Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માત્ર અજિત પવારનો નહીં, દેશભરનો રેકૉર્ડ તોડ્યો સુનેત્રા પવારે

માત્ર અજિત પવારનો નહીં, દેશભરનો રેકૉર્ડ તોડ્યો સુનેત્રા પવારે

Published : 05 May, 2026 07:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બારામતીમાં ૨,૧૮,૦૩૪ વોટથી મેળવેલો વિજય વિધાનસભાની ચૂંટણીઓમાં ઑલટાઇમ હાઈ માર્જિન : ૭૫ % વોટશૅરનો શરદ પવારનો રેકૉર્ડ પણ તોડ્યો, કુલ મતમાંથી ૯૭.૮૧ ટકા મત મેળવ્યા

બારામતીમાં વિજય પછી અજિત પવારની છબિને નમન કરતાં સુનેત્રા પવાર.

બારામતીમાં વિજય પછી અજિત પવારની છબિને નમન કરતાં સુનેત્રા પવાર.


અજિત પવારના અવસાનને પગલે ખાલી પડેલી બારામતી વિધાનસભાની બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં સુનેત્રા પવારે મોટી જીત મેળવી છે. પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલાં સુનેત્રા પવારને ૨,૧૮,૯૬૯ મત મળ્યા છે, જ્યારે તેમની સામેના બાવીસ ઉમેદવારો અને નન ઑફ ધ અબવ (NOTA)ને કુલ ૪૯૦૯ મત મળ્યા છે. તેમની સામેના કોઈ પણ ઉમેદવારને ૧૦૦૦થી વધુ મત મળ્યા નથી. બારામતીની પેટાચૂંટણીમાં પોતાને પ્રબળ દાવેદાર ગણાવતા અપક્ષ ઉમેદવારો કરુણા મુંડેને ૩૦૧, જ્યારે અભિજિત બિચકુલેને ૩૩૩ જ મત મળ્યા હતા. આમ સુનેત્રા પવારે ૨,૧૮,૦૩૪ મતના પ્રચંડ માર્જિનથી જીત મેળવી છે. 

અજિત પવારે ૨૦૧૯માં ૧,૬૫,૨૬૫ મતથી તેમના પ્રતિસ્પર્ધીને હરાવ્યા હતા. આ વોટ-માર્જિનનો રેકૉર્ડ સુનેત્રા પવારે તોડ્યો છે. સાથે જ દેશમાં યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ વોટ-માર્જિનથી જીતવાનો રેકૉર્ડ પણ હવે સુનેત્રા પવારના નામે થયો છે. ૨૦૨૨માં ઉત્તર પ્રદેશના સુનીલ કુમાર શર્મા વિધાનસભાની ચૂંટણીમાં ૨,૧૪,૮૩૫ મતથી જીત્યા હતા. ગઈ કાલે સુનેત્રા પવારે ૨,૧૮,૦૩૪ વોટ-માર્જિનથી જીતીને આ રેકૉર્ડ તોડ્યો છે.



શરદ પવારે ૧૯૯૦માં કુલ વોટમાંથી ૭૫ ટકા વોટ મેળવીને હાઇએસ્ટ વોટ-શૅર મેળવવાનો રેકૉર્ડ કર્યો હતો. આ રેકૉર્ડ પણ સુનેત્રા પવારે તોડ્યો છે. ગઈ કાલની જીતમાં સુનેત્રા પવારે કુલ મતમાંથી ૯૭.૮૧ ટકા મત મેળવ્યા હતા.


જીતનો જશન નહીં
અજિત પવાર અને સુનેત્રા પવારના દીકરા જય પવારે અજિત પવારના સ્મૃતિસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યકરોને વિજય સરઘસ કાઢવાની અને ગુલાલ ઉડાડીને જશન મનાવવાની પણ ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમે કોઈ આવું ઇલેક્શન નહોતા ઇચ્છતા. વળી હાલમાં જ ભોરમાં પણ દુખદ ઘટના બની છે એટલે અમે આ જીતનો જશન મનાવવા નથી માગતા.’
 દર ગુરુવારે બારામતીમાં લોકદરબાર ભરીને લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે એવી જાહેરાત પણ જય પવારે કરી છે.

આ ફક્ત શરૂઆત છે નિશ્ચય, સંઘર્ષ અને નવા બારામતીની: સુનેત્રા પવાર
બારામતીના લોકોએ તેમના મત દ્વારા જે વિશ્વાસ દર્શાવ્યો છે એ અજિત પવારની પવિત્ર સ્મૃતિને સમર્પિત છે એમ કહેતાં NCPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘બારામતીના લોકોએ આપેલા મતોને હું ‘દાદા’ પ્રત્યેના તેમના વિશ્વાસના જનાદેશ તરીકે માનું છું. તેમણે કરેલા કાર્ય, તેમણે કરેલી સેવા અને લોકો પ્રત્યેના તેમના પ્રેમનો આ પુરાવો છે જે જનતાએ તેમના મત દ્વારા મને પહોંચાડ્યો છે. દાદાના સપનાનું બારામતી બનાવવાની તક આપવા બદલ બારામતીના તમામ લોકોનો આભાર. આ અંત નથી, આ ફક્ત શરૂઆત છે. નિશ્ચય, સંઘર્ષ અને નવી બારામતીની.’ 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK