દેશવાસીઓની તિજોરીમાં સચવાયેલું ૩૧૫ લાખ કરોડનું ૩૪,૬૦૦ ટન સોનું ભારતના GDPના ૮૮.૮ ટકા જેટલું છે
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫માં સોનામાં ૬૨ ટકાની તેજીને કારણે ભારતીય ઘરોમાં રહેલા સોનાનું મૂલ્ય આશરે ૩.૮ ટ્રિલ્યન ડૉલર એટલે કે આશરે ૩૧૫ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના આશરે ૮૮.૮ ટકા જેટલી કિંમતનું સોનું ભારતીયોની તિજોરીમાં પડેલું છે. શુક્રવારે મૉર્ગન સ્ટેનલી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ આંકડા બહાર પડ્યા છે, જેમાં જણાવાયું છે કે ભારતમાં લોકોના ઘરમાં અત્યારે આશરે ૩૪,૬૦૦ ટન સોનું છે.
ભારત અત્યારે ૪.૧૮ ટ્રિલ્યન ડૉલરના GDP સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે. બીજી તરફ પાકિસ્તાનનો GDP આશરે ૩૭૫ બિલ્યન ડૉલર છે એટલે કે ભારતીયોએ તો પાકિસ્તાનના GDP કરતાં દસગણી વધુ કિંમતનું સોનું ભેગું કરીને રાખેલું છે.


