Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માતૃશક્તિ સાથે નારીશક્તિનું અપમાન નહીં સાંખે BJP

માતૃશક્તિ સાથે નારીશક્તિનું અપમાન નહીં સાંખે BJP

01 May, 2024 07:44 AM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રજ્વલ રેવન્ના સેક્સ-સ્કૅન્ડલ મુદ્દે અમિત શાહની સ્પષ્ટ વાત

ગઈ કાલે ગુવાહાટીમાં આસામના ચીફ મિનિસ્ટર હિમંતા બિસ્વ સર્મા સાથે પત્રકારોને સંબોધતા અમિત શાહ. બીજી તરફ બૅન્ગલોરમાં નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાએ પ્રજ્વલ રેવન્નાનું પોસ્ટર બાળીને વિરોધ કર્યો હતો.

ગઈ કાલે ગુવાહાટીમાં આસામના ચીફ મિનિસ્ટર હિમંતા બિસ્વ સર્મા સાથે પત્રકારોને સંબોધતા અમિત શાહ. બીજી તરફ બૅન્ગલોરમાં નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાએ પ્રજ્વલ રેવન્નાનું પોસ્ટર બાળીને વિરોધ કર્યો હતો.


કર્ણાટકમાં હાલમાં ગાજી રહેલા જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા પ્રજ્વલ રેવન્નાના સેક્સ-સ્કૅન્ડલ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)નું વલણ સ્પષ્ટ કરતાં કેન્દ્રીય ગુહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે BJP દેશની માતૃશક્તિ સાથે છે, એ નારીશક્તિનું અપમાન નહીં સાંખી લે.

આસામના ગુવાહાટીમાં ગઈ કાલે સવારે એક પત્રકાર પરિષદને સંબોધતાં અમિત શાહે કર્ણાટકની કૉન્ગ્રેસ સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘BJP હંમેશાં દેશની માતૃશક્તિ સાથે ઊભી છે. હું કૉન્ગ્રેસને પૂછવા માગું છું કે કર્ણાટકમાં કોની સરકાર છે? સરકાર કૉન્ગ્રેસ પાર્ટીની છે. શા માટે તેમણે આ મુદ્દે હજી સુધી કાર્યવાહી કરી નથી? આ મુદ્દે અમારે પગલાં લેવાનાં નથી, કારણ કે આ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે અને એમાં રાજ્ય સરકાર પગલાં લે છે. આ ગંભીર બાબત છે અને આપણે કોઈ એને સહન કરી શકીએ નહીં. હું કૉન્ગ્રેસને પૂછવા માગું છું કે તેઓ સત્તામાં હોવા છતાં શા માટે તેમની સરકારે પગલાં લીધાં નથી? પ્રિયંકા ગાંધી (વાડ્રા)જીએ તેમના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને આ બાબતે પૂછવું જોઈએ.’



JDSના નેતા પ્રજ્વલ રેવન્નાના સેક્સ-સ્કૅન્ડલ વિશે પ્રિયંકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો કે તેઓ આ મામલે કેમ પગલાં લેતા નથી. પ્રજ્વલ હાસન બેઠકનો સંસદસભ્ય છે અને ૨૬ એપ્રિલે યોજાઈ ગયેલી લોકસભાની ચૂંટણીમાં તે JDSનો ઉમેદવાર હતો. આ પાર્ટી BJP પ્રણિત નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નો હિસ્સો છે. જોકે BJPએ આ મુદ્દે એનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પ્રજ્વલે સોશ્યલ મીડિયામાં ફરી રહેલા વિડિયોને નકારી દીધા છે અને કહ્યું છે કે એમાં છેડછાડ કરવામાં આવી છે.


પ્રજ્વલ રેવન્નાની સેક્સ-ટેપ્સની પેનડ્રાઇવ BJPને આપી હતી : રેવન્નાનો ભૂતપૂર્વ ડ્રાઇવર પ્રજ્વલ રેવન્નાના ભૂતપૂર્વ ડ્રાઇવર કાર્તિકે ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે પ્રજ્વલ રેવન્નાની 
સેક્સ-ટેપ્સની પેનડ્રાઇવ તેણે કૉન્ગ્રેસને નહીં પણ BJPને આપી હતી, મેં BJPના નેતા દેવરાજ ગૌડાને માત્ર વિડિયો આપ્યા હતા જેથી તેઓ આ મુદ્દે પગલાં લઈ શકે.

