ઈજાગ્રસ્ત બાળકોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. પોલીસે સ્કૂલ-વૅનના ડ્રાઇવરની અટકાયત કરી છે.
સ્પીડમાં જતી સ્કૂલ-વૅનનો પાછળનો દરવાજો ખૂલી ગયો, બે બાળકો રસ્તા પર પડી ગયાં તોય ડ્રાઇવર ઊભો ન રહ્યો
સ્કૂલ-વૅનમાં જતાં બાળકોની સુરક્ષા વિશે પ્રશ્નો ઊભા થાય એવા અનેક કિસ્સા સમયાંતરે બનતા રહે છે. આવો વધુ એક બનાવ અંબરનાથની ફાતિમા સ્કૂલની વૅનમાં બન્યો હતો. ચાલતી સ્કૂલ-વૅનમાં પાછળનો દરવાજો ખૂલી જતાં બે બાળકો રસ્તા પર પડી ગયાં હતાં. હદ તો ત્યારે થઈ જ્યારે બે બાળકો પડી ગયા બાદ પણ ડ્રાઇવરે વૅન રોકી નહીં અને સ્પીડમાં આગળ વધી ગયો. પાછળથી આવતી રિક્ષાના ડ્રાઇવરે પોતાની રિક્ષા રોકીને બાળકોને ઊભાં કર્યાં હતાં તેમ જ રસ્તા પર જતાં અન્ય વાહનચાલકોએ વૅનની પાછળ જઈને એને રોકી હતી. ઈજાગ્રસ્ત બાળકોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. પોલીસે સ્કૂલ-વૅનના ડ્રાઇવરની અટકાયત કરી છે.
આવા કિસ્સા સામે આવતાં સ્કૂલ-વૅનમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાય છે. સ્કૂલ બસ ઓનર્સ અસોસિએશનના અધ્યક્ષ અનિલ ગર્ગે પણ ગેરકાયદે ચાલતી સ્કૂલ-વૅનનો મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૧૨ સીટથી ઓછી સીટ ધરાવતી કોઈ પણ વૅનને સ્કૂલ-વૅન તરીકે વાપરવાની પરવાનગી નથી છતાં આ રીતે ડિકીમાં બેસાડીને બાળકોને લઈ જવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ વિભાગે પણ સેફ્ટી-ચેક વગર ચાલતી આવી વૅન વિરુદ્ધ પગલાં લેવાં જોઈએ. આ રીતે ગેરકાયદે સ્કૂલ-વૅન ચલાવવાની પરવાનગી આપવા બદલ સ્કૂલ સામે પગલાં લઈ શકાય.’

