આજે ગૂગલ દ્વારા પાણીપુરીનું ડૂડલ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત ગૂગલ દ્વારા પોતાના યુઝર્સને ફન ટાસ્ક પણ આપવામાં આવ્યા છે. જેના કારણે સવારથી જ સોશિયલ મીડિયા પર પાણીપૂરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
તસવીર સૌજન્ય: ગૂગલ સ્ક્રીનશોટ
પાણીપુરી ખાવી કોને ન ગમે? ભારતમાં દરેક જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે પાણીપુરીની ઘણી ગાડીઓ, સ્ટોલ, રેકડીઓ જોવા મળે છે. આ વાનગી પાણીપુરી, ગોલગપ્પા, પટાકે, પડકે, ફૂલકી, પુચકા, પાણી કા બતાશા, ગુપચુપ જેવા નામે વિવિધ શહેરોમાં ઓળખાય છે. ભારતમાં તો લોકો પાણીપુરીના જબરા ફેન છે.
આજે આ પાણીપુરીનો ઉલ્લેખ કરવાનું મુખ્ય કારણ એ છે કે આજે ગૂગલ દ્વારા પાણીપુરીનું ડૂડલ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત ગૂગલ દ્વારા પોતાના યુઝર્સને ફન ટાસ્ક પણ આપવામાં આવ્યા છે. જેના કારણે સવારથી જ સોશિયલ મીડિયા પર પાણીપૂરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
ગૂગલ આજે સાઉથ એશિયન સ્ટ્રીટ ફૂડની જાણે ઉજવણી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2015માં આજના દિવસે એટલે કે 12 જુલાઈએ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક રેસ્ટોરન્ટે 51 વિવિધ પ્રકારની પાણીપુરી પીરસીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આજે આ દિવસની ઉજવણીના જ ભાગ રૂપે ગૂગલે પાણીપુરીનું ડૂડલ બનાવ્યું છે. સાથે તેના યુઝર્સ માટે ગેમ દ્વારા ટાસ્ક પણ આપવામાં આવ્યો છે. ગૂગલે આ પ્રકારનું ડૂડલ બનાવીને યુઝર્સને `પાણીપુરી વાલા` બનવાની જાણે તક આપી છે.
શું છે આ ગેમ?
ગૂગલ દ્વારા જે ગેમ તૈયાર કરવામાં આવી છે તેમાં રમતી વખતે યુઝર્સે ટાઈમર સાથે ટાસ્ક પૂર્ણ કરવાના છે. આ ગેમમાં યુઝર્સે અલગ-અલગ ગ્રાહકોને જે તે ફ્લેવરની પાણીપુરી ખવડાવવાની છે. ગ્રાહકને પાણીપુરી ખવડાવવા માટે યુઝર્સે આપેલ સમયની અંદર ગ્રાહકને નીચે દર્શાવેલ ફ્લેવરનું પાણી પસંદ કરીને પાણીપુરી પીરસવાની રહેશે. યોગ્ય પસંદગી કરીને આ રમતને લાંબા સમય સુધી રમી શકાય છે અને સારા પોઈન્ટ પણ મેળવી શકાય છે.
શું છે પાણીપુરીના ફાયદા?
પાણીપુરીના પાણીમાં ફુદીનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફૂદીનો એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. જે આપણી પાચન શક્તિને વધારે છે. ઉપરાંત તે એસિડિટીની સમસ્યા પણ દૂર કરે છે. પાણીપુરીના પાણીમાં આદુ, જીરું, ફુદીનો, કાળું મીઠું, ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક સામગ્રીમાં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા રહેલી છે.
ઘણીવાર મોંમાં ચાંદા પડી જવાની સમસ્યા થતી હોય છે. આવા સમયે આ પાણીપુરી ખાવાથી મોઢાના ચાંદા મટે છે. પાણીપુરી બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, ફોલેટ, ઝિંક અને વિટામિન A, B-6, B-12, C અને D હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જલજીરાનું પાણી અને ફુદીનો આપણા મોઢાના ચાંદાને મટાડે છે.
જોકે, વરસાદની ઋતુમાં રસ્તા પરની પાણીપુરી અનેક સમસ્યાઓનું કારણ બનતી હોય છે. વરસાદની મોસમમાં સ્ટ્રીટ ફૂડ ન ખાવાની સલાહ ખાદ્ય નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે.


