પુણેના નવલે બ્રિજ પર બે ટેમ્પો વચ્ચે પિકઅપ વૅન ચગદાઈ ગઈ, ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ
બે ટ્રક વચ્ચે ફસાઈ ગયેલી પિકઅપ વૅનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાંનાં શાકભાજી રોડ પર ફેંકાઈ ગયાં હતાં.
પુણેના નવલે બ્રિજ પર થયેલા અકસ્માતમાં ત્રણ વાહનો એકબીજા સાથે જોશભેર અથડાયાં હતાં અને એમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે જણાવ્યા અનુસાર કન્ટેનર ટ્રકના ડ્રાઇવરે શાકભાજી લઈને જઈ રહેલી પિકઅપ વૅનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી એને કારણે એ પિકઅપ વૅન આગળ જઈ રહેલા ટેમ્પો સાથે અથડાઈ હતી. આ ટક્કરને પગલે પિકઅપ વૅન ચગદાઈ ગઈ હતી અને એના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ટેમ્પોનો ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આમ બે ટ્રક વચ્ચે આવી ગયેલી પિકઅપ વૅનનો ખુડદો બોલી ગયો હતો. અકસ્માતને કારણે મુંબઈ તરફ જતી લેનનો ટ્રાફિક જૅમ થયો હતો. ટક્કરને કારણે ટેમ્પોમાંથી શાકભાજી અને ફળો રસ્તા પર વિખેરાઈ ગયાં હતાં. અમુક લોકો રસ્તા પર પડેલાં શાકભાજી અને ફળ ઉપાડી ગયા હતા. પોલીસે ત્યાર બાદ ક્રેન બોલાવીને અકસ્માતના ત્રણેત્રણ વાહનોને સાઇડમાં હટાવીને રોડ ક્લિયર કર્યો હતો.
ઘોડબંદર રોડ પર ભયાનક અકસ્માત- ૧૭ વર્ષના ટીનેજરનું મોત, બેદરકાર વાહનચાલક સામે ગુનો નોંધાયો
ADVERTISEMENT
થાણેના ઘોડબંદરના કાસારવડવલીમાં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા સિમેન્ટ-કૉન્ક્રીટના ડમ્પરની અડફેટે આવી જતાં રવિવારે સાંજે ૧૭ વર્ષના અંશ બાગલનું મૃત્યુ થયું હતું. આ મામલે કાશીગાવ પોલીસે ડમ્પરના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. રવિવારે સાંજે અંશ જમ્યા બાદ રાતે ૧૦ વાગ્યે બાઇક પર ચક્કર મારવા નીકળ્યો હતો એ સમયે તેનો ઍક્સિડન્ટ થયો હતો. આ ઍક્સિડન્ટ એટલો ભયાનક હતો કે અંશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
