીને જમીન લીધી અને ગોલ્ડન હોમ નામના ડ્રીમ પ્રોજેક્ટનું કામ શરૂ થયું, જે ૨૦૨૦-’૨૧ની આસપાસ સંપૂર્ણ તૈયાર થયું અને આજે છેલ્લાં ૪ વર્ષથી આ પરિવારો ત્યાં ખૂબ જ ઉત્સાહથી સાથે રહે છે.’
આલીશાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ગોલ્ડન હોમ કોઈ સામાન્ય વૃદ્ધાશ્રમ કે સાધારણ સોસાયટી નથી. એ તમામ આધુનિક અને લક્ઝુરિયસ સુવિધાઓથી સજ્જ રિસૉર્ટ જેવો આવાસ છે. બે એકરની સુરક્ષિત બાઉન્ડરી વૉલ ધરાવતી કૉલોનીમાં ૬ ખાસ મિત્રો માટે ૬ આલીશાન બંગલા બનાવવામાં આવ્યા છે. અહીં દરેક બંગલો પાંચ બેડરૂમ-હૉલ-કિચનનો છે. દરેક ઘરનો એરિયા લગભગ ૫૫૦૦ સ્ક્વેર ફીટ જેટલો વિશાળ છે. કૉલોનીમાં ૧૫,૦૦૦ સ્ક્વેર ફીટનું એક ભવ્ય ક્લબહાઉસ બનાવવામાં આવ્યું છે. આ ક્લબહાઉસનો ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વિવિધ પ્રવૃત્તિઓ માટે છે, જ્યારે સેકન્ડ ફ્લોર પર સર્વન્ટ ક્વૉર્ટર્સ બનાવવામાં આવ્યાં છે જેમાં ૮ ફ્લૅટ છે. અહીં વર્લ્ડ-ક્લાસ મૉડર્ન જિમ્નેશ્યમ, મોટી સાઇઝનો આકર્ષક સ્વિમિંગ-પૂલ, સ્ટીમ બાથ, સોનાબાથ, ચિલ્ડ શાવર, મસાજ-ટેબલ, પ્રેશર ચૅર અને પૂલ-ટેબલ જેવી અદ્ભુત સુવિધાઓ છે. ભવિષ્યમાં અહીં હોમ થિયેટર, ડિસ્કોથેક અને બાર બનાવવાનું પણ આયોજન ચાલી રહ્યું છે. દરેક બંગલામાં એક આલીશાન ગેસ્ટરૂમ રાખવામાં આવ્યો છે, જેની એન્ટ્રી ઘરની બહારની તરફથી આપવામાં આવી છે. ડૉ. અરુણ કહે છે, ‘આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે જો કોઈ ઘરનો માલિક બહારગામ ગયો હોય અને ઘર બંધ હોય તો પણ બહારથી આવતા મહેમાનો માટે આ ગેસ્ટરૂમ હંમેશાં ઉપલબ્ધ રહે છે. તાજેતરમાં જ મારા ૭૦મા જન્મદિવસે બહારથી ૮ પરિવારો આવ્યા ત્યારે બંગલામાલિકોએ પોતે અન્ય મિત્રોના ઘરે આશ્રય લીધો અને આ મહેમાનોને ૩ દિવસ સુધી ગોલ્ડન હોમના ગેસ્ટરૂમ્સમાં જમાડીને પૂલ-પાર્ટી અને મૉર્નિંગ બ્રેકફાસ્ટ સાથે અદ્ભુત આતિથ્ય પૂરું પાડ્યું હતું.’