એક વિડિયો-મેસેજમાં તેણે કહ્યું હતું કે પ્રજ્વલ રેવન્નાના હાથે જાતીય અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય મળે એ માટે હું દેવરાજને મળ્યો હતો. રેવન્ના પરિવારે મારી પાસે રહેલી થોડી જમીનને પણ તેમના નામે ટ્રાન્સફર કરવા મારા પર દબાણ કર્યું હતું. મને એ ખબર નથી કે દેવરાજે પેનડ્રાઇવ મતદાનના બીજા દિવસે વિતરિત કરી હતી કે પછી તેણે એ બીજા કોઈને આપી હતી. મેં પેનડ્રાઇવ બીજા કોઈને આપી નહોતી. હવે તે મને દોષ આપી રહ્યો છે કે મેં એ કૉન્ગ્રેસના નેતાઓને આપી છે. જો મારે એ કૉન્ગ્રેસના નેતાઓને આપવી જ હોત તો હું ન્યાય મેળવવા તેને શા માટે મળ્યો હોત?’


૨૦૧૯થી ૨૦૨૨ વચ્ચે સેંકડો મહિલાઓ સાથે થયેલા અત્યાચારના આ પેનડ્રાઇવમાં આશરે ૨૯૭૬ વિડિયો છે, જેમાંથી થોડા કેટલીક સેકન્ડોના છે અને કેટલાક મોટા છે જે ઘણી મિનિટ લાંબા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિડિયો મોબાઇલ પર ઉતારવામાં આવ્યા છે અને એ બૅન્ગલોર અને હાસનમાં રેવન્ના પરિવારના બંગલામાં ઉતારવામાં આવ્યા છે.
કાર્તિકે કહ્યું હતું કે તે પ્રજ્વલનો ડ્રાઇવર હતો. તેણે ૧૫ વર્ષ કામ કર્યું હતું. ગયાં બે વર્ષમાં તેઓ એકબીજાને મળ્યા નથી. પ્રજ્વલે મારી જમીન છીનવી લીધી હતી અને મારી પત્નીને માર મારવામાં આવ્યો હતો એમ જણાવતાં કાર્તિકે કહ્યું હતું કે મેં નોકરી છોડી દીધી અને મારી જમીન પાછી લેવા માટે મેં દેવરાજ ગૌડાનો સંપર્ક કર્યો હતો, કારણ કે તેઓ પણ દેવ ગૌડા પરિવાર સામે લડતા હતા.

પ્રજ્વલ રેવન્ના JDSમાંથી સસ્પેન્ડ 
JDSના નેતા પ્રજ્વલ રેવન્નાનાં સેક્સ-સ્કૅન્ડલ બહાર આવ્યા બાદ પાર્ટીએ તેને ગઈ કાલે સસ્પેન્ડ કરી દીધો હતો. પ્રજ્વલ ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવ ગૌડાનો પ્રપૌત્ર છે અને કર્ણાટકના વિધાનસભ્ય એચ. ડી. રેવન્નાનો પુત્ર છે. JDSના ચીફ દેવ ગૌડાએ પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યાં સુધી આ સેક્સ-સ્કૅન્ડલમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો રિપોર્ટ બહાર ન આવે ત્યાં સુધી તે પાર્ટીમાંથી સસ્પેન્ડ રહેશે.

કોણ છે દેવરાજ ગૌડા?
દેવરાજ ગૌડા BJPના નેતા છે અને ૨૦૨૩માં તે એચ. ડી. રેવન્ના સામે વિધાનસભાની હોલેનારાસિપુરા બેઠક પર ઊભા રહ્યા હતા અને પરાજિત થયા હતા. એવું માનવામાં આવે છે કે તેમણે BJPની નેતાગીરીને પ્રજ્વલના સેક્સ-સ્કૅન્ડલ વિશે ચેતવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 07:44 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK