Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાવ્ય પટેલનાં મમ્મી દીપિકા મિડ-ડેને કહે છે... મારા દીકરાને હવે ઇ‍ન્ડિયન ટીમમાં જોવા માગું છું

કાવ્ય પટેલનાં મમ્મી દીપિકા મિડ-ડેને કહે છે... મારા દીકરાને હવે ઇ‍ન્ડિયન ટીમમાં જોવા માગું છું

Published : 16 November, 2026 07:08 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાડાછ વર્ષની ઉંમરે પિતાને ગુમાવનાર કાવ્ય પટેલનાં મમ્મી દીપિકા મિડ-ડેને કહે છે...

કાવ્ય પટેલનાં મમ્મી દીપિકા પટેલ.

કાવ્ય પટેલનાં મમ્મી દીપિકા પટેલ.


ઓમાનના મસ્કતમાં શનિવારે રમાયેલી અન્ડર-19 એશિયા કપની દિલધડક ફાઇનલ મૅચમાં પાકિસ્તાનની ૪ વિકેટ ઝડપીને અમદાવાદના પેસ બોલર કાવ્ય પટેલે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ફાઇનલ મૅચ જીત્યા બાદ કાવ્ય પટેલે ફોન કરીને પોતાનાં મમ્મી દીપિકા પટેલ સાથે જીતની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે મમ્મી; મારી મહેનત, મામાની મહેનત અને તારી મહેનત રંગ લાવી છે.    
સાડાછ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા અને મામાની આંગળી પકડીને ક્રિકેટના મેદાનમાં ઊતરેલા અમદાવાદના પેસ બોલર કાવ્ય પટેલે ફાઇનલ મૅચમાં પાકિસ્તાનના ૪ ખેલાડીઓને તંબુ ભેગા કરીને ભારત વતી સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. 

પોતાના દીકરાએ ફાઇનલ મૅચમાં કાંડાનું કૌવત બતાવી સુપર્બ પર્ફોર્મન્સ કરતાં મમ્મી દીપિકા પટેલની ખુશીનો કોઈ પાર નહોતો. દીપિકા પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરાની મૅચ હતી. જે રિઝલ્ટ આવે એ, પણ મારે દીકરાની મૅચ જોવી હતી અને આખી મૅચ જોઈ. ફાઇનલ મૅચમાં સ્પેલ બદલાયો અને કાવ્યને બોલિંગ સોંપી ત્યારે તેણે પહેલા બૉલે વિકેટ ઝડપી ત્યારે મને થયું કે સ્પેલ ચેન્જ કર્યો અને ગેમ બદલાઈ. મને એવું પણ થયું કે મારો દીકરો હજી વધુ વિકેટો ઝડપશે. મારી ધારણા સાચી પડી અને તેણે પાકિસ્તાનના ૪ ખેલાડીઓને આઉટ કર્યા. તેની એક ઓવરમાં બે સિક્સ અને એક ફોર ગયા છતાં પણ તેણે પાછળથી કવરઅપ સારું કર્યું. તેણે અને બીજા બોલર વેંકટે ઍટલીસ્ટ ૪૦ રન રોક્યા. જે સ્પીડે પાકિસ્તાનના ખેલાડીઓ રન કરતા હતા એમાં કાવ્ય અને વેંકટે કન્ટ્રોલ લાવી દીધો હતો. કાવ્યએ વેંકટ સહિત બીજા બોલરો સાથે મળીને પાકિસ્તાનના ખેલાડીઓને વધુ રન બનાવતા કન્ટ્રોલ કર્યા હતા. મને ખુશી છે કે પાકિસ્તાન સામેની ફાઇનલ મૅચમાં મારા દીકરાનું યોગદાન યાદગાર અને સારું રહ્યું. મારા દીકરાનું સ્થાન હવે ઇન્ડિયન ટીમમાં હું જોવા માગું છું. મારા દીકરાને આશા છે કે તે ઇન્ડિયાની ટીમમાં જશે. હવે તે પાછળનું બધુ ભૂલીને આગળની તૈયારી શરૂ કરશે. તેના મામા રોલેશ પટેલ તેની પાછળ મહેનત કરે છે. કાવ્ય સાડાછ વર્ષનો હતો ત્યારે તેના પપ્પાનું મૃત્યુ થયું હતું, પછી મેન્ટર તરીકે તેના મામાએ બહુ જ સપોર્ટ કર્યો છે. મારી મહેનત પણ ખરી, સ્કૂલ લેવલે તેને હું લેવા-મૂકવા જતી, ક્રિકેટ રમવા લઈ જતી-લાવતી હતી.’     



