Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાંથી ડાબેરીઓના છેલ્લા ગઢના કાંગરા ખરી પડ્યા: કેરલમમાં કૉન્ગ્રેસનો વનવાસ ખતમ, ૧૦ વર્ષે ફરી સત્તામાં

દેશમાંથી ડાબેરીઓના છેલ્લા ગઢના કાંગરા ખરી પડ્યા: કેરલમમાં કૉન્ગ્રેસનો વનવાસ ખતમ, ૧૦ વર્ષે ફરી સત્તામાં

Published : 05 May, 2026 10:42 AM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ ઇન્ડિયાના કેરલમમાં કૉન્ગ્રેસે એના સાથી પક્ષોની સાથે મળીને ૧૦ વર્ષથી સત્તામાં રહેલા ડાબેરી પક્ષોના ગઠબંધનને ઊથલાવી નાખ્યું હતું

કેરલમના કોઝીકોડમાં જીતની ખુશીમાં કૉન્ગ્રેસની ઑફિસે મીઠાઈઓ વહેંચાઈ હતી અને તિરંગા કેક બનાવવામાં આવી હતી.

કેરલમના કોઝીકોડમાં જીતની ખુશીમાં કૉન્ગ્રેસની ઑફિસે મીઠાઈઓ વહેંચાઈ હતી અને તિરંગા કેક બનાવવામાં આવી હતી.


સાઉથ ઇન્ડિયાના કેરલમમાં કૉન્ગ્રેસે એના સાથી પક્ષોની સાથે મળીને ૧૦ વર્ષથી સત્તામાં રહેલા ડાબેરી પક્ષોના ગઠબંધનને ઊથલાવી નાખ્યું હતું અને સત્તા મેળવી હતી. આ જીતથી કૉન્ગ્રેસને જીવતદાન મળ્યું છે. કૉન્ગ્રેસે સસલાની જેમ અથાગ મહેનત કરીને દેશમાંથી ડાબેરીઓના છેલ્લા ગઢને ઉખેડી નાખ્યો છે. ગયા વર્ષે કૉન્ગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટ (UDF)એ કેરલમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો હતો. આનાથી કેરલમમાં કૉન્ગ્રેસને બૂસ્ટર ડોઝ મળ્યો હતો. કૉન્ગ્રેસે આ મહત્ત્વપૂર્ણ સંકેત લેતાં કાળજીપૂર્વક વિજય માટેનો રોડમૅપ તૈયાર કર્યો હતો. કેરલમ કૉન્ગ્રેસમાં આંતરિક બળવો અને ઊથલપાથલને કારણે વિધાનસભાની ચૂંટણીમાં આવા નોંધપાત્ર પરિણામની અપેક્ષા નહોતી, પરંતુ કૉન્ગ્રેસ હાઇકમાન્ડે કેરલમ પ્રદેશ કૉન્ગ્રેસ પ્રમુખ અને કેરલમમાં વિરોધ પક્ષના નેતા વી. ડી. સતીસન સાથે મળીને આંતરિક ઝઘડાને કાબૂમાં લઈને ઇતિહાસ રચ્યો હતો.

ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર કૉન્ગ્રેસને ૬૩ બેઠકો પર જીત મળી છે અને એના સાથી પક્ષ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે બાવીસ બેઠકો જીતી હતી. કેરલમ કૉન્ગ્રેસ (જેકબ)એ પણ એક બેઠક જીતી છે. આ પાર્ટી ૧૯૮૭થી UDFનો ભાગ છે. એવી જ રીતે કેરલમ કૉન્ગ્રેસ UDF સાથે રહી અને ૭ બેઠકો જીતી લીધી હતી.



એકજૂટ થઈને પાયો રચ્યો


કૉન્ગ્રેસ હાઈકમાન્ડ સામે સૌથી મોટો પડકાર ટીમની એકતા જાળવવાનો હતો. આંતરિક સંઘર્ષોના ઉકેલની પ્રક્રિયા તિરુવનંતપુરમના સંસદસભ્ય શશી થરૂરની નારાજગીને સંબોધવાથી શરૂ થઈ. ૨૦૨૬ની શરૂઆતમાં શશી થરૂર વિશે વિવિધ અટકળો ફેલાઈ હતી. આનાથી પાર્ટીને કોઈ નોંધપાત્ર નુકસાન થાય એ પહેલાં રાહુલ ગાંધી અને પાર્ટીપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં તેમની સાથે બે કલાક બંધ બારણે ચર્ચા કરી હતી, જેમાં આંતરિક નારાજગી દૂર થઈ હતી. આ પછી થરૂરને કેરલમ ચૂંટણીપ્રચાર સમિતિના સહસંયોજક નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે સમગ્ર રાજ્યમાં પાર્ટી માટે વ્યાપકપણે પ્રચાર કર્યો જેનો કૉન્ગ્રેસને ફાયદો થયો હતો.

