Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ચટ મંગની અને બાકી બધું પટ પટ

Published : 05 May, 2026 11:40 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આવા રિલેશનશિપની ખૂબી શું એ વિશે વાત કરીએ...

ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેનાથી ઉંમરમાં ૧૦ વર્ષ નાના નિક જોનસ સાથે પરિચયના એક મહિનાની અંદર લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ હતી

ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેનાથી ઉંમરમાં ૧૦ વર્ષ નાના નિક જોનસ સાથે પરિચયના એક મહિનાની અંદર લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ હતી


આજે જ્યારે ‘પહલે ઇસ્તેમાલ કરેં, ફિર વિશ્વાસ કરેં’નો જમાનો છે અને લગ્ન પહેલાં લિવ-ઇનમાં રહીને કૉમ્પેટિબિલિટી ચેક કરતાં કપલ્સની સંખ્યા વધી રહી છે ત્યારે પહેલી મુલાકાતના એકાદ મહિનામાં જ લગ્નગ્રંથિથી જોડાઈ જાય, બાળક પણ વહેલું થઈ જાય અને છતાં હૅપી હોય એવું કેવી રીતે શક્ય છે? તેમની વચ્ચે તાલમેલના ઇશ્યુઝ નહીં આવતા હોય? તેમની વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગમાં ફાચર નહીં પડતી હોય? પ્રિયંકા ચોપડા અને નિક જોનસ વચ્ચે પણ એક જ મહિનામાં સગાઈ અને લગ્ન બન્ને થઈ ગયાં હતાં. આવા રિલેશનશિપની ખૂબી શું એ વિશે વાત કરીએ...

રિલેશનિ‌શિપ અને પેરન્ટિંગ આ બે એવા મુદ્દાઓ છે આજના સમયના જેમના વિશે સતત કંઈક નવું-નવું આવતું રહે છે અને એ બધું જ લોકોમાં આકર્ષણ પણ જમાવતું રહે છે અને એ પછીયે બદલાવના મામલામાં સતત લોકો ફાંફાં મારતા રહે છે. પારાવાર ડેટિંગ-ટ્રેન્ડ્સ અને રિલેશનશિપ ફૉર્મ્યુલાઝની વચ્ચે ફરી એક વાર જૂના જમાનાની, સંબંધોને ટપાર્યા વિના સીધા જ જીવવાની વાતો ચર્ચામાં આવી છે. ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેનાથી ઉંમરમાં ૧૦ વર્ષ નાના નિક જોનસ સાથે પરિચયના એક મહિનાની અંદર લગ્નગ્રંથિથી જોડાઈ ગઈ હતી અને છતાં તેઓ પોતાને હૅપીલી મૅરિડ ગણાવે છે. આજના સમયમાં જ્યારે દરેક વસ્તુના ટ્રાયલ પૅક મળતા થયા છે ત્યારે સંબંધોમાં કોઈ પણ જાતની પૂર્વ-ટ્રાયલ વિના લાઇફ-પાર્ટનરની પસંદગી અને ગણતરીના દિવસોમાં લગ્ન પણ કરી લેવાની બાબત ખરેખર જસ્ટિફાય થાય છે? આજના કપલમાં પાયાના ગણાતા પ્રૉબ્લેમ્સ આ ચટ મંગની, પટ બ્યાહવાળા કપલ પાસે નહીં આવતા હોય? કઈ રીતે તેઓ જાણ્યા વિના કૉમ્પેટિબિલિટી અથવા તો જેન-ઝીની ભાષામાં વાઇબ્સ મૅચ કરતા હશે? આ જ જાણવા માટે કેટલાંક કપલ અને રિલેશનશિપ એક્સપર્ટ સાથે થયેલી વાતચીત પ્રસ્તુત છે.



એમાં શું વળી?


