AIમાં ભય નહીં, ભાગ્ય અને ભવિષ્ય જોવું જોઈએ એમ જણાવીને નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગ્લોબલ AI લીડર્સને આપ્યો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો સુરક્ષામંત્ર, ડીપ ફેક રોકવા માટે AI પર કન્ટેન્ટ-લેબલ લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો
ગઈ કાલે દિલ્હીમાં ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટમાં નરેન્દ્ર મોદી દેશ-વિદેશના મહાનુભાવો સાથે
દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહેલી ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટના ચોથા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને સુરક્ષિત રીતે વાપરવાની ફૉર્મ્યુલા આપી હતી. દુનિયાભરની AI કંપનીઓ અને CEOને સંબોધિત કરીને તેમણે AIને સાચી દિશામાં વિકસાવવા પર જોર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘જેમ ફૂડ-પૅકેટ પર ન્યુટ્રિશન-લેબલ હોય છે એવી જ રીતે ડિજિટલ-કન્ટેન્ટ પર પણ ઑથેન્ટિસિટી-લેબલ હોવું જોઈએ જેથી ફરક ખબર પડી શકે. AIના યુગમાં માણસ માત્ર ડેટા બનીને ન રહી જાય એ માટે એની યોગ્ય દિશામાં AI ચાલશે તો સમાધાન મળશે, ખોટી દિશામાં વાપરવાથી પરેશાનીઓ પણ ઊભી કરી શકે છે. AI માટે MANAV વિઝન હોવું જોઈએ. MANAVમાં Mનો અર્થ મૉરલ વૅલ્યુઝ અને એથિકલ ગાઇડલાઇન પર આધારિત AI હોય. Aનો અર્થ અકાઉન્ટેબલ ગવર્નન્સ, મતલબ કે જવાબદાર શાસનવ્યવસ્થા હોય જેમાં જવાબદારીના નિયમો પણ સાફ હોય. Nનો મતલબ નૅશનલ સંપ્રભુતા, મતલબ કે દેશનો ડેટા છે અને એના પર દેશનો જ અધિકાર હોય. ફરી Aનો મતલબ છે ઍક્સેસિબલ અને ઇન્ક્લુઝિવ, એ દરેક માટે સુલભ હોય અને એના પર કોઈ એક જ દેશ કે કંપનીનો એકાધિકાર ન હોય. છેલ્લે Vનો અર્થ વૅલિડ ઍન્ડ લેજિટિમેટ, એટલે કે AIનો ઉપયોગ કાનૂના દાયરામાં અને વિશ્વાસપાત્ર હોય.’
નરેન્દ્ર મોદીએ કહેલા અન્ય મુદ્દાઓ
ADVERTISEMENT

૧. AIમાં ભય નહીં, ભાગ્ય અને ભવિષ્ય છે : દુનિયામાં અત્યારે બે પ્રકારના લોકો છે. એકને એમાં ભય દેખાય છે અને બીજાને ભાગ્ય. અનેક દેશોમાં AIને લઈને ભયનો માહોલ છે, પરંતુ હું ખૂબ જવાબદારી અને ગર્વ સાથે AIને ભાગ્ય અને ઉજ્જવળ ભવિષ્યરૂપે જોઈ રહ્યો છું. ભારતને એમાં ભવિષ્ય દેખાય છે અને વિકાસયાત્રાનો આગામી ટર્નિંગ પૉઇન્ટ માને છે.
૨. ઓપન સોર્સ બનાવો : દુનિયાની કૉન્ફિડેન્શિયલ વિચારધારાથી અલગ હટીને AI કોડને ઓપન શૅર કરવાની જરૂર છે. જ્યારે ટેક્નિક બધા માટે ઓપન હશે ત્યારે જ દુનિયાભરનાં યુવા દિમાગ એને બહેતર અને સુરક્ષિત બનાવી શકશે.
