ચોરીની આ ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી એટલે ફુટેજના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી
અનુપમ ખેર
અનુપમ ખેરની અંધેરી-વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પર આવેલી ઑફિસમાંથી ૧૯ જૂને તિજોરી અને ફિલ્મની નેગેટિવ ચોરી થવાના મામલામાં પોલીસે ૩૫ વર્ષના રફીક શેખ અને ૩૦ વર્ષના મોહમ્મદ દિલશાદ ખાનની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરવામાં આવેલી કુલ ૪.૧૫ લાખ રૂપિયાની રોકડ રકમ, નેગેટિવ અને તિજોરીમાંથી ૩૪,૦૦૦ રૂપિયા કૅશ, તિજોરી અને ફિલ્મની નેગેટિવ જપ્ત કર્યાં હતાં. ૧૯ જૂને રાત્રે અનુપમ ખેરની કંપનીનો કર્મચારી પ્રવીણ પાટીલ ઑફિસ બંધ કરીને ગયો હતો. બીજા દિવસે સવારે તેણે ઑફિસ ખોલી ત્યારે દરવાજો ખુલ્લો હોવાનું જોયું હતું. ઑફિસની અંદર રાખવામાં આવેલી તિજોરી ગાયબ હોવાથી તેણે આંબોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી એટલે ફુટેજના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