૨૦૧૬માં જમીન લેવાની વાત આવી ત્યારે બજેટ ઘણું મોટું હતું. એ સમયે જમીન ખરીદવા માટે દરેકે
દોઢ-દોઢ કરોડ રૂપિયા કન્ટ્રિબ્યુટ કર્યા હતા. આજે સંપૂર્ણ આયોજનબદ્ધ ડેવલપમેન્ટ પછી આ પ્રૉપર્ટીનું મૂલ્ય પર પર્સન અંદાજે ૧૨ કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે. ડૉ. અરુણ ઉમેરે છે, ‘હાલમાં છમાંથી ૩ પરિવારોના ૮ સભ્યો અહીં કાયમી ધોરણે વસવાટ કરે છે. એક બંગલામાં ઇન્ટીરિયર કામ ચાલી રહ્યું છે અને બાકીના પરિવારો દર વીક-એન્ડ પર આવીને અહીં સમય વિતાવે છે. આ સમગ્ર વ્યવસ્થા સુચારુરૂપે ચાલે એ માટે અમે જે ફૅમિલી પર્મનન્ટ અહીં રહીએ છીએ તેમના માટે દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા મેઇન્ટેનન્સ છે, જ્યારે જેઓ માત્ર વીક-એન્ડ પર આવે છે તેઓ ૧૫,૦૦૦ રૂપિયા આપે છે. આ ફન્ડમાંથી કૉમન કુક, ગાર્ડનર્સ, સિક્યૉરિટી ગાર્ડ્સ, ઇલેક્ટ્રિશિયન અને સફાઈ-કામદારોનો પગાર તેમ જ સ્વિમિંગ-પૂલ અને જિમની જાળવણીનો ખર્ચ કાઢવામાં આવે છે. અમારું ગોલ્ડન હોમ ઇન્દોર શહેરના પ્રદૂષણ અને ઘોંઘાટથી દૂર પ્રકૃતિના ખોળે વસેલું છે. મુખ્ય હાઇવે દૂર હોવાથી અહીં અવાજનું કોઈ પૉલ્યુશન નથી.’
સોસાયટીમાં જ મોટું કિચન ગાર્ડન બનાવવામાં આવ્યું છે જ્યાં સંપૂર્ણ ઑર્ગેનિક શાકભાજી અને ફળો ઉગાડવામાં આવે છે એમ જણાવીને ડૉ. અરુણ ઉમેરે છે, ‘આઉટસ્કર્ટ્સ હોવાને કારણે અહીં ગાયનું પ્યૉર દૂધ સરળતાથી મળી રહે છે. અગાઉ કૉલોનીમાં જ ગાયો રાખવાનું આયોજન હતું, પણ એને મૅનેજ કરવામાં પડતી તકલીફને કારણે અને નજીકમાં જ શુદ્ધ દૂધ મળી રહેતું હોવાથી એ પ્લાન પડતો મૂક્યો. અહીં સવારે અસંખ્ય પક્ષીઓનો કલરવ સંભળાય છે. ક્યારેક વાઇપર જેવા ઝેરી સાપ પણ નીકળે છે. પાણી માટે અહીં પોતાના બોરિંગનું મીઠું પાણી છે.’
એક રસોડું
આ સમગ્ર સહજીવનના કન્સેપ્ટનું હૃદય છે અહીંનું કૉમન કિચન. યસ, સામૂહિક રસોડું અને કૉમન ડાઇનિંગ એરિયા છે જ્યાં બાવીસ લોકો એકસાથે બેસીને જમી શકે એવું મોટું ડાઇનિંગ ટેબલ સેટ-અપ છે. ડૉ. સ્મિતા કહે છે, ‘સામાન્ય રીતે મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગના ભારતીય પરિવારોમાં સ્ત્રીઓનો મોટા ભાગનો સમય અને શક્તિ રસોડામાં કુક સાથે માથાકૂટ કરવામાં અથવા મેનુ નક્કી કરવામાં જ જતાં રહે છે, પરંતુ અહીં કૉમન કિચન અને પ્રોફેશનલ સ્ટાફ હોવાને કારણે મહિલાઓ રસોઈની રોજિંદી ઝંઝટમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગઈ છે. હવે તેઓ પોતાની હેલ્થ, એન્જૉયમેન્ટ, ફિટનેસ અને પર્સનલ હૅપીનેસ પર પૂરતું ફોકસ કરી શકે છે. કૉમન કિચનમાં માત્ર પ્યૉર વેજિટેરિયન ભોજન જ બને છે. જો કોઈને કંઈ અલગ ખાવું હોય તો દરેક બંગલામાં પર્સનલ કિચન તો છે જ, જ્યાં તેઓ પોતાની પસંદગીની રસોઈ બનાવી શકે છે. રોજનું મેનુ બધા સભ્યો સાથે મળીને નક્કી કરે છે. જો કોઈ પરિવાર બહારગામ ગયો હોય તો પણ પાછળથી પરિવારના અન્ય સભ્યો જમવાની ચિંતા સંભાળી લે છે. અહીં પ્રાઇવસી અને સોશ્યલાઇઝેશન વચ્ચે સુંદર સંતુલન છે. જો કોઈ સભ્યને ક્યારેક કોઈની સાથે ઇન્ટરૅક્ટ ન કરવું હોય તો તેઓ પોતાના બંગલામાં રહી શકે છે, પરંતુ જો તેઓ બોર થઈ રહ્યા હોય તો તરત જ બહાર વૉક કરવા આવી શકે છે અથવા ગાર્ડનમાં બેસીને અન્ય સભ્યો સાથે ચાની ચૂસકીઓ માણી શકે છે.’