દીપિકા પટેલે કહ્યું હતું કે ‘મૅચ પૂરી થયા બાદ મારા દીકરાનો ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે ઓવરઑલ મારો એક્સ્પીરિયન્સ બહુ જ સારો રહ્યો, બહુ મજા આવી. આખી ટીમનો પર્ફોર્મન્સ જોરદાર રહ્યો હતો. મેં તેને કહ્યું હતું કે બેટા, તેં ૪ વિકેટ લીધી એનાથી મને ખુશી થઈ. મોહિતે અને મનાલે મૅચ જિતાડી તેમના માટે પણ મને ગર્વ થયો તો તેણે કહ્યું કે મમ્મી, મારી મહેનત, મામાની અને તારી મહેનત છે એટલે આ પરિણામ મળ્યું છે, હજી પણ હું આગળ જઈશ.`


   
પ્રેશર ગેમમાં ભાણાએ ૪ વિકેટ ઝડપી અને ખુશ થઈ ગયા મામા  


કૉલેજમાં સ્પોર્ટ્સ-મૅનેજમેન્ટનો અભ્યાસ કરતા કાવ્ય પટેલના મામા રોલેશ પટેલે ભાણાના પર્ફોર્મન્સ વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરૂઆતની ૧૦ ઓવરમાં પાકિસ્તાનના ૯૩ રન થયા હતા. એ વખતે સ્પેલ બદલાયો અને કાવ્ય બોલિંગમાં આવીને પહેલા બૉલે વિકેટ લઈ ગયો અને બ્રેક-થ્રૂ અપાવ્યો હતો પણ પછી બે બૉલમાં બે છગ્ગા અને ત્રીજા બૉલે ચોગ્ગો કાદિરે ફટકાર્યો એ વખતે મનમાં દુઃખ થયું કે આજે ફાઇનલ છે, પાકિસ્તાનની સામે છે અને કાવ્ય જે પ્રમાણેનો ક્વૉલિટી બોલર છે પણ તેની બોલિંગમાં આજે માર પડી રહ્યો છે. પાછળથી જ્યારે ત્રીજા સ્પેલમાં તે આવ્યો ત્યારે તેણે અને ચિગુરુપતિ વેંકટે ભેગા થઈને છેલ્લા સ્પેલમાં વિકેટો પાડી. કાવ્યએ ૩ મહત્ત્વની વિકેટ લીધી હતી. શરૂઆતમાં બોલિંગ પ્રદર્શનથી દુઃખ થયું હતું, પરંતુ પાછળથી જે તેણે કમબૅક કર્યું. આટલી મોટી પાકિસ્તાન સામેની પ્રેશર ગેમમાં જે ફાઇનલી ૪ વિકેટ લીધી એ બહુ જ આનંદ આપે એવી ક્ષણ હતી. ભાણાને ક્રિકેટ માટે માર્ગદર્શન આપ્યું છે, સપોર્ટ કર્યો છે અને ક્રિકેટમાં તેને આગળ લાવવામાં હેલ્પફુલ બન્યો છું, પરંતુ તેની મહેનત એટલી જ છે. તે તેની મહેનતથી આગળ વધ્યો છે. ભારતની બૅટિંગ સમયે એક તબક્કે આપણે હારી જઈએ એવું લાગતાં મેં મૅચ જોવાની છોડી દીધી હતી અને ગાર્ડનમાં ચાલવા જતો રહ્યો હતો, પરંતુ પાછો આવ્યો ત્યારે છેલ્લી ઓવરો ચાલતી હતી. આખરી ઓવરોમાં મોહિતે જાદુ કરી દીધો અને હીરો બની ગયો. મોહિતે આખા દેશનું ગૌરવ વધારી દીધું.’     


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 07:08 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK