Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > વિરારની મિની દ્વારકાનગરીમાં શરદપૂનમે રચાશે રાસોત્સવ

વિરારની મિની દ્વારકાનગરીમાં શરદપૂનમે રચાશે રાસોત્સવ

Published : 24 October, 2026 02:00 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

વિરાર રેલવે-સ્ટેશન ઈસ્ટથી શિરગાંવ જવા માટે VVMT બસ-નંબર ૩૧૦ અથવા શૅરિંગ રિક્ષા સરળતાથી મળી રહે છે. સ્ટેશનથી મંદિર અંદાજે ૯ કિલોમીટર દૂર છે.

દ્વારકાના જગતમંદિરની પ્રતિકૃતિ સમાન વિરારનું શ્રી દ્વારકાધીશ મંદિર.

દ્વારકાના જગતમંદિરની પ્રતિકૃતિ સમાન વિરારનું શ્રી દ્વારકાધીશ મંદિર.


દ્વારકાના જગતમંદિર જેવા જ ઉત્સવો વિરારના શિરગાંવમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં થાય છે અને ભગવાનને પણ એવાં જ વસ્ત્રો ધારણ કરાવાય છે. મૂળ મંદિરની પ્રતિકૃતિ સમાન આ ધામ બન્યા પછી મુંબઈના કૃષ્ણભક્તોને હવે ઘરઆંગણે દ્વારકાધીશનાં દર્શનનો લહાવો મળી રહ્યો છે ત્યારે આસો સુદ પૂનમની ચાંદનીમાં મંદિરની શોભા અને મહારાસનો આનંદ ચૂકતા નહીં

રાસ રમંત શ્યામ સુંદર, સરદ કી રૈન મનોહર જામ



ગોપી ગોપાલ સંગ મિલિ વિહરત, પૂર્ણ ભયે સબ કામ


તાતા થૈ થૈ મૃદંગ બાજત, નૂપુર કી ઝનકાર

દ્વારિકાધીશ કી છબિ નિરખી, વારી જાત સંસાર


શરદપૂર્ણિમાના દિવસે દ્વારકાના જગતમંદિરમાં ઝાંઝ, મૃદંગ અને નૂપુરના ઝંકાર સાથે વ્રજભાષાનું આ પદ ગવાય છે ત્યારે વૈષ્ણવોને સાક્ષાત્ રાજાધિરાજ દ્વારકાધીશ ગોપીઓ સંગ મહારાસ રમતા હોય એવી આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. મુંબઈના આંગણે આવો જ અલૌકિક આનંદ વિરાર-ઈસ્ટના શિરગાંવમાં આકાર પામેલી મિની દ્વારકાનગરીમાં મળશે. જગતમંદિરની પ્રતિકૃતિ સમાન શ્રી દ્વારકાધીશ મંદિરમાં રાસોત્સવની ઉજવણીમાં વિશેષ શું છે તેમ જ આ મંદિરની ખાસિયત વિશે જાણીએ.


શ્રી દ્વારકાધીશની સેવા કરતાં પ્રવીણા ઠાકુર.

ઉત્સાહનો માહોલ

વસઈ-વિરાર મહાનગરપાલિકાનાં પ્રથમ મહિલા મેયર અને સામાજિક-રાજકીય ક્ષેત્રે સક્રિય પ્રવીણા ઠાકુર શ્રી દ્વારકાધીશ મંદિરનાં પ્રણેતા અને સંસ્થાપક છે. વસઈ-વિરારના લોકપ્રિય નેતા હિતેન્દ્ર ઠાકુરનાં ધર્મપત્ની હોવાની સાથે તેઓ પોતાની આગવી સેવાકીય અને ધાર્મિક ઓળખ ધરાવે છે. અડગ ભક્તિભાવ અને ૧૨ વર્ષના અવિરત સંકલ્પ દ્વારા તેમણે વિરારમાં ‘મિની દ્વારકા’નું સર્જન કરીને ભક્તોની આસ્થાને નવું ધામ આપ્યું છે. નવેમ્બર ૨૦૨૫માં શ્રી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયા પછી આ પહેલી શરદપૂર્ણિમા હોવાથી ઉત્સાહનો માહોલ છે.

મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા, હરિયાળી અને શાંત વાતાવરણ હોવાથી અહીં આવતા કૃષ્ણભક્તોને આનંદ થાય છે. પરિસરમાં પીવાના પાણી અને પ્રસાદી (ખીચડી અથવા શીરો)ની સુવિધા છે. તાજેતરમાં મંદિરના પરિસરમાં તુળજાભવાનીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. નજીકમાં જીવદાની માતાનું મંદિર છે.

