Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જીએસટીનો બોજો અમારા પર ક્યાં આવે છે કે અમે એની પરવા કરીએ?

જીએસટીનો બોજો અમારા પર ક્યાં આવે છે કે અમે એની પરવા કરીએ?

17 July, 2022 09:38 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

‘જીએસટીનો બોજો અમારા પર ક્યાં આવે છે કે અમે એની પરવા કરીએ? અમારે તો એ ગ્રાહકો પાસેથી વસૂલ કરવાનો છે’

ગઈ કાલે બંધ દરમ્યાન નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં ઝાડુ કાઢી રહેલો સફાઈ કર્મચારી.  પી.ટી.આઇ.

ગઈ કાલે બંધ દરમ્યાન નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં ઝાડુ કાઢી રહેલો સફાઈ કર્મચારી. પી.ટી.આઇ.


જીએસટી કાઉન્સિલે આવતી કાલથી નૉન-બ્રૅન્ડેડ પૅક અનાજ જેવી વિવિધ આવશ્યક ખાદ્ય ચીજો પર પાંચ ટકા જીએસટી લાદ્યો છે. ગઈ કાલે સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે દેશભરની એપીએમસી માર્કેટોએ અને અનાજ-કરિયાણાંના અન્ય વેપારીઓએ જડબેસલાક બંધ પાળ્યો હતો. જોકે અનાજ-કરિયાણાં સિવાયની એક પણ માર્કેટ આ બંધમાં જોડાઈ નહોતી. એટલું જ નહીં,  મુંબઈના અનાજ-કરિયાણાં અને અન્ય ખાદ્ય પદાર્થોના રીટેલરો ગઈ કાલના એક દિવસના બંધથી દૂર રહ્યા હતા. આ વેપારીઓએ કહ્યું હતું કે ‘અમારે એક દિવસનો બંધ રાખીને મૉલ અને ઑનલાઇન બિઝનેસને એક દિવસ માટે છૂટોદોર આપીને અમારા પગ પર કુહાડો મારવો નહોતો. આમ પણ નરેન્દ્ર મોદીની સરકાર સામે હજી સુધી વેપારીઓની એક પણ લડતમાં જીત થઈ નથી. આથી અમે સામે ચાલીને અમારા બિઝનેસમાં નુકસાન કરવા માગતા નથી. આમ પણ સરકારે હવે જીએસટી લાગુ કરી જ દીધો છે એવા સમયે એનો વિરોધ કરવાથી સરકાર કોઈ પાછીપાની કરવાની નથી.’
જીએસટી કાઉન્સિલની ચંડીગઢમાં યોજાયેલી ૪૭મી બેઠકમાં ચોખા, દાળ, ઘઉં, ઘઉંનો લોટ, અનાજ, મખાના, રાઈ, જવ, ઓટ્સ, પનીર, દહીં, લસ્સી, છાશ, મધ, જૈવિક ખાતર, નારિયેળ-પાણી જેવી ચીજવસ્તુઓ પર પાંચ ટકા જીએસટીની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણનો સરકારે તાત્કાલિક સ્વીકાર કર્યો હતો અને સોમવારથી આનો અમલ કરવાની શરૂઆત થશે. એની સામે વેપારીઓએ આક્રમક બનીને ‌જીએસટીનો વિરોધ કરવા માટે ગઈ કાલે એક દિવસનો પ્રતીક ભારત બંધ પાળ્યો હતો. જોકે મુંબઈના રીટેલરોએ આ બંધનો વિરોધ કરીને તેમની દુકાનો ખુલ્લી રાખી હતી.  
અમારા રીટેલરોએ પહેલા દિવસથી જ બંધનો વિરોધ કર્યો હતો એમ જણાવીને ધ બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિએશન - મુંબઈના અધ્યક્ષ રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ૮૦૦૦ દુકાનદારો અમારા સભ્યો છે. આ દુકાનદારોનો એક જ મત હતો કે બંધ ત્યારે જ સફળ થાય જ્યારે આપણી સાથે મૉલ અને ઑનલાઇન બિઝનેસ બંધ હોય. મહારાષ્ટ્ર બંધના દિવસે મૉલ અને ઑનલાઇન બિઝનેસ ચાલુ રહેશે જે અમારો બિઝનેસ ખેંચી જશે. આમ પણ ઘણા લાંબા સમયથી અમે રીટેલરો મૉલ અને ઑનલાઇન બિઝનેસને કારણે મંદીનો ભારે સામનો કરી રહ્યા છીએ. દુકાનો બંધ કરવાથી અમારા બિઝનેસ પર બહુ મોટો ફટકો પડી શકે એમ છે. આથી અમને જ્યારે મહારાષ્ટ્ર બંધમાં જોડાવા માટે હાકલ કરવામાં આવી એ જ દિવસે અમે આ બંધમાં જોડાવાનો વિરોધ કરી દીધો હતો. ગઈ કાલે મુંબઈભરમાં અમારા બધા જ રીટેલરોની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી.’
ધારો કે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીને એની રેવન્યુમાં પાંચ હજાર કરોડ રૂપિયાની ખાધ કરી હોય તો ખાદ્ય પદાર્થો પર જીએસટી લગાડીને ૨૫,૦૦૦ કરોડ રૂપિયા એની તિજોરીમાં જમા કરી દીધા છે એમ કહીને રોષભર્યા શબ્દોમાં સાઉથ મુંબઈના લાલબાગ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરના માલિક મનીષ રાંભિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પણ જાણીએ છીએ કે જીએસટીથી અમારા જેવા નાના દુકાનદારોની પળોજણ વધી જવાની છે. ભણેલા ન હોવાથી અમે તો અત્યારની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે પણ અસમર્થ છીએ. કાલે તો અમારો બિઝનેસ ખતમ થઈ જ જવાનો છે. એના માટે અમે બંધ રાખીને એક દિવસની નુકસાની શું કામ કરીએ? જે દુકાનદારો ચાલાક હશે તેઓ હવે પાછલા દરવાજે બે નંબરનો બિઝનેસ વધારી દેશે. કોઈ ગ્રાહકો અમારી પાસે બિલ માગતા નથી કે તેમને જીએસટી ભરવો પડે.’
ભારત બંધની જાણ અમને સમાચારપત્રો અને પ્રસારમાધ્યમથી થઈ હતી એમ જણાવીને મસ્જિદ બંદરના ડ્રાયફ્રૂટ્સના અગ્રણી વેપારી યોગેશ ગણાત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોકે એક પણ વેપારી સંગઠને મસ્જિદ બંદરના વેપારીઓને વિશ્વાસમાં લીધા નહોતા. આથી અમે મસ્જિદ બંદરના વેપારીઓએ અમારી દુકાનોને બંધ કરી નહોતી.’
ટ્રેડરોમાં આ તો સૌથી મોટી મુસીબત છે એમ જણાવતાં ગઈ કાલના ભારત બંધમાં ન જોડાયેલા મુંબઈના રીટેલરો બાબતમાં ભારત ઉદ્યોગ વેપાર મંડળના ઉપાધ્યક્ષ અને ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ટ્રેડર્સના ચૅરમૅન મોહન ગુરનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે નાના વેપારીઓને ખરેખર અસર થવાની છે તેઓ વાસ્તવમાં પરિણામથી અજાણ હોય છે અને જ્યારે તેમને ફટકો પડે છે ત્યારે જ તેમને ગંભીરતાની ખબર પડે છે અને ત્યારે બહુ‌ મોડું થઈ ગયું હોય છે.’