સુખ-દુઃખમાં સાથે
સાથે રહેવાનો અર્થ એટલે સારા સમયમાં ભાગીદાર બનવું અને કપરા સમયમાં એકબીજાની ઢાલ બનવું. ગોલ્ડન હોમના આ પરિવારોએ આ વાત વારંવાર સાબિત કરી છે. ડૉ. સ્મિતા કહે છે, ‘અહીં અમે ‘મૈં’માં નથી જીવતા, પણ ‘હમ’માં જીવીએ છીએ. અહીં વાર-તહેવારો અને બર્થ-ડે ઍનિવર્સરી જેવા ઉત્સવો તો સાથે ઊજવાય જ છે, પણ મુશ્કેલીમાં પણ સાથ અકબંધ રહે છે. જેમ કે મારા દીકરાનાં લગ્ન લેવાનાં હતાં ત્યારે અમને ચિંતા હતી કે એકલા હાથે બધું મૅનેજ કેવી રીતે થશે, પરંતુ ગોલ્ડન હોમના તમામ મિત્રોએ આ ચિંતા હરી લીધી. બધા જ સાથે બેઠા, ચર્ચા કરી અને જવાબદારીઓ વહેંચી લીધી. લગ્ન દરમ્યાન ડાન્સ-પ્રૅક્ટિસથી લઈને મેનુ ડિસાઇડ કરવા સુધીની તમામ નાની-મોટી જવાબદારીઓ મિત્રોએ એવી રીતે ઉપાડી લીધી જાણે આ તેમના જ ઘરનાં લગ્ન હોય. એવી જ રીતે દીકરીની ડિલિવરીનો પ્રસંગ પણ સુપેરે પાર પડી ગયો.’
તાજેતરમાં જ ગ્રુપના સૌથી વરિષ્ઠ સભ્ય પ્રેમભાઈ ગુપ્તાને આંખની સર્જરી કરાવવાની હતી ત્યારે ડૉ. અરુણ અગ્રવાલ સગા ભાઈની જેમ સતત તેમની સાથે રહ્યા અને બધી દોડધામ સંભાળી લીધી. ડૉ. અરુણ પોતે અત્યંત હેલ્થ-કૉન્શ્યસ હોવાથી દર થોડા સમયે કૉલોનીના તમામ સભ્યો અને સ્ટાફનું કમ્પલ્સરી હેલ્થ ચેક-અપ પણ કરી આપે છે. ડૉ. અરુણ કહે છે, ‘વર્ષો સુધી સાથે ટ્રેકિંગ કરવાને કારણે અમારી વચ્ચે એટલો ઊંડો ઘરોબો છે કે શૅર કરવામાં કોઈ નાનમ કે શરમ અનુભવાતી નથી.’
ફ્યુચર છે આ
ઇન્દોરના આ ૬ મિત્રોએ કાગળ પર લખેલા વિચારોને વાસ્તવિકતાની ધરતી પર ઉતારીને સાબિત કરી દીધું છે કે જો મનમાં પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમજણ હોય તો પાછલી જિંદગી કોઈ આશ્રિત થઈને કે બંધ રૂમમાં એકલા ગૂંગળાઈને જીવવાની જરૂર નથી. ભારતીય સમાજવ્યવસ્થામાં જ્યારે સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે ત્યારે આ શૅર્ડ લિવિંગ અને કમ્યુનિટી લિવિંગનો કન્સેપ્ટ આવનારી પેઢીઓ માટે અદ્ભુત દિશાસૂચક દીવાદાંડી સમાન છે. ડૉ. અરુણ અગ્રવાલ કહે છે, ‘આજકાલ સાઇકોસોમૅટિક બીમારીઓ વધી રહી છે, ઇમ્યુનિટી ઘટી રહી છે અને લોકોનું ખુશીનું લેવલ ઘટી રહ્યું છે, કારણ કે લોકો એકલા પડી ગયા છે. હું ૭૦ વર્ષનો થયો છતાં હજી પણ પાતળી સોય પર ચશ્માં વગર દોરો પરોવી શકું છું અને છેલ્લા શ્વાસ સુધી રિટાયર્ડ થવા નથી માગતો. હેલ્ધી લાઇફસ્ટાઇલ, શુદ્ધ હવા અને દોસ્તોના સથવારાથી ઘડપણને સોહામણું બનાવવાનો અમારો આ પ્રયાસ છે.’
