શહેરમાં રોજ ભેગા થતા ૬૫૦૦ ટન કચરાના નિકાલ માટે વર્ષે ૨૬૯૭ કરોડ ખર્ચાયા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં છેલ્લાં પાંચ વર્ષમાં સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ (SWM) ખર્ચમાં ૩૪ ટકાનો વધારો થયો છે. મુંબઈમાં દરરોજ આશરે ૬૫૦૦ ટન (MT) કચરો ઉત્પન્ન થાય છે. વૉર્ડ મુજબ સૌથી વધુ કચરો L વૉર્ડ (કુર્લા), M પૂર્વ વૉર્ડ (દેવનાર) અને K પૂર્વ વૉર્ડ (જોગેશ્વરી અને અંધેરી)માંથી ભેગો કરવામાં આવે છે.
પ્રજા ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટનો ખર્ચ ૨૦૨૫-’૨૬માં ૨૬૯૭ કરોડ રૂપિયા સુધી વધી ગયો છે, જે ૨૦૨૧-’૨૨માં ૧૯૯૯ કરોડ રૂપિયા હતો. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં અને ભાડે રાખેલાં વાહનોનો ઉપયોગ કરીને કાટમાળ દૂર કરવો, ઘર અને સોસાયટીની ડ્રેનેજ લાઇનોની સફાઈ, જાહેર શૌચાલયોની જાળવણી, દરિયાકિનારા અને ટૂરિસ્ટ-પ્લેસની સફાઈ જેવી સેવાઓના વધારાને લીધે આ ખર્ચમાં વધારો થયો હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.
ADVERTISEMENT
મુંબઈમાં ક્યાં કેટલો કચરો ઠલવાય છે?
દેવનાર ડમ્પિંગ યાર્ડમાં રોજ ૫૦૦થી ૭૦૦ ટન અને કાંજુરમાર્ગમાં ૫૯૦૦ ટન કચરો ઠલવાય છે. એમાં ૭૨.૬૦ ટકા ભીનો કચરો, ૩.૫૧ ટકા સૂકો કચરો, ૧૭.૩૭ ટકા કન્સ્ટ્રક્શન વગેરેનો કચરો, ૩.૨૪ ટકા પ્લાસ્ટિક અને ૩.૨૮ ટકા રીસાઇકલ અને કાગળનો કચરો હોય છે.
હવે આધુનિક રીતે થશે વેસ્ટ મૅનેજમેન્ટ
BMC વેસ્ટ-ટુ-એનર્જી અને બાયો-માઇનિંગ પ્રોજેક્ટ્સ દ્વારા વેસ્ટ મૅનેજમેન્ટની પ્રોસેસ આધુનિક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુલુંડ ખાતે ૭૩૧ કરોડ રૂપિયાના ખર્ચે બાયો-માઇનિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. દેવનારમાં સૌથી મોટા ડમ્પિંગ યાર્ડમાં ૬૪૮ કરોડ રૂપિયાનો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ બની રહ્યો છે જે દરરોજ ૬૦૦ ટન કચરાને પ્રોસેસ કરશે અને ૮ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરશે. જુલાઈ મહિનામાં BMCએ દેવનાર લૅન્ડફિલ ખાતે આશરે ૧૮૫ લાખ ટન કચરાની સાયન્ટિફિક ટ્રીટમેન્ટ માટે ૨૫૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે.


