૯ ગંભીર દરદીઓને સારી સારવાર માટે ઍમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈની સરકારી સ્ટેનલી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
તામિલનાડુના તિરુવલ્લુરની ફૅક્ટરીમાં અમોનિયા ગૅસ લીક થવાની ફરિયાદ મળ્યા પછી ગઈ કાલે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનોએ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું.
તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક સી-ફૂડ એક્સપોર્ટ ફૅક્ટરીમાં ગઈ કાલે અમોનિયા ગૅસ લીક થવાને પગલે ૭ મહિલા કર્મચારીઓનાં મોત થયાં હતાં, જ્યારે ૬૭થી વધુ લોકો ઘાયલ થયા હતા. એમાં ૯ લોકોને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. ગૅસ લીકેજ સેન્ટ પીટર્સ પૉલ સી-ફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં થયું હતું. આ ઘટના બાદ ફૅક્ટરી પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં અસરગ્રસ્ત મોટા ભાગના લોકો ઉત્તર ભારતનાં વિવિધ રાજ્યોના સ્થળાંતરિત કામદારો અને મુખ્યત્વે મહિલાઓ હતી. અમોનિયા ગૅસ લીક બાદ ઘણા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, ઊબકા અને ઊલટી થવાની સમસ્યા થઈ હતી. અકસ્માતમાં અસરગ્રસ્ત મોટા ભાગના કામદારો ચોવીસથી પચીસ વર્ષની યુવતીઓ છે. નાની ઉંમરને કારણે તેઓ સ્વસ્થ થવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ સંદર્ભમાં જિલ્લા-કલેક્ટર એસ. કવિતાએ જણાવ્યું હતું કે ‘૪૬ દરદીઓને વેલ્સ હૉસ્પિટલમાં અને ૨૧ દરદીઓને વેન્કટેશ્વર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૯ ગંભીર દરદીઓને સારી સારવાર માટે ઍમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈની સરકારી સ્ટેનલી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
ગૅસ લીક ફૅક્ટરીના એક મેજર વાલ્વમાંથી થયો હતો. ઘટનાનું કારણ શોધવા માટે ડીન ડૉ. શાંતારામની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ ઘટનામાં ફૅક્ટરીના માલિકની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓની ઊલટતપાસ કરવામાં આવી રહી છે.