મહારાસના આયોજન વિશે પ્રવીણાબહેન કહે છે, ‘દ્વારકાધીશ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન પછી ગુજરાતના મૂળ જગતમંદિરમાં આખા વર્ષ દરમ્યાન જે પણ ઉત્સવો ઊજવવામાં આવે છે એ બધા જ ઉત્સવો અહીં પણ ઊજવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જેને કારણે મુંબઈગરાઓને ઘરઆંગણે દ્વારકામાં દર્શન કર્યા જેવો આનંદ આવે છે. શરદપૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો મહારાસ થયો હતો. જગતમંદિરની જેમ અહીં પણ મહારાસનું ભવ્ય આયોજન છે અને આ ઉત્સવમાં રાધા-કૃષ્ણના રાસ ગાવા માટે ખાસ ગાયકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. દ્વારકાધીશનાં વસ્ત્રો પણ શ્વેત અને લાલ કલરનાં હશે. શરદપૂનમે દૂધ-પૌંઆનો પ્રસાદ લેવાની જે પરંપરા છે એ મુજબ આ દિવસે દ્વારકાધીશને વિશેષરૂપે દૂધ-પૌંઆનો ભોગ ધરાવવામાં આવશે. આ સિવાય હંમેશની જેમ નિયમિત રાજભોગ પણ ધરાવવામાં આવશે. સામાન્ય દિવસોમાં મંદિર રાતના ૯ વાગ્યે બંધ થઈ જાય છે, પરંતુ શરદપૂનમે રાત્રે ૧૨ વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેવાનાં છે. વિરારના શ્રી દ્વારકાધીશ મંદિરમાં ગુજરાતના દ્વારકા અને મહારાષ્ટ્રની સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે કારણ કે હવે રાસગરબા માત્ર ગુજરાતીઓ માટે નથી રહ્યા, નવરાત્રિનો તહેવાર બધા ઉત્સાહપૂર્વક મનાવે છે. વાસ્તવમાં સમસ્ત ભારતની સંસ્કૃતિનો સંગમ છે. મંદિરના પ્રાગંણમાં જે મહારાસ થવાનો છે એમાં તમામ કૃષ્ણભક્તો જોડાશે.’


સભામંડપમાં સ્તંભો પર કરવામાં આવેલી અદ્ભુત કારીગરી.

કેવી રીતે પહોંચવું?

વિરાર રેલવે-સ્ટેશન ઈસ્ટથી શિરગાંવ જવા માટે VVMT બસ-નંબર ૩૧૦ અથવા શૅરિંગ રિક્ષા સરળતાથી મળી રહે છે. સ્ટેશનથી મંદિર અંદાજે ૯ કિલોમીટર દૂર છે.

મંદિરની વિશેષતા

વિરારનું શ્રી દ્વારકાધીશ મંદિર નાગરશૈલી અને સનાતન કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. ગુજરાતના મૂળ જગતમંદિરની પ્રતિકૃતિ ઊભી કરવા મંદિરના નિર્માણમાં ભારતીય શિલ્પશાસ્ત્રના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. સ્થાપત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે બાંધકામમાં ક્યાંય પણ લોખંડ, સ્ટીલ કે સિમેન્ટ-રેતીના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પથ્થરોને ખાસ ઇન્ટરલૉકિંગ (એક પથ્થરમાં ખાંચો પાડી બીજા પથ્થરને એમાં લૉક કરવાની પ્રાચીન પદ્ધતિ) દ્વારા જોડીને આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. એ માટે રાજસ્થાનના બંસી પહાડપુરના પિન્ક સ્ટોન મુંબઈ લાવવામાં આવ્યા હતા. સોમપુરા જ્ઞાતિના અંદાજે ૧૦૦થી વધુ કુશળ શિલ્પીઓએ સતત ૧૨ વર્ષ સુધી મહેનત કરીને પથ્થરો પર બારીક કોતરકામ કર્યું છે. દ્વારકાના જગતમંદિરની જેમ અહીંના સ્થાપત્યમાં પણ ચોક્કસ ગણતરી સાથેના થાંભલા, ઘુમ્મટ અને ગગનચુંબી મુખ્ય શિખર તૈયાર કરવામાં આવ્યાં છે. મંદિરના ગર્ભગૃહ, નૃત્યમંડપ અને સભામંડપના સ્તંભો પર શ્રીમદ્ ભાગવત પુરાણમાં વર્ણવાયેલા ભગવાન શ્રીકૃષ્ણના ૨૪ અવતારોની ઝાંખી કરાવતી અને મુખ્ય ગુંબજની નીચે નવગ્રહ દેવતાઓની આકૃતિઓ કંડારવામાં આવી છે. ગર્ભગૃહની ચારેય તરફ બાળલીલાઓનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. જગતમંદિરની જેમ જ અહીં પણ ૫૬ પગથિયાં ચડીને દ્વારકાધીશનાં દર્શન થાય છે. એટલું જ નહીં, આ મંદિરના ૯૦ ફુટ ઊંચા શિખર પર વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ બાવન ગજની ધજા પણ લહેરાય છે. મંદિરના પરિસરમાં ગિરિરાજજીની પ્રતિકૃતિ બનાવી છે અને યમુનાકાંઠો પણ છે. આ મંદિર જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી ચારે તરફ હરિયાળી છે. સિંહાસન પર બિરાજમાન ચતુર્ભુજ રાજાધિરાજ સ્વરૂપનાં દર્શન, બાવન ગજની ધજા અને ૫૬ પગથિયાં મુંબઈગરા વૈષ્ણવો માટે છેક ગુજરાત સુધી લાંબા થયા વિના જ દ્વારકાના વૈભવનો સાક્ષાત્કાર કરાવે છે. 


