Char Dham Yatra 2024: કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી આ દરેક ધામના મંદિરોમાં ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે.
કેદારનાથ મંદિરની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- યાત્રાના માત્ર 11 દિવસમાં 3.19 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા છે.
- કેદારનાથ ધામમાં ભક્તોની વધતી ભીડને કારણે મંદિરને 20 કલાક સુધી ખુલ્લું મૂકવાનો નિર્ણય
- દર્શન કરવા માટે આવેલા ભક્તોની વ્યવસ્થા માટે રાત્રે મંદિરમાં 15 વિશેષ કર્મચારીઓ તહેનાત
દેશમાં ચારધામની યાત્રા (Char Dham Yatra 2024) શરૂ થઈ ગઈ છે, આ સાથે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી આ દરેક ધામના મંદિરોમાં ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. જોકે આ બધા મંદિરો કરતાં પણ વધારે ખાસ કરીને ઉત્તરાખંડમાં આવેલા કેદનરનાથ ધામના મંદિરમાં રેકોર્ડ બ્રેકિંગ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. કેદારનાથ આવતા ભક્તોની ભારે ભીડને જોઈને મંદિર પ્રશાસન દ્વારા ખાસ કરીને ભક્તો માટે ભગવાન કેદારનાથનું મંદિર 24 કલાકમાંથી 20 કલાક માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેદારનાથ મંદિર પ્રશાસનના આ નિર્ણયથી ભકતોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેદારનાથ મંદિરને 20 કલાક ખુલ્લું રાખવામાં આવવાનું છે, તેમ જ આ દરમિયાન યાત્રાળુઓને મંદિરમાં બાબા કેદારનાથનો (Char Dham Yatra 2024) શણગાર, આરતી દર્શન તેમજ વિશેષ પૂજાની સાથે ધાર્મિક દર્શન કરવાનો પણ મોકો આપવામાં આવવાનો છે. કેદારનાથ ધામમાં ભક્તોની વધતી ભીડને કારણે મંદિરને 20 કલાક સુધી ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.
ADVERTISEMENT
ચારધામ યાત્રાના પહેલા દિવસથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ (Char Dham Yatra 2024) જોવા મળી રહી છે. આ બાબતે ચારધામ યાત્રા માટે આવેલા ભક્તોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાના અહેવાલ મુજબ યાત્રાના માત્ર 11 દિવસમાં 3.19 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા છે. તેમ 20 મેના રોજ સૌથી વધુ 37,480 ભક્તોને કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા હતા જે આ વર્ષના એક દિવસમાં ભક્તો મુલાકાત લેનારા તીર્થયાત્રીઓની સંખ્યામાં સૌથી વધારે હતું.
કેદારનાથ ધામમાં (Char Dham Yatra 2024) આવતા શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ ક્વારા દિવસના ચોવીસ કલાકમાંથી વીસ કલાક ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવાની વ્યવસ્થા કરી છે. આ દરમિયાન મંદિર સવારે પાંચ વાગ્યાથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે જે ત્રણ વાગ્યા સુધી દર્શન શરૂ રહેશે. ત્યારબાદ ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ભક્તો માટે મંદિર બંધ રહેશે. આ સમય દરમિયાન મંદિરમાં સફાઇ, ભોગ વગેરે કરવામાં આવશે અને તે બાદ પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યા દરમિયાન મંદિરમાં દર્શન ફરી શરૂ કરવામાં આવશે. તેમ જ સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી શૃંગાર આરતી દર્શન કરવામાં આવશે અને તે પછી રાતે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી મંદિર સાફ-સફાઇ કરવાં આવશે અને રાતે 10 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી વિશેષ પૂજા કરીને વહેલી સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મંદિરમાં ફરીથી સાફ સફાઈ કરવામાં આવશે.
મંદિર સમિતિના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મંદિર સમિતિ દ્વારા દર્શન કરવા માટે આવેલા ભક્તોની વ્યવસ્થા માટે રાત્રે મંદિરમાં 15 વિશેષ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ સાથે કેદારનાથ ધામમાં દરેક શ્રદ્ધાળુઓને (Char Dham Yatra 2024) મંદિરના ગર્ભગૃહમાં સ્પર્શ દર્શનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ સાથે હેલી સેવાના લોકોને પહેલા દર્શન આપવા સામે ચાલી રહેલો વિરોધ પણ બંધ થઈ ગયો છે. મંગળવારથી હેલી સેવાના લોકો માટે પહેલા દર્શનની સુવિધા પણ ફરી શરૂ કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.