કોઈ વ્યક્તિને પહેલી જ વાર મળ્યા હો અને ઓળખાણના ૧૫ દિવસમાં જ તેની સાથે લગ્ન કરી લો અને લગ્નની પહેલી ઍનિવર્સરી પહેલાં પહેલું બાળક પણ આવી જાય. આટલી ઝડપથી આગળ વધેલા સંબંધની વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગનો ટાઇમ મળી જતો હશે? આનો જવાબ પરેલમાં રહેતા મહેશ સોઢાથી બહેતર કોઈ આપી શકે નહીં. પહેલી ફેબ્રુઆરીએ મળ્યાં, ચોથી ફેબ્રુઆરીએ સગાઈ અને ૧૬ ફેબ્રુઆરીએ લગ્ન. મહેશ સોઢા કહે છે, ‘અમે એવું નક્કી નહોતું કર્યું કે વહેલાં લગ્ન કરવાં, પણ યોગાનુયોગ જ થઈ ગયાં. લગ્ન થયાં ત્યારે મારી ઉંમર ૩૨ વર્ષની અને કવિતાની ૨૭ વર્ષની. તે તાતાના એક શોરૂમમાં જૉબ કરતી હતી. કૉમન પરિચયને કારણે મિત્રએ છોકરી જોઈ આવવા કહ્યું. હું કસ્ટમર બનીને તેના શોરૂમમાં ગયો અને તેને જોઈ. મને ગમી ગઈ એટલે માગું મોકલ્યું. બીજા દિવસે પરિવાર સાથે તેઓ અમારા ઘરે આવ્યા અને વાત પાકી થઈ ગઈ. રૂપિયો-નારિયેળની વિધિ પતાવીને બે દિવસ પછી સગાઈ કરી અને એ જ દરમ્યાન અમારી જ્ઞાતિનાં ૧૦ દિવસ પછી સમૂહલગ્ન થઈ રહ્યાં છે એવી ખબર પડી એટલે મારી પત્નીના પરિવારની ઇચ્છા હતી કે એમાં અમે લગ્ન કરી લઈએ. ધામધૂમથી લગ્ન કરવાં હોય તો મુંબઈનું ઘર વેચીને વિરાર શિફ્ટ થઈ જઈએ એવી વાત તેમણે કરી હતી જે મને કોઈ કાળે મંજૂર નહોતી. કોઈનું ઘર છોડાવીને હું મારું ઘર માંડી જ કેમ શકું? આખા સંજોગો એવા ઊભા થયા કે ૧૬ તારીખનાં સમૂહલગ્ન માટે બન્ને પરિવારો સહમત થયા અને લગ્ન થઈ ગયાં. અમે આજ સુધી હૅપીલી મૅરિડ છીએ એવું હું ગર્વ સાથે કહી શકું છું.’

એકબીજાના સ્વભાવમાં ટકરાવ નથી થયા? એના જવાબમાં બહુ જ સરસ જવાબ આપતાં મહેશભાઈ કહે છે, ‘સંબંધને સાચવવાની અને જાળવવાની ઇચ્છા બન્ને તરફથી હોય ત્યારે ટકરાવની ઘડીઓમાં પણ બન્ને એકબીજાને સાચવી લેતા હોય છે. અમારા તો લગ્નના એક વર્ષની અંદર દીકરી આવી ગઈ હતી. આજે દીકરીના ઘરે પણ દીકરી છે અને એ બધાં જ વર્ષોમાં આપસમાં સંબંધને નિભાવવાની ભાવના એટલી પ્રબળ હતી કે બાંધછોડ કરવી પડે એનો ભાર ન મને લાગ્યો, ન તેને લાગ્યો. સગા ભાઈઓ વચ્ચે ખટરાગ હોય છે ત્યારે સાવ બે અજાણી વ્યક્તિ એકસાથે રહેવા માંડે ત્યારે કોઈક વાર મતભેદ થાય પણ ખરા, પણ સૌથી મહત્ત્વની વાત એ કે જ્યારે લાગણી હોય ત્યારે દોષો આપોઆપ ગૌણ બની જતા હોય છે. જતું કરવું અને ચલાવી લેવું એ વિના કોઈ પણ સંબંધ ચાલે જ નહીં. આજકાલ નાનીઅમથી વાતોમાં સંબંધ તૂટી જાય છે ત્યારે મને ખરેખર અમારા જમાનાની એ સંબંધોની નિષ્ઠા બહુ વહાલી લાગે છે. અમારા એક સંબંધીના દીકરાની સગાઈ એ કારણથી છોકરીએ તોડી નાખી કે તે ફરવા જતો ત્યારે પગમાં શૂઝને બદલે ચંપલ પહેરીને જતો. હવે આવી માનસિકતામાં ક્યાં ભેગું આવવાનું? અમારી દૃષ્ટિએ સંબંધ તમારી ઓળખાણનાં વર્ષોના આધારે નહીં પણ સમજદારીના આધારે ટકતા હોય છે.’


એક આગ તો બીજો પાણી

૨૪ વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયેલાં રંજન અને રોહિત ગાલા પણ ચટ મંગની, પટ બ્યાહનું ક્લાસિક એક્ઝામ્પલ છે. ૨૦૦૨ની ૨૮ નવેમ્બરે સગાઈ અને ૧૪ ડિસેમ્બરે લગ્ન. એ ૧૫ દિવસમાં બન્ને અલગ-અલગ સમયે ગામ ગયાં એટલે ૧૪ દિવસની કોર્ટશિપમાં બે જ વાર બન્ને મળ્યાં. તેમના પાંચમા મિલન વખતે તેમણે ૭ ફેરા લઈ લીધા હતા. રંજનબહેન કહે છે, ‘મારો દીકરો અમારી ફર્સ્ટ ઍનિવર્સરી વખતે જન્મી ગયો હતો. મને પણ નથી ખબર કે હું શું કામ આટલું જલદી માની ગઈ અને મને કૉમ્પેટિબિલિટી જામશે કે નહીં જેવા પ્રશ્નો કેમ જાગ્યા નહીં. સાચું કહું તો અત્યારે પણ એ પ્રશ્ન નથી જાગ્યા એની ખુશી છે, કારણ કે રોહિતથી બેસ્ટ પાર્ટનર મને મળી જ ન શક્યા હોત. એ સમયે મારા પેરન્ટ્સ અને ભાઈએ વિશ્વાસ આપ્યો કે છોકરો અને પરિવાર સારા છે, તું હા પાડી દે અને મેં હા પાડી દીધી. રોહિત સાથેની પહેલી મુલાકાતમાં તેમના પ્રશ્નોએ મને ઇમ્પ્રેસ કરી હતી. એ સિવાયના કોઈ વિચારો જ નહોતા આવ્યા. તમે બહુ વિચારો તો બહુ જ દુખી થાઓ. જે સામે આવે એને સહર્ષ સ્વીકારીને ચાલો તો જીવનમાં બધું જ સારું થાય એ મારો અનુભવ છે. એકબીજા પર અતૂટ વિશ્વાસ અને એક ગરમ તો બીજાએ ઠંડા રહેવાનું અને સમય સાચવી લેવાનો એ જ છે અમારી હૅપી મૅરેજ-લાઇફનું સીક્રેટ. અમે બન્ને એકબીજાને ફુલ સપોર્ટ આપીએ. હું હીલિંગ ફીલ્ડમાં છું અને મારે ટ્રાવેલ કરવું પડે તો એમાં રોહિત ક્યારેય આડા ન આવે અને રોહિત તેમના મિત્રો સાથે ક્યાંય જવા માગતા હોય તો મારી બાજુથી પણ કોઈ વિરોધ ન હોય. બન્ને એકબીજાને મનાવવામાં એક્સપર્ટ છીએ. કૉમ્પેટિબિલિટી નૅચરલી આવી જાય જ્યારે તમે આ જ વ્યક્તિ સાથે રહેવાનું છે એવું મનોમન નક્કી કરી લો. મને લાગે છે કે સંબંધોમાં પારદર્શિતા, વિશ્વાસ અને સરખા પાયે ફ્રીડમ અપાય ત્યારે એ લાઇફટાઇમનો બની જતો હોય છે.’

સમય નહીં સમજણ

તમે દાયકાઓ સાથે રહો અને એકબીજાને ઓળખી ન શકો અને તમે એક દિવસ સાથે રહો અને એકબીજાને ઓળખી જાઓ એ માત્ર ફિલ્મી ડાયલૉગ નથી પણ હકીકત છે. રિલેશનશિપ કાઉન્સેલર નીતા શેટ્ટી કહે છે, ‘અન્ડરસ્ટૅન્ડિંગને તમે કેટલો સમય સાથે રહ્યા છો એની સાથે નહીં પણ તમે સંબંધને કેટલો મૅચ્યોરલી હૅન્ડલ કરો છે એની સાથે લેવાદેવા છે. રિલેશનશિપમાં એકબીજા માટે વૅલ્યુ હોય. તમે આદર સાથે સંબંધને જોતા હો તો બાકી બધી બાબતો આપોઆપ આવી જતી હોય છે. જે ક્ષણે રિલેશનશિપમાં તોછડાઈ આવવાની શરૂ થઈ એ સમયથી રિલેશનશિપ કેટલી પણ જૂની હશે એ તૂટવાની શરૂ થઈ જશે. એટલે હું બધાં જ કપલને કહેતી હોઉં છું કે એક વર્ષથી તમે સાથે હો કે ૧૦ વર્ષથી, ગમે એવી નબળી ક્ષણોમાં એકબીજા સાથે તોછડા ન થઈ જાઓ, સંબંધમાં આદરપૂર્ણ ગરિમાઓ ન ચુકાઈ જાય એની ખાસ માવજત કરો. એ જ તમારા સંબંધની કરોડરજ્જુ છે.’

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 11:40 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK