મત આપવાની સાથે મત માગવાનો સમય આવી ગયો છે, જૈનો મૂળ ક્ષત્રિય હતા એટલે ક્ષાત્રવટને બહાર લાવવાનો સમય આવી ગયો છે
સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર
પાવાગઢમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોના તીર્થંકરોની મૂર્તિઓને ખંડિત કરીને કચરામાં નાખવામાં આવતાં જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાનો મુંબઈમાં પણ પડઘો પડ્યો છે. મુંબઈમાં આ ઘટનાનો વિરોધ કરવા માટે ગઈ કાલે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના નેજા હેઠળ કાંદિવલી, ગોરેગામ, નવજીવન સોસાયટી, ઘાટકોપર અને ભાઈંદરમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા જૈનોએ આક્રોશ ઠાલવ્યો હતો.
બોરીવલીના દેવનગર ખાતે ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજસાહેબે તીર્થરક્ષા માટે સૌને જાગ્રત થવાની પ્રેરણા કરી હતી. ધર્મસભા માટે ઉગ્ર વિહાર કરીને પધારેલા ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરિજી મહારાજસાહેબે કહ્યું હતું કે આપ સૌના આજના ઉત્સાહને આક્રોશમાં ફેરવવાનો હવે સમય આવી ગયો છે. તેમણે સંગઠિત થઈને આ બાબતમાં લડત આપવાનું આહ્વાન કર્યું હતું. સભામાંથી એકસૂર વ્યક્ત થયો હતો કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે શાસનસુરક્ષા માટે આગોતરી તૈયારી રાખવી જોઈએ અને એ માટે એક માતબર ફન્ડ પણ ભેગું થવું જોઈએ.
ઘાટકોપરના સંઘાણી એસ્ટેટ ખાતેના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસરમાં એકત્રિત થયેલી મેદનીને સંબોધતાં આચાર્ય શ્રી અજિતશેખર સૂરીશ્વરજી મહારાજસાહેબે ફરમાવ્યું હતું કે ‘દુર્જનોની સક્રિયતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા ભયંકર છે. કપર્દી મંત્રીએ એક તિલકની રક્ષા કાજે સેંકડો યુવાનોના બલિદાન અપાવ્યા હતા અને આજે આપણે પરમાત્મા પર થયેલા કુઠારાઘાત પછી પણ શાંતિથી બેસી કેમ રહ્યા છીએ?’
ADVERTISEMENT
ગોરેગામના જવાહરનગરમાં આવેલા ગુંડેચા આરાધના ભવનમાં ગચ્છાધિપતિ શ્રી કલ્પતરુસૂરિજી મહારાજસાહેબ અને આચાર્ય શ્રી તીર્થભદ્રેશ્વરી મહારાજસાહેબે શાસન પ્રત્યે મમત્વ પેદા કરવાની વાત કરી હતી અને સબળ નેતૃત્વની તાતી આવશ્યકતા જણાવી હતી. જૈનોએ રાજકારણમાં હવે પોતાની વગ વધારવા વોટ આપવા સાથે વોટ માગવાની વાત પર વજન મૂકવાની વાત કરી હતી.
ભાઈંદરમાં પંન્યાસ શ્રી આર્યરક્ષિત વિજયજી મહારાજસાહેબે પાવાગઢનો ઇતિહાસ જણાવ્યો હતો અને કહ્યું હતું કે વડીલો જે માર્ગદર્શન આપે એ પ્રમાણે આંદોલનને સમસ્ત જૈનોએ પૂરો સહકાર આપવો જોઈએ.
દેવનગર, કાંદિવલી
નવજીવન જૈન સંઘમાં અનેક સમુદાયના ગુરુભગવંતો ગચ્છાધિપતિ શ્રીમદ નરદેવ સાગરજી મહારાજસાહેબની નિશ્રામાં એકત્રિત થયા હતા. પૂજ્ય શ્રી લબ્ધિવલ્લભ મહારાજસાહેબે કહ્યું હતું કે આપણે પ્રભુ વીરના સિદ્ધાંતો દ્વારા રાષ્ટ્રનાં કાર્યો કરવા જોઈએ અને આ પ્રમાણે કદ વધશે તો સત્તા મળશે અને સત્તા મળશે તો સુરક્ષા થશે. આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી સમુદાયના આચાર્ય શ્રી રાજહંસસૂરિજી મહારાજસાહેબે કહ્યું હતું કે જૈનો મૂળ ક્ષત્રિયો હતા એ ક્ષાત્રવટને બહાર લાવવાનો સમય પાકી ગયો છે. ડહેલાવાળા સમુદાયના શ્રી જિનરત્ન મહારાજસાહેબ, ભક્તિ યોગાચાર્ય શ્રી રાજ્યપુણ્ય મહારાજસાહેબ, ભુવનભાનુસૂરિજી સમુદાયના આચાર્ય શ્રી અપરાજિત મહારાજસાહેબ અને ઓમકારસૂરિજી સમુદાયના શ્રી પુણ્યરત્ન મહારાજસાહેબે સંઘને સંગઠિત થવાની પ્રેરણા કરીને પાવાગઢની ઘટનાને વખોડી હતી.
નવજીવન સંઘ
આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિજી મહારાજસાહેબે જૈનોના આંદોલનની સરાહના કરતાં કહ્યું હતું કે હજારો જૈનો એકઠા થયા છે છતાં ક્યાંક એક નાનકડો પથ્થર પણ ફેંકાયો નથી કે અન્ય કોઈ ધાંધલધમાલ નથી થઈ, કારણ કે આ આંદોલન જૈનોનું છે; ખૂબ-ખૂબ અનુમોદના. જૈનોની એક જ માગણી છે કે ગુનેગારોની ધરપકડ થાય, તેમને સખત સજા થાય અને અમારા પરમાત્માને પુનઃ સ્થાપિત કરો.
મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ સંઘસંગઠનનાં કાર્યો માટે તન, મન, ધનથી સાથ આપવાનું જાહેર કર્યું હતું તો સંઘપ્રમુખ નીતિન વોરાએ શાસન સુરક્ષા ફન્ડની અપીલ કરી હતી.

