ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝની ચેતવણી : રાષ્ટ્રીય આંકડા ભલે સારા દેખાતા હોય, અર્થતંત્રનો એક-તૃતીયાંશ ભાગ પહેલેથી જ કટોકટીમાં સપડાયો છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગ્લોબલ રેટિંગ્સ એજન્સી મૂડીઝ ઍનલિટિક્સના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝેન્ડીએ અમેરિકન અર્થતંત્ર માટે અત્યાર સુધીની સૌથી ગંભીર મંદીની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રીય આંકડા ભલે સારા દેખાતા હોય, પ્રાદેશિક અને નોકરી સંબંધિત આંકડા ઊંડી નબળાઈ દર્શાવી રહ્યા છે. આ ચેતવણી સરકારના મૂલ્યાંકનથી સંપૂર્ણપણે વિપરીત છે. ઝેન્ડીના મતે અમેરિકાના ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો લગભગ એક-તૃતીયાંશ ભાગ એ રાજ્યોમાંથી આવે છે જે પહેલેથી જ મંદીમાં છે અથવા એની ખૂબ નજીક છે.
નૉર્થ-ઈસ્ટ, સેન્ટ્રલ-વેસ્ટ અને વૉશિંગ્ટન DC પ્રદેશો સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં સરકારી નોકરીઓમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી મે સુધીમાં વૉશિંગ્ટનમાં ૨૨,૧૦૦ સરકારી નોકરીઓ દૂર કરવામાં આવી છે. ટ્રમ્પના શપથગ્રહણ પછી આ કાપ શરૂ કરવામાં આવ્યો હતો. બીજો એક-તૃતીયાંશ સ્થિર છે, જ્યારે બાકીનો એક-તૃતીયાંશ વધી રહ્યો છે.
ADVERTISEMENT
અમેરિકાનાં વિવિધ રાજ્યોના મુદ્દે ઝેન્ડીએ જણાવ્યું હતું કે સાઉથનાં રાજ્યો આગળ વધી રહ્યા છે, પરંતુ ગતિ ધીમી પડી રહી છે. ઝેન્ડીએ અમેરિકાનાં બાવીસ રાજ્યોને મંદી અથવા મંદીના જોખમની શ્રેણીમાં મૂક્યાં છે. સ્થિર પરંતુ નબળાં રાજ્યોની શ્રેણીમાં ૧૩ રાજ્યો છે. ગયા મહિને અમેરિકામાં ફક્ત ૭૩,૦૦૦ નવી નોકરીઓનું સર્જન થયું હતું જે અપેક્ષા કરતાં ઘણું ઓછું છે. મે અને જૂનના આંકડા પણ સુધારવામાં આવ્યા છે, જેને કારણે ૩ મહિનાની સરેરાશ રોજગાર-વૃદ્ધિ માત્ર ૩૫,૦૦૦ થઈ ગઈ છે. ૪૦૦ ઉદ્યોગોમાંથી અડધાથી વધુ નોકરીઓ ગુમાવી રહ્યા છે જે ઇતિહાસમાં મંદીનો સંકેત રહ્યો છે.
આની અસર વિશ્વ અને ભારત પર પણ પડશે
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને કારણે અમેરિકામાં મંદીની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ જોવા મળશે. વિશ્વભરનાં શૅરબજારોમાં ઘટાડો થઈ શકે છે. વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે વૈશ્વિક વેપાર વધુ નબળો પડી શકે છે. બીજી તરફ વૈશ્વિક અર્થતંત્રમાં ઝડપથી વિકાસ પામી રહેલું ભારત પણ અમેરિકાની મંદીથી અસ્પૃશ્ય રહેશે નહીં. ભારતનાં મુખ્ય નિકાસ ક્ષેત્રો જેમ કે માહિતી ટેક્નૉલૉજી, ફાર્માસ્યુટિકલ્સ અને કાપડ મોટા ભાગે અમેરિકન બજાર પર આધારિત છે. અમેરિકામાં ડિમાન્ડ ઘટવાથી આ ક્ષેત્રોમાં નિકાસ ઘટી શકે છે જે ભારતીય કંપનીઓની કમાણીને અસર કરશે. વધુમાં વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપો ભારતીય નિકાસકારો માટે પડકારો વધારી શકે છે. વિદેશી સીધા રોકાણમાં ઘટાડો ભારતના આર્થિક વિકાસને પણ અસર કરી શકે છે.


