ઑગસ્ટમાં પડેલા વરસાદથી ગુજરાતના ૨૦ જિલ્લાનાં ૬૮૧૨ ગામના ૭ લાખ ખેડૂતો અસરગ્રસ્ત થયા હતા
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ઑગસ્ટમાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને થયેલા ખેતીપાકમાં નુકસાનને લઈને ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં ખેડૂતોને સહાયરૂપ થવા માટે ૧૪૧૯.૬૨ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે.
ઑગસ્ટમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર જિલ્લાનાં કુલ ૧૩૬ તાલુકાનાં ૬૮૧૨ ગામોમાં ભારે વરસાદ પડતાં આ ગામો અસરગ્રસ્ત થયાં હતાં. આ ગામોમાં ૧૨૧૮ ટીમોએ સર્વે હાથ ધર્યો હતો, જેમાં ૭ લાખથી વધુ ખેડૂતો અસરગ્રસ્ત બન્યા હતા જેમને સહાય આપવામાં આવશે.