૩. માનવકેન્દ્રિત અપ્રોચ અને જૉબ્સ : AI નોકરીઓ ઘટાડશે નહીં પરંતુ નવા અવસરો પેદા કરશે. આપણે એવા યુગમાં છીએ જ્યાં માણસ અને મશીન સાથે મળીને ક્રીએશન કરશે. સ્કિલિંગ અને રસ્કિલિંગને મોટા પાયે મૂવમેન્ટ બનાવવી જોઈએ. AI મશીનોને બુદ્ધિમાન બનાવે છે, પરંતુ માનવીય ક્ષમતાઓને અનેકગણી વધારે પણ છે. માત્ર એક જ અંતર છે, આ વખતે ગતિ અભૂતપૂર્વ છે. પહેલાં ઉદ્યોગોનો પ્રભાવ દેખાવામાં દશકો લાગતા હતા, હવે એની અસર તત્કાળ દેખાય છે.
જ્યારે પણ ભારત આવું છું ત્યારે અહીંના બદલાવની ગતિ જોઈને દંગ રહી જાઉં છું : સુંદર પિચાઈ

ગૂગલ ભારતમાં ૧.૩૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીને એક ફુલ-સ્ટેક AI હબ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આ હબમાં ગીગાવૉક સ્કેલની કમ્પ્યુટિંગ અને એક નવો ઇન્ટરનૅશનલ સબસી કેબલ ગેટવે હશે. ગૂગલના CEO સુંદર પિચાઈએ કહ્યું હતું કે ‘ભારતમાં પાછા આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. જ્યારે પણ હું ભારત આવું છું ત્યારે અહીંના બદલાવની ગતિ જોઈને દંગ રહી જાઉં છું. આજે પણ આવું જ થયું છે. ભારત AIના વિકાસમાં ગ્લોબલ લીડર બની શકે છે. દરેક વ્યક્તિ માટે ઉપયોગી એવું AI બનાવવા માટે આપણે સાહસિક પગલાં ઉઠાવવાં પડશે, કેમ કે એનાથી અબજો લોકોનું જીવન બહેતર બની શકે છે અને સૌથી કઠિન સમસ્યાઓ હલ થઈ શકે છે. આપણે એ ક્ષેત્રોની સમસ્યાઓ સુલઝાવવા માટે પણ એટલા જ ઍડ્વેન્ચરસ બનવું પડશે જ્યાં હજી સુધી ટેક્નિક નથી પહોંચી.’
૨૪ કલાકમાં ૨.૫ લાખથી વધુ લોકોએ AI રિસ્પૉન્સિબિલિટીની પ્રતિજ્ઞા લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે જાહેરાત હતી કે ભારતે ૨૪ કલાકમાં AI જવાબદારી અભિયાન માટે સૌથી વધુ પ્રતિજ્ઞાઓ મેળવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના ૨૪ કલાક દરમ્યાન ૨,૫૦,૯૪૬ લોકોએ AIના જવાબદારીભર્યા ઉપયોગની પ્રતિજ્ઞા લીધી હતી. આ જાહેરાત ભારત મંડપમમાં કરવામાં આવી હતી. આ અભિયાન ઇન્ટેલ ઇન્ડિયાના સહયોગથી ઇન્ડિયાAI મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના નૈતિક, સર્વસમાવેશક અને જવાબદાર ઉપયોગ માટે દેશભરના નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હતો.
AI ગ્લોબલ ફૅમિલીમાં બે હરીફ કંપનીઓ વચ્ચેની સ્પર્ધા દેખાઈ
ગઈ કાલે AI ઇમ્પૅક્ટ સમિટમાં નરેન્દ્ર મોદીએ ગ્લોબલ AI કંપનીના મહાનુભાવો સાથે એક મંચ પર બધાને એકજૂટ થઈને નક્કર દિશામાં પગલાં લેવાનું આહ્વાન કર્યું હતું. સ્ટેજ પર એક હરોળમાં ઊભેલા ગ્લોબલ લીડર્સના હાથ પકડીને એક હ્યુમન-સાંકળ બનાવીને બધાને હાથ ઊંચા કરીને આ કમિટમેન્ટ દોહરાવવા પ્રેર્યા હતા. જોકે એમાં ઓપનAIના સૅમ ઑલ્ટમૅન અને એની હરીફ કંપની ઍન્થ્રોપિકના કો-ફાઉન્ડર ડારિયો અમોવેઈએ એકબીજાની બાજુમાં જ ઊભા હોવા છતાં હાથ પકડવાનું ટાળ્યું હતું.