મંદિરના પ્રાંગણમાં ગિરિરાજજીની પ્રતિકૃતિ.

દર્શનનો સમય 

સામાન્ય દિવસોમાં દર્શનનો સમય સવારે ૭ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી છે. રાત્રે ૯ વાગ્યે ભગવાનની શયન આરતી થાય છે અને મંદિરનાં દ્વાર બંધ કરી દેવાય છે. ઉત્સવોના દિવસોમાં દર્શનના સમયમાં ફેરફાર થાય છે. ૨૫ ઑક્ટોબરે શરદપૂનમના દિવસે મંદિર રાત્રે ૧૨ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થયા પછી રાસગરબા શરૂ થશે જે રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ ભગવાનને શયન કરાવવામાં આવશે. મંદિર દ્વારા કૃષ્ણભક્તોને વિનંતી કરવામાં આવી છે કે આ દિવસે શક્ય હોય તો શ્વેત-લાલ કલરના ડ્રેસકોડમાં આવવું.


પથ્થરોમાંથી ઇન્ટરલૉકિંગ પદ્ધતિથી ઊભું કરાયેલું સ્ટ્રક્ચર અને કોતરણી.

શ્યામવર્ણી પ્રતિમા

મંદિરના સ્થાપત્યની ભવ્યતા નિહાળ્યા પછી ભક્તો જ્યારે ગર્ભગૃહમાં પહોંચે છે ત્યારે સાક્ષાત્ રાજાધિરાજ દ્વારકાધીશના દિવ્ય સ્વરૂપનાં દર્શન થાય છે. અહીં ભગવાન દ્વારકાધીશની શ્યામવર્ણી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જોકે વિરારના આ મંદિરમાં દ્વારકાધીશ ઊભા નથી પણ સિંહાસન પર બેઠા છે. શિલ્પકાર વાસુદેવ કામતના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા આ સ્વરૂપને કંડારવા કર્ણાટકના કૃષ્ણશિલા પથ્થરનો ઉપયોગ કર્યો છે. વસઈ-વિરાર અને મહારાષ્ટ્રના કલ્ચરને દર્શાવવા પ્રતિમાની ડાબી બાજુએ ભગવાન ગણેશ અને જમણી બાજુએ મા એક્વીરાદેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે આ તીર્થધામની પ્રાદેશિક અને સાંસ્કૃતિક ગરિમા વધારે છે. ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ (કમળ) સુશોભિત છે. મૂર્તિની કોતરણી અને પ્રભુના મુખમંડળ પરના સ્મિતની છટા એટલી જીવંત છે કે ભક્તો તેમની સામે આંખ પલકાવવાનું પણ ભૂલી જાય છે. શરદપૂનમની રાત્રે જ્યારે આ શ્યામ સુંદર મૂર્તિ પર શ્વેત ચંદ્રકળાનો શ્રૃંગાર થશે ત્યારે આ અદ્ભુત સમન્વય કૃષ્ણભક્તો માટે પરમ આનંદનો અવસર બની રહેશે. મંદિરના નિર્માણને સમય થઈ ગયો છે અને દર્શન કરી આવ્યા હો છતાં શરદપૂનમના દ્વારકાધીશની અલૌકિક ‘મુકુટ-કાછની’ શ્રૃંગાર દર્શન અને દૂધ-પૌંઆની પ્રસાદી સાથે રાસોત્સવનો લહાવો લેવા જેવો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 02:00 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK