નિર્જન સ્થળો પર ગાડી લઈ જઈને આખી રાત બળાત્કાર ગુજાર્યા બાદ સવારે મહિલાને શહેરની બહાર છોડી દેવાઈ
પ્રતીકાત્મક તસવીર
લોનાવલામાં એક મહિલા પર ચાલતી ગાડીમાં ત્રણ નરાધમોએ બળાત્કાર કર્યા બાદ તેને શહેરની બહાર છોડી દેવામાં આવી હતી. પોલીસની સતર્કતાથી ૧૨ કલાકમાં જ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે બીજા બે આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું લોનાવલા શહેર-પોલીસે જણાવ્યું હતું.
ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ની વિગતો મુજબ ૨૫ જુલાઈની રાતે ત્રણ લોકોએ આ મહિલાને બળજબરી કારમાં બેસાડી હતી. ત્યાર બાદ નિર્જન સ્થળોએ કાર ચલાવતા રહીને ચાલુ કારમાં મહિલા પર બળાત્કાર કર્યો હતો. સવારે તેને લોનાવલા શહેરની બહાર તરછોડી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
મહિલાએ પોલીસને ફરિયાદ કર્યા બાદ પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ૩૫ વર્ષના સનિલ ગાયકવાડ નામના પુરુષની ઓળખ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી અને પીડિત મહિલા એકબીજાથી પરિચિત હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું છે.
મહિલાની મેડિકલ અને ફૉરેન્સિક તપાસ થઈ ચૂકી છે તેમ જ મૅજિસ્ટ્રેટ સામે તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું છે.