પહેલું નેક્સ્ટ જનરેશન ડેટા સેન્ટર બનાવશે તાતા ગ્રુપ
તાતા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ગઈ કાલે કહ્યું હતું કે ‘તાતા ગ્રુપ આગામી પેઢીને AIની ટ્રેઇનિંગ અને ઇન્ટરફેસ માટે ખાસ ભારતનું પહેલું લાર્જ સ્કેલ AI ઑપ્ટિમાઇઝ્ડ ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. મને એ જણાવતાં ખુશી થાય છે કે અમે ૧૦૦ મેગાવૉટ ક્ષમતાનું સેન્ટર બનાવવા માટે ઓપનAI સાથે ભાગીદારી કરી છે અને આગળ જતાં એક ગીગાવૉટ સુધીનું નેક્સ્ટ જનરેશન ડેટા સેન્ટર બનાવીશું.’
AI ઇમ્પૅક્ટ સમિટ ૨૦૨૭ જિનીવામાં થશે
સ્વિટ્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિ ગાઈ પાર્મેલિને ગઈ કાલે જાહેરાત કરી હતી કે ૨૦૨૭માં AI સમિટ સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં હોસ્ટ કરીશું. તેમણે કહ્યું હતું કે આનાથી ડિજિટલ નીતિના ક્ષેત્રમાં સ્વિટ્ઝરલૅન્ડની સ્થિતિ મજબૂત થશે.
૧૦ લાખ કરોડનું રોકાણ કરશે મુકેશ અંબાણી

રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘જે રીતે જિયોએ દેશમાં ડેટા સસ્તો કર્યો એ જ રીતે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પણ સામાન્ય માનવીને પરવડે એવા ભાવમાં પહોંચાડવામાં આવશે. એ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો આગામી ૭ વર્ષમાં ૧૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. AI એ મૉડર્ન ડેનું અક્ષય પાત્ર છે જે અખૂટ જ્ઞાનનો ખજાનો પીરસે છે. AI એ મંત્ર છે જે દરેક યંત્રને ઝડપી, બહેતર અને સ્માર્ટ રીતે કામ કરવાની શક્તિ આપે છે. AI નોકરીઓ નહીં છીનવે, પરંતુ હાઈ સ્કિલ કામ કરવાના નવા અવસરો પેદા કરશે.’
દુનિયાભરના ગ્લોબલ ટેક લીડર્સની વચ્ચે ૮ વર્ષનો આ છોકરો પણ બન્યો સ્પીકર

AI ઇમ્પૅક્ટ સમિટમાં ભાગ લેવા દુનિયાભરના ગ્લોબલ લીડર્સ અને ટેક જગતના મહાનુભાવો દિલ્હીમાં એકઠા થયા છે. આ ઇવેન્ટમાં સૌથી નાની ઉંમરના કીનોટ સ્પીકર રણવીર સિંહ સચદેવાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. AI સમિટમાં રણવીર સિંહ પોતે ડેવલપ કરેલું ભારતીય AI મૉડલ કઈ રીતે દેશની GDP વૃદ્ધિ અને AI સાક્ષરતાને મજબૂત કરશે એ બતાવશે. રણવીર AIને માત્ર ટેક્નૉલૉજી નહીં પરંતુ સમાજમાં બદલાવનું માધ્યમ માને છે. આ મંચ પરથી તે ભારત માટે AIના સ્ટ્રૅટેજિક અને વ્યાવહારિક ઉપયોગો વિશે વાત કરશે. ૨૦૧૭માં જન્મેલો રણવીર સચદેવા પહેલાં પણ વૈશ્વિક મંચો પર પોતાના વિચારો રજૂ કરી ચૂક્યો છે. તે ટેક્નૉલૉજિસ્ટ હોવા ઉપરાંત ગ્લોબલ ઑથર અને TEDx સ્પીકર પણ છે. AI ફૉર ગુડ સમિટમાં તેણે ઇન્ટરનૅશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનના ઍમ્બૅસૅડર તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. રણવીર પાંચ વર્ષની ઉંમરમાં પ્રોગ્રામર બની ગયો હતો. તેની ટૅલન્ટ જોઈને ઍપલ કંપનીના CEO ટિમ કુકે રણવીરને કૅલિફૉર્નિયામાં આવેલી હેડ ઑફિસમાં સ્પેશ્યલ ડેવલપર ઇવેન્ટમાં ઇન્વાઇટ કર્યો હતો.
