૬૭૬૯ સિંગલ ટીચર ધરાવતી સ્કૂલોમાં ૨.૨૯ લાખ વિદ્યાર્થીઓ
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળમાં ૪૧૩૩ સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થીનું નામ નોંધાયેલું નથી છતાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફૉર એજ્યુકેશન પ્લસ (UDISE+)ના ડેટા અનુસાર ૧૯,૫૦૨ શિક્ષકો કાર્યરત છે. આ સિવાય રાજ્યમાં ૬૭૬૯ સિંગલ ટીચર સ્કૂલો પણ છે, જેમાં ૨,૨૯,૫૬૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
આ આંકડાઓએ રાજ્યની શિક્ષણ-પ્રણાલી, સંસાધનોના ઉપયોગ અને સ્કૂલ-મૅનેજમેન્ટ વિશે અનેક સવાલો ઊભા કર્યા છે અને શિક્ષણજગતના નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જ્યાં એક તરફ ઘણાં ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ અને પૂરતા શિક્ષકોની જરૂર છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ વિનાની સ્કૂલોમાં મોટી સંખ્યામાં શિક્ષકોની તહેનાતી સરકારી સંસાધનોના યોગ્ય ઉપયોગ પર પ્રશ્નો ઊભા કરે છે.
જોકે આ મુદ્દે પશ્ચિમ બંગાળના શિક્ષણપ્રધાન દીપક બર્મને જણાવ્યું હતું કે ‘કેન્દ્રીય પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં ભૂલો થવાથી આવું ચિત્ર ઊભું થયું છે. કેટલીક પ્રાઇવેટ સ્કૂલોએ ટીચરોની જાણકારી અપડેટ કરી છે પણ સ્ટુડન્ટની જાણકારી અપડેટ કરી નથી એટલે સ્ટુડન્ટ્સની સંખ્યા શૂન્ય દેખાઈ રહી છે.’
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના ડેટા મુજબ પશ્ચિમ બંગાળમાં ૫૨૦ સ્કૂલોમાં ૮૫૯૬ સ્ટુડન્ટ્સ છે અને એક પણ શિક્ષક નથી. ૫૧૫૨ સ્કૂલોમાં ૧.૭૬ લાખ સ્ટુડન્ટ્સ છે પણ દરેક સ્કૂલમાં એક જ શિક્ષક છે. ૧૫૦થી ઓછા સ્ટુડન્ટ્સ હોય એવી ૪૦,૫૩૦ સ્કૂલોમાં હેડ ટીચરો તહેનાત છે.
દેશમાં સ્ટુડન્ટ્સ વિનાની ૫૬૬૩ સ્કૂલો
ડેટા અનુસાર દેશમાં ૫૬૬૩ સ્કૂલો એવી છે જેમાં એક પણ વિદ્યાર્થી નથી. આમાં ૭૩ ટકા (૪૧૩૩) સ્કૂલો પશ્ચિમ બંગાળમાં છે. બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે જ્યાં ૩૧૩ સ્કૂલો આવેલી છે અને એમાં ૧૭૭ ટીચરો તહેનાત છે.