ગ્રોમાએ એકનાથ શિંદેને જીએસટીનો વિરોધ કરતું આવેદનપત્ર આપ્યું



‌ખાદ્ય પદાર્થો પર લાદવામાં આવેલા પાંચ ટકા જીએસટીનો વિરોધ કરવા અને વેપારીઓના માથે આવનારા બોજાની જાણકારી આપવા માટે ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન - ગ્રોમા સંસ્થાના પ્રતિનિધિ પ્રમુખ શરદ મારુ, માનદ મંત્રી ભીમજી ભાનુશાલી, એપીએમસીના દાણાબજારના ડિરેક્ટર નીલેશ વીરા, રીટેલ અસોસિએશનના માંડણભાઈ અને જગદીશભાઈ ઠક્કર વગેરે વેપારી પ્રતિનિધિઓ દ્વારા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ ‌શિંદેની સાથે મુલાકાત કરીને તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એકનાથ ‌શિંદેએ આ બાબતમાં તેઓ યોગ્ય નિર્ણય લેશે એવું આ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું.

ગ્રોમાના અધ્યક્ષ શરદ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલના આ નિર્ણયથી દેશની ૭,૩૦૦ બજારો, ૧૩,૦૦૦ દાળમિલો, ૯,૬૦૦ જેટલી ચોખાની મિલો, ૮,૦૦૦ જેટલી લોટની મિલો સાથે ત્રણ કરોડ જેટલા નાના-મોટા વેપારીઓ પ્રભાવિત થશે. આ ઉપરાંત નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે.’
 કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા પાંચ ટકા જીએસટીની 

સૌથી વધારે અસર રીટેલ વેપારીઓને થવાની છે અને તેઓ આ લડતમાં સહકાર ન આપીને તેમના પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યા છે 
એમ જણાવતાં ગ્રોમાના અધ્યક્ષ શરદ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીએસટીના મુદ્દે મહારાષ્ટ્રભરના વેપારીઓ દ્વારા એક દિવસનો પ્રતીક બંધ રાખવામાં આવ્યો હતો એમાં 
રીટેલ દુકાનદારો જોડાયા નહોતા જે ખરેખર દુખની વાત છે. હોલસેલ વેપારીઓને જીએસટી વિશેની સમજ છે અને તેમની પાસે પૂરતો સ્ટાફ હોવાથી તેઓ પોતાનું કાર્ય સરળતાથી પાર 
પાડી શકે છે. રીટેલ વેપારીઓ પોતે સંગઠિત નથી તેથી કોઈ લડતમાં પાર ઊતરી શકતા નથી જેની ખૂબ જ મોટી અસર તેમને થશે. તેમણે જાગવાની જરૂર છે અને સમયને સમજવાની જરૂર છે.’

