કેરલાનાં પ્રથમ મહિલા IPS ઑફિસર આર. શ્રીલેખા તિરુવનંતપુરમમાં BJPનાં મેયર બનશે?
આર. શ્રીલેખા
ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રણીત નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ તિરુવનંતપુરમ સુધરાઈમાં જીત મેળવી એ પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કેરલાનાં પ્રથમ મહિલા ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર આર. શ્રીલેખા અહીં BJPનાં પ્રથમ મેયર બનશે? ૪ દાયકાથી વધુ સમયથી ડાબેરીઓનો ગઢ ગણાતા તિરુવનંતપુરમમાં BJPએ પ્રચંડ જીત મેળવી છે.
તિરુવનંતપુરમ સુધરાઈના સસ્થામંગલમ વિભાગમાંથી ભારે મતોથી વિજય મેળવનારાં શ્રીલેખાને મેયર બનાવવામાં આવી શકે છે. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રીલેખાએ કહ્યું હતું કે ‘મને જાણ કરવામાં આવી છે કે સસ્થામંગલમ વૉર્ડમાં આટલી લીડ ક્યારેય કોઈ ઉમેદવારને મળી નથી. અમે આ નિર્ણય માટે લોકોનો આભાર માનીએ છીએ.’ તિરુવનંતપુરમનાં મેયર બનવાની શક્યતા વિશે પૂછવામાં આવતાં શ્રીલેખાએ કહ્યું હતું કે પાર્ટી આ બાબતે નિર્ણય લેશે.
ADVERTISEMENT
કોણ છે આર. શ્રીલેખા?
તિરુવનંતપુરમમાં જન્મેલાં અને ઊછરેલાં શ્રીલેખા જાન્યુઆરી ૧૯૮૭માં કેરલાનાં પ્રથમ મહિલા IPS અધિકારી બન્યાં હતાં. ૩ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે રાજ્યભરના અનેક જિલ્લાઓમાં પોલીસ એકમોનું નેતૃત્વ કર્યું હતું અને CBI, કેરલા ક્રાઇમ બ્રાન્ચ, વિજિલન્સ વિભાગ, ફાયર વિભાગ, મોટર વાહન વિભાગ અને જેલ વિભાગમાં પણ સેવા આપી હતી.
શ્રીલેખાને ૨૦૧૭માં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી, જેને કારણે તેઓ કેરલામાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં હતાં. ૩૩ વર્ષથી વધુની સેવા બાદ તેઓ ડિસેમ્બર ૨૦૨૦માં નિવૃત્ત થયાં હતાં. શ્રીલેખા નિવૃત્તિ પછી પણ સમાચારમાં રહ્યાં છે. ૨૦૧૭ના ઍક્ટ્રેસના જાતીય શોષણ કેસમાં અભિનેતા દિલીપને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવતા તેમના નિવેદન માટે વિવાદ થયો હતો. તાજેતરમાં તેમણે કૉન્ગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા રાહુલ મમકુટાથિલ સામે જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ પર સવાલ ઉઠાવીને વિવાદ ઊભો કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી પ્રભાવિત થઈને શ્રીલેખા ઑક્ટોબર ૨૦૨૪માં BJPમાં જોડાયાં હતાં.


