ઘોડબંદર રોડ પરના ટ્રાફિકનું આ છે મુખ્ય કારણ
થાણે-ઘોડબંદર રોડ પર બુધવારે બંધ પડેલી ક્રેન.
ઘોડબંદર રોડ પર છેલ્લા કેટલાક દિવસથી પીક અવર્સમાં થતા મોટા પ્રમાણમાં ટ્રાફિકને કારણે સ્થાનિક નાગરિકો તેમ જ મુસાફરો ત્રાસી ગયા છે. બુધવારે ઘોડબંદરના પાટલીપાડા ફ્લાયઓવર નજીક મેટ્રોના કામ માટે પાર્ક કરેલાં વાહનો એકબીજા સાથે અથડાતાં થયેલા અકસ્માતને કારણે આશરે ૬ કલાક ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર છેલ્લા ૧૦ દિવસમાં આ રીતે વાહનો બંધ પડી જવાથી ટ્રાફિક સર્જાયો હોવાની આ સાતમી ઘટના છે. બીજી તરફ ઘોડબંદર રોડ પરના અનેક વિસ્તારોમાં રસ્તાની અત્યંત ખરાબ હાલતને પણ ટ્રાફિક માટેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. સ્થાનિક નાગરિકોએ તમામ સરકારી એજન્સીઓનું એકબીજા સાથે કો-ઑર્ડિનેશન ન હોવાને કારણે ટ્રાફિક થતો હોવાનો દાવો કર્યો છે.
ઘોડબંદર રોડના ટ્રાફિક માટે સતત લડત ચલાવતા જસ્ટિસ ફૉર ઘોડબંદર ગ્રુપનાં શ્રદ્ધા રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિવંડીના ઉરણથી નીકળતાં હજારો હળવાં અને ભારે વાહનો ઘોડબંદર રૂટ પર વસઈ અને ગુજરાત તરફ જતાં હોય છે. આ રૂટ પર મેટ્રો-4 અને 4-Aનું કામ ચાલી રહ્યું છે. આના કારણે રસ્તા પર ઘણી જગ્યાએ અવરોધો ઊભા થયા છે જેને કારણે ટ્રાફિક-વ્યવસ્થા પર અસર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘોડબંદર રોડ પર વિવિધ જગ્યાએ ખાડા પડી ગયા છે. ખાડાઓને કારણે ટ્રાફિક જૅમનો ભોગ નાગરિકોએ બનવું પડે છે. આ ઉપરાંત ઘોડબંદર રોડ પર હાલમાં બે લેન વાહનચાલકો માટે ખુલ્લી છે ત્યારે અવારનવાર મોટાં વાહનો બંધ પડતાં મુસાફરો અને વાહનચાલકોને ટ્રાફિક જૅમનો સામનો કરવો પડે છે. આ બધાનું એક મુખ્ય કારણ એ પણ છે કે સરકારી એજન્સીઓનું આપસમાં કોઈ કો-ઑર્ડિનેશન જ નથી. જો એ યોગ્ય હોય તો કોઈ પણ તકલીફનું નિવારણ તાત્કાલિક કરી શકાય છે.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
થાણેના ટ્રાફિક વિભાગના ડેપ્યુટી પોલીસ-કમિશનર પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડ પર બુધવારે બંધ પડેલા વાહનને ચાલુ કરવા માટે અમારા અધિકારીઓએ પહેલાં ક્રેન-ડ્રાઇવરને શોધ્યો હતો અને ત્યાર બાદ ક્રેન રિપેર કરવાવાળાને શોધ્યો હતો. એટલું જ નહીં, ક્રેન માટે આશરે ૨૦૦ લીટર ડીઝલની વ્યવસ્થા કરીને ક્રેનને ચાલુ કરી હતી. આશરે એકથી દોઢ કલાક મહેનત કર્યા બાદ ક્રેન શરૂ થઈ હતી અને એને સાઇડમાં કાઢવામાં આવી હતી. ઘોડબંદર રોડ પર ટ્રાફિક ન થાય એ માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરી છીએ. જોકે અનેક વાર મોટાં વાહનો બંધ પડી જતાં હોવાથી ટ્રાફિક થતો હોવાનું જોવા મળ્યું છે.’