ફેરવિચારણા કરીને જીએસટી પાછો ખેંચી લો

મહારાષ્ટ્રનાં વેપારી સંગઠનોએ ગઈ કાલના બંધને અને વેપારી એકતાને લક્ષમાં રાખીને કેન્દ્ર સરકારને કરી અપીલ

જીએસટી કાઉન્સિલ દ્વારા સોમવારથી આવેલા પ્રી-પૅક્ડ અને પ્રી-લેબલવાળા ખાદ્ય અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લાગુ કરશે એની સામે વિરોધ દર્શાવવા રાષ્ટ્રીય સ્તરની ટોચની વેપારીઓની સંસ્થા ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ, નવી દિલ્હી દ્વારા આપવામાં આવેલા એક દિવસીય ટોકન વેપાર બંધના એલાનને રાજ્યના ખૂણે-ખૂણેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ગઈ કાલના બંધમાં સાંગલી, નાશિક, સોલાપુર, કોલ્હાપુર, ઔરંગાબાદ, નાગપુર, અહમદનગર, ધુળે, પરભણી જેવાં સ્થળોએ લગભગ તમામ કૉર્પોરેશનોનાં માર્કેટ યાર્ડ બંધ રહ્યાં હતાં. નાણાપ્રધાને એક દિવસના ટોકન બંધને લક્ષમાં રાખીને નૉન-બ્રૅન્ડેડ અનાજ પરના પાંચ ટકા જીએસટીને પાછો ખેંચવો જોઈએ એમ જણાવતાં ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ટ્રેડર્સ (કૅમિટ)ના અધ્યક્ષ ડૉ. દીપેન અગ્રવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલનો બંધ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં સફળ રહ્યો હતો. સમગ્ર મહારાષ્ટ્રના જથ્થાબંધ અને છૂટક વેપારીઓ અને ફૂડ પ્રોસેસિંગ એકમોએ એક-દિવસીય ટોકન બંધનું અવલોકન કરીને એમાં ભાગ લીધો હતો. નાગપુરમાં હોલસેલ ગ્રેન ઍન્ડ સીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન, વિદર્ભ દાળ મિલર્સ અસોસિએશન અને એપીએમસી માર્કેટો દિવસભર બંધ રહી હતી. ગઈ કાલના બંધમાં મહારાષ્ટ્રના વેપારીઓએ અભૂતપૂર્વ એકતા રાખીને બંધને સફળ બનાવ્યો હતો. રાજ્યના વેપારીઓએ દર્શાવેલા તેમના રોષ માટે કૅમિટ રાજ્યના બધા જ વેપારી સમુદાયના આભારી છે.’

કોઈ પણ કલ્યાણકારી સરકારની આવકની ભૂખ લાખો ગ્રાહકોની ભૂખ પર જીત મેળવી શકતી નથી 

ખાદ્ય પદાર્થો પરના પાંચ ટકા જીએસટીને પાછો ખેંચો અને એલપીજીના ભાવમાં ઘટાડો કરો: મુંબઈ ગ્રાહક પંચાયતનો નરેન્દ્ર મોદીને વિનંતી કરતો પત્ર

ખાદ્ય પદાર્થો પર સોમવારથી કેન્દ્ર સરકારે લાદેલા પાંચ ટકા જીએસટીનો વિરોધ દેશભરનાં વેપારી સંગઠનો કરી રહ્યાં છે. આ સમયે મુંબઈ ગ્રાહક પંચાયત તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ જીએસટી પાછો ખેંચવાની અને એલપીજી સિલિન્ડરોના ભાવ ઘટાડવાની વિનંતી કરવામાં આવી છે.
આ બાબતની માહિતી આપતાં મુંબઈ ગ્રાહક પંચાયતના અધ્યક્ષ શિરીષ દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારથી અનાજ, કઠોળ અને સિરિયલો પર પાંચ ટકા જીએસટી લાદવાથી મુંબઈ ગ્રાહક પંચાયત ચિંતિત છે. કોઈ પણ કલ્યાણકારી સરકારોની આવકની ભૂખ લાખો ગ્રાહકોની ભૂખ પર જીત મેળવી શકતી નથી. અમે નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે સામાન્ય ઉપભોક્તાની જીવનાવશ્યક ચીજવસ્તુઓ પર લાદવામાં આવેલા આ અયોગ્ય અને અન્યાયી ટૅક્સને તાત્કાલિક પાછો ખેંચી લો. ‌સબસિડી વિનાના એલપીજીની કિંમત જુલાઈ ૨૦૨૦માં ૫૯૫ રૂપિયાથી વધીને જુલાઈ ૨૦૨૨ સુધીમાં ૧૦૫૩ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલે લોકોને રાહત આપવા માટે એલપીજીના ભાવમાં પણ ઘટાડો કરવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2022 09:38 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK