૮ વર્ષના બાળકથી લઈને ૮૫ વર્ષના વૃદ્ધો વિદ્યાર્થી બનીને આવ્યા અને ધાર્મિક જ્ઞાન મેળવવા સાથે આધુનિક શિક્ષણના પાઠ ભણ્યા
મઝગામ સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન લીમડી અજરામર સંપ્રદાયનાં પરમ પૂજ્ય શીતલબાઈ મહાસતીજી અને પરમ પૂજ્ય પ્રિયંકાબાઈ મહાસતીજી સાથે સંઘના કમિટી મેમ્બરો.
મઝગામ બજાર કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘમાં યોજાયો જ્ઞાન સાથે ગમ્મતનો અનોખો કાર્યક્રમ
સાઉથ મુંબઈના શ્રી મઝગામ બજાર કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘમાં ગઈ કાલે ‘ચલો સ્કૂલ ચલેં હમ’ નામના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની અને નવી પેઢી બન્ને સાથે બેસીને ધાર્મિક તથા આધુનિક પ્રશ્નોના જવાબ આપી શકે એવા ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં નવી પેઢીને આધુનિક રૂપે ધાર્મિક શિક્ષણ આપવાનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે તેમનામાં ધર્મના સંસ્કાર રોપવામાં મદદગાર સાબિત થયો હતો.
ADVERTISEMENT

બન્ને મહાસતીજીઓ સાથે પ્રિન્સિપાલની ભૂમિકામાં અમૃતબહેન ગાલા.
મઝગામ સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન લીમડી અજરામર સંપ્રદાયનાં પરમ પૂજ્ય શીતલબાઈ મહાસતીજી અને પરમ પૂજ્ય પ્રિયંકાબાઈ મહાસતીજીની નિશ્રામાં અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૮ વર્ષના બાળકથી લઈને ૮૫ વર્ષના વૃદ્ધોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ નવતર કાર્યક્રમ બાબતે માહિતી આપતાં સંઘના સેક્રેટરી મિલિંદ ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ૧૩ વર્ષ પછી પૂજ્ય શીતલબાઈ મહાસતીજી અને પૂજ્ય પ્રિયંકાબાઈ મહાસતીજીના સાંનિધ્યનો લાભ મળ્યો છે. આ બન્ને મહાસતીજીએ ચાતુર્માસ દરમ્યાન અત્યાર સુધીમાં ધાર્મિક રક્ષાબંધન, ધાર્મિક દહીહંડી, આગમોનાં પૂજન જેવાં અનેક અનુષ્ઠાનો અવનવી રીતે આયોજીને સંઘમાં લોકોને ધર્મમય બનાવવામાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. આ બન્ને મહાસતીજીઓને થોડા દિવસ પહેલાં મનમાં વિચાર આવ્યો હતો કે આપણે ત્યાં પાઠશાળામાં તો બાળકો અને તેમના વડીલો ધાર્મિક જ્ઞાન મેળવવા અને અભ્યાસ કરવા જતાં જ હોય છે, પરંતુ આપણે એક એવો પ્રયોગ કરીએ જેમાં આપણે જૂના જમાનામાં જેમ સ્કૂલમાં જતા હોય એ રીતે બધાને એક સ્કૂલમાં ભેગા કરીએ જ્યાં સ્કૂલના કલાસરૂમમાં બન્ને પેઢી સાથે આવીને ધાર્મિક તથા આધુનિક પ્રશ્નોના જવાબ આપે. જ્ઞાન સાથે ગમ્મત પણ કરે.’

ક્લાસરૂમ તરીકે પરિવર્તિત મઝગામ બજાર કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘના હૉલમાં ભણવા આવેલા આબાલ-વૃદ્ધો અને ટીચરનો રોલ ભજવી રહેલાં મહાસતીજીઓ.
સંઘના પ્રમુખ હિતેશ ગંગર પાસે મહાસતીજીઓએ આ વિચારની રજૂઆત કરી અને તેમણે મહાસતીજીની આ રજૂઆતને વધાવી લીધી હતી. એ સંદર્ભમાં મિલિંદ ગંગરે કહ્યું હતું કે ‘તરત જ અમે અમારા સંઘના હૉલને સ્કૂલમાં પરિવર્તિત કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. એમાં અમે સ્કૂલની જેમ બેન્ચ મૂકી હતી. કલાસરૂમમાં ચાર ગ્રુપ બનાવવામાં આવ્યાં હતાં. તેમણે રેડ, બ્લુ, ગ્રીન, યલો રંગનાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. બન્ને મહાસતીજીઓ ટીચર બન્યાં હતાં. અમારા સંઘના મૅનેજિંગ ટ્રસ્ટી ડૉ. કેકીન ગાલાનાં માતુશ્રી અમૃતબહેન ચુનીલાલ ગાલાએ પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી હતી. સંઘના આઠ વર્ષથી ૮૫ વર્ષ સુધીના અબાલ-વૃદ્ધો અને વડીલો યુનિફૉર્મમાં સજ્જ થઈને છાત્ર બનીને સ્કૂલમાં આવ્યા હતા.’
સૌએ જૂની કવિતાઓ અને ધાર્મિક સવાલ-જવાબનું આદાન-પ્રદાન કર્યું હતું એ સંદર્ભે હિતેશ ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકો ખૂબ ઉમંગ અને ઉત્સાહમાં આવ્યા હતા. બધાને જૂની કવિતાઓ તથા મહાસતીજીના વ્યાખ્યાનમાં આવતા હોય એવા નવા ધાર્મિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમ જ ગણિત સાથે વિજ્ઞાનના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. એમાંથી જે ટીમ વિજેતા થઈ એને પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ એમ ચાર શ્રેણીમાં ઇનામ આપવામાં આવ્યાં હતાં. પ્રિન્સિપાલ અમૃતબહેને બધી ટીમને તેમના પૉઇન્ટ સાથે માર્ક આપ્યા હતા. તેમને અમારા સંઘની ચાર શ્રાવિકાઓએ સાથ-સહકાર આપ્યો હતો.`