ટિકિટોનું યોગ્ય વિતરણ


આંતરિક સંઘર્ષોના ઉકેલ પછી ટિકિટ વિતરણ માટે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે વિશ્વાસુ નેતા મધુસૂદન મિસ્ત્રીને કેરલમ મોકલ્યા હતા. ગુજરાતના મધુસૂદન મિસ્ત્રીએ ટિકિટ-વિતરણની પ્રક્રિયામાં પોતાનો અનુભવ લગાવ્યો હતો. મધુસૂદન મિસ્ત્રીને ખ્યાલ આવ્યો કે જનતા સરકારમાં પરિવર્તન ઇચ્છે છે, પરંતુ ડાબેરી મોરચાના વિધાનસભ્યો સામે કોઈ નોંધપાત્ર રોષ નથી. આ ઇનપુટના આધારે તેમણે યુથ કૉન્ગ્રેસના યુવા નેતાઓ પર દાવ લગાવીને એક વ્યૂહાત્મક પગલું ભર્યું હતું. મધુસૂદન મિસ્ત્રીની સમિતિએ નિર્ણય લીધો કે ચૂંટણીમાં કોઈ પણ વર્તમાન સંસદસભ્યને ઉમેદવાર તરીકે ઊભો રાખવામાં આવશે નહીં. જોકે આ નિર્ણયનો આંતરિક વિરોધ હતો જેનો કડક રીતે સામનો કરવામાં આવ્યો હતો.

રિસાયેલાઓને મનાવવામાં આવ્યા

નૉમિનેશન ભરવાની અંતિમ તારીખ પહેલાં વર્તમાન સંસદસભ્ય અને ભૂતપૂર્વ રાજ્ય પક્ષપ્રમુખ સુધાકરને પક્ષના આદેશનો અનાદર કર્યો અને ચૂંટણી લડવાની માગણી કરી હતી. એ. કે. ઍન્ટનીને તેમને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી. રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ સુધાકરન સાથે વાત કરીને તેમને સમજાવ્યા ત્યાર બાદ રાહુલ ગાંધી તેમના સમગ્ર પરિવારને મળ્યા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે સુધાકરનની મહેનત અને યોગદાનને સ્વીકાર્યું અને પ્રશંસા કરી. ટિકિટ-વિતરણ પછી કે. સી. વેણુગોપાલે બળવાખોર નેતાઓને સમજાવવાની જવાબદારી લીધી.

વેણુગોપાલની પ્રતિષ્ઠા દાવ પર

વેણુગોપાલ સારી રીતે જાણતા હતા કે રાજ્યમાં તેમની પોતાની પ્રતિષ્ઠા દાવ પર છે. તેથી તેઓ બળવાખોરોના ઘરે તેમની સાથે વાત કરવા માટે વ્યક્તિગત રીતે ગયા અને તેમની ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કર્યું. પાર્ટીનાં પ્રભારી દીપા દાસ મુનશીએ પડદા પાછળ આ પરિવર્તનનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સરકારને ઘેરવા રણનીતિ અને ચૂંટણી-વચનો

એ પછી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPM)ના નેતૃત્વ હેઠળની સરકાર અને મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર તીવ્ર હુમલાઓ થયા. રાહુલ ગાંધીએ પોતે પ્રચારની જવાબદારી સંભાળી હતી. કૉન્ગ્રેસે ૨૫ લાખ રૂપિયા સુધીના આરોગ્ય વીમા કવરેજના વચનનો વ્યાપકપણે પ્રચાર કર્યો. મુસ્લિમ લીગ સાથેના જોડાણને કારણે કૉન્ગ્રેસને મુસ્લિમ મતો મેળવવાનો વિશ્વાસ હતો. જોકે કોઈ ભૂલ ન થાય એ માટે સંસદસભ્ય ઇમરાન પ્રતાપગઢીને મુસ્લિમ મતદારોનો સાથ જાળવી રાખવા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.

પરંપરાગત ખ્રિસ્તી મત-બૅન્ક સંભાળી

ખ્રિસ્તી સમુદાય ઐતિહાસિક રીતે કૉન્ગ્રેસ માટે પરંપરાગત મત-બૅન્ક રહ્યો છે. ચૂંટણીની જાહેરાત પહેલાં પાર્ટીએ ખ્રિસ્તી સમુદાયના સભ્ય સુની જોસેફને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. કૉન્ગ્રેસ જાણતી હતી કે ચર્ચ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને વિદેશથી ભંડોળ મળે છે. આ પ્રવાહને રોકવા માટે BJPએ વિદેશી ભંડોળ પર કડક નિયમો લગાવી દીધા છે. મોદી સરકાર દ્વારા પ્રસ્તાવિત ફૉરેન કૉન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ બિલ ખ્રિસ્તી મતદારોને કૉન્ગ્રેસ સાથે મજબૂત રીતે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે એનો કૉન્ગ્રેસને અંદાજ હતો જે સાચો સાબિત થયો.

કેરલમમાં પાર્ટીવાર સ્થિતિ
પાર્ટીનું નામ    મળેલી બેઠકો
ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસ    ૬૩
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)    ૨૬
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ    ૨૨
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા    ૮
કેરલા કૉન્ગ્રેસ    ૭
રેવૉલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી    ૩
ભારતીય જનતા પાર્ટી    ૩
રાષ્ટ્રીય જનતા દલ    ૧
રેવૉલ્યુશનરી માર્કસિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા    ૧
કેરલા કૉન્ગ્રેસ (જેકબ)    ૧
કમ્યુનિસ્ટ માર્કસિસ્ટ પાર્ટી કેરલા સ્ટેટ કમિટી    ૧
અપક્ષ    ૪
કુલ    ૧૪૦

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 10:42 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK