માળા નીચે પડ્યા એમાં જીવ ગયો, ૨૮ પક્ષી જખમી: કૉન્ટ્રૅક્ટર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવશે
વૃક્ષો કાપવાની ઘટના બાદ પક્ષીઓને બચાવવા દોડતા પક્ષીપ્રેમીઓ.
થાણેના ઘોડબંદરના આનંદનગર વિસ્તારમાં રિતુ એન્ક્લેવ હાઉસિંગ કૉમ્પ્લેક્સ નજીક રસ્તા પર એક ખાનગી કૉન્ટ્રૅક્ટર દ્વારા ગઈ કાલે બપોરે વૃક્ષોનું ટ્રિમિંગ ચાલતું હતું એ દરમ્યાન વૃક્ષો પર રહેલા પક્ષીઓના માળા જમીન પર પટકાતાં ૪૫ પક્ષીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૮ પક્ષી ગંભીર રીતે જખમી થયાં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઘટના બહાર આવ્યા બાદ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ગાર્ડન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે વૃક્ષોનું ટ્રિમિંગ કરનાર ખાનગી કૉન્ટ્રૅક્ટર સામે પોલીસ-ફરિયાદ કરવામાં આવશે.
ઘોડબંદર વિસ્તાર નવા થાણે તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં મોટાં-મોટાં હાઉસિંગ કૉમ્પ્લેક્સ બન્યાં છે. એક તરફ ખાડી અને બીજી બાજુ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન છે. એકંદરે આ વિસ્તાર પ્રકૃતિથી સમૃદ્ધ હોવાથી અહીં મોટી સંખ્યામાં વૃક્ષો છે જેને કારણે વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે એમ જણાવતાં ઘોડબંદર રોડ પરના એક પક્ષીપ્રેમીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસા દરમ્યાન વૃક્ષો ઊખડી જવાથી થતા અકસ્માતોને રોકવા માટે આંનદનગર વિસ્તારમાં ખાનગી કૉન્ટ્રૅક્ટર દ્વારા વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું હતું. એ સમયે બેદરકારીપૂર્વક કૉન્ટ્રૅક્ટરે સાવચેતી ન લેતાં એકસાથે મોટા મશીનથી ગઈ કાલે ટ્રિમિંગ શરૂ કરી દીધું હતું. એમાં એક પછી મોટી ડાળીઓ જમીન પર પડતાં મોટી સંખ્યામાં પક્ષીઓના માળા નીચે પટકાયા હતા. આશરે ૨૦ ફીટ ઉપરથી જમીન પર પટકાતાં આશરે ૪૫ પક્ષી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં એટલું જ નહીં, મોટી સંખ્યામાં પક્ષીનાં ઈંડાં પણ તૂટી ગયાં હતાં. આ ઘટનામાં ૨૮ પક્ષીને ગંભીર ઈજા થવાથી એમને ઇલાજ માટે ખસેડવામાં આવ્યાં છે.’
ADVERTISEMENT
આ સંદર્ભમાં TMCના ટ્રી ઑથોરિટી વિભાગના અસિસ્ટન્ટ કમિશનર રાજેશ સોનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી રહી હતી ત્યારે અનેક પક્ષીના માળા જમીન પર પડ્યા હતા જેને કારણે કેટલાંક પક્ષીઓનાં મૃત્યુ થયાં છે. આ ઘટના ગંભીર હોવાથી અમે આ સંદર્ભમાં કૉન્ટ્રૅક્ટર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવીશું.’

