૨૦૨૧ કરતાં ૨૦૨૫માં કેસની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ૨૦૨૧થી ૨૦૨૫ વચ્ચેના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન ડૉગ-બાઇટના ૫,૨૯,૬૫૦ કેસ નોંધાયા છે, જેમાં એકલા ૨૦૨૫ના વર્ષમાં જ ૧,૫૪,૦૧૭ કેસ નોંધાયા હોવાનું રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી મેળવેલી માહિતીમાં સામે આવ્યું છે. BMC દ્વારા મોટા પાયે સ્ટરિલાઇઝેશન અને રસીકરણ અભિયાન ચલાવવામાં આવતું હોવા છતાં આ આંકડાઓએ રખડતા કૂતરાના યોગ્ય નિયંત્રણ વિશે ગંભીર ચિંતા ઊભી કરી છે.
આરોગ્યક્ષેત્રના કાર્યકર ચેતન કોઠારી દ્વારા RTI ઍક્ટ હેઠળ માગવામાં આવેલી માહિતીમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ આંકડા દર્શાવે છે કે છેલ્લાં બે વર્ષમાં શ્વાન કરડવાના વાર્ષિક બનાવોમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. ૨૦૨૫માં નોંધાયેલા ૧.૫૪ લાખથી વધુ કેસ છેલ્લાં પાંચ વર્ષમાં વાર્ષિક સ્તરે સૌથી વધુ છે. ૨૦૨૧માં ડૉગ-બાઇટના ૭૯,૨૫૨ કેસ નોંધાયા હતા.
