સાકિબ્ ઉર્ફે સલમાન અખ્તર અગાઉ પણ થાણે અને નવી મુંબઈનાં દેરાસરોમાં ચોરી કરવા બદલ પકડાઈ ચૂક્યો છે
આરોપી સાકિબ ઉર્ફે સલમાન અખ્તર અને પોલીસે તેની પાસેથી જપ્ત કરેલો માલ.
ભિવંડીના અશોકનગરમાં આવેલા જૈન દેરાસરનાં તાળાં તોડીને શનિવારે રાતે આશરે અઢી લાખ રૂપિયાની માલમતા તફડાવનાર ૨૮ વર્ષના સાકિબ ઉર્ફે સલમાન અખ્તરની શાંતિનગર પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. જૈન દેરાસરમાં ચોરીની ઘટના નોંધાતાં પોલીસે દેરાસર તેમ જ આસપાસના વિસ્તારોમાં લગાડવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં જેમાં મોઢા પર માસ્ક બાંધી આવેલા આરોપીની વધુ માહિતી મેળવતાં તે રીઢો ગુનેગાર હોવાની ખાતરી થઈ હતી. સાકિબ ઉર્ફે સલમાને માર્ચમાં ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિની હત્યા કરી હતી એ કેસમાં તેને જામીન મળતાં તે ભિવંડી આવ્યો હતો.
શાંતિનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે મોડી રાતે દેરાસરનાં તાળાં તોડીને ચોરી થઈ હોવાની માહિતી દેરાસરના ટ્રસ્ટી શાંતિલાલ ગડાએ અમને આપી હતી. ઘટનાસ્થળ પર જઈ તપાસ કરતાં સોના અને ચાંદીના હાર, આરતી, દીવા, કળશ, સિંહાસન સાથે દેરાસરની દાનપેટીમાંથી આશરે અઢી લાખ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાની જાણકારી મળી હતી. આ કેસમાં મંદિરમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં આરોપી મોઢા પર માસ્ક બાંધીને આવ્યો હતો એટલે તેની ઓળખ થવી મુશ્કેલ હતી. અમે આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV તપાસી આરોપીની ઓળખ કરી હતી. દરમ્યાન આરોપી રીઢો ગુનેગાર હોવાની ખાતરી થતાં અમે ગુપ્ત સૂત્રો પાસેથી તેની માહિતી મેળવી ભિવંડીના પડઘા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી અમે ચોરાયેલી તમામ માલમતા જપ્ત કરી છે. આરોપીની આ પહેલાં જૈન દેરાસરોમાં ચોરી કરવા બદલ થાણે અને નવી મુંબઈનાં ત્રણ પોલીસ-સ્ટેશનમાં ધરપકડ થઈ હોવાની માહિતી અમને મળી છે. આરોપી સામે ઉત્તર પ્રદેશમાં હત્યાનો ગુનો પણ નોંધાયેલો હોવાની માહિતી અમને મળી છે. જૈન દેરાસરો ચોરી માટે સેફ હોવાથી તે ત્યાં જ ચોરી કરતો હોવાની કબૂલાત અમને આપી છે.’


