મીરા રોડમાં ગઈ કાલે યોજાયેલી હરીશ અને જય મહેતાની શ્રદ્ધાંજલિ સભામાં વાતાવરણ ભાવુક બન્યું
જય અને હરીશ મહેતાની ગઈ કાલે મીરા રોડમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી.
નાલાસોપારા-ઈસ્ટમાં લિન્ક રોડ પરની રશ્મિ-દિવ્યા સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ પિતા-પુત્ર હરીશ અને જય મહેતાએ સોમવારે ભાઈંદર સ્ટેશન પાસે રેલવે-ટ્રૅક પર સૂઈને સાથે આત્મહત્યા કરી એ ઘટનાનો અત્યંત ચોંકાવનારો વિડિયો હજી સુધી લોકોના મનમાંથી ખસતો નથી. પિતા-પુત્રે એકસાથે શા માટે આવું પગલું ભર્યું એનું આ ઘટનાના પાંચ દિવસ બાદ પણ કારણ જાણી નથી શકાયું. પરિવારે ગઈ કાલે મીરા રોડમાં બાપા સીતારામ મંદિરમાં પિતા-પુત્રની પ્રાર્થનાસભા રાખી હતી. એમાં શ્રદ્ધાંજલિ આપવા માટે આવેલા લોકોની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં હતાં એટલે ભાવુક માહોલ બની ગયો હતો. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે હરીશ મહેતાના ભાઈ અને જયની પત્નીનાં નિવેદનો લીધાં છે. તેમણે આર્થિક કે પારિવારિક સહિતની કોઈ સમસ્યા જ ન હોવાનું કહ્યું છે. આથી બનાવના પાંચ દિવસ બાદ પણ પિતા-પુત્રે એકસાથે ટ્રૅક પર સૂઈને શા માટે જીવ આપ્યા એનો કોઈ જવાબ નથી મળ્યો.
હરીશ મહેતા નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજના હતા. આ સમાજના મીરા રોડમાં રહેતા અગ્રણી મિલન ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હરીશભાઈ અને જયની મીરા રોડમાં બાપા સીતારામ મંદિરમાં પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપવા માટે આવેલા પરિવારજનોની સાથે અન્યોની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં હતાં. કોઈ કારણ વિના બાપ-દીકરા આવી રીતે આપણી વચ્ચેથી જતા રહ્યા છે એ કોઈ માનવા તૈયાર નથી.’
ADVERTISEMENT
સુસાઇડ-નોટ અને મોબાઇલ પર આધાર
આત્મહત્યાની તપાસ કરી રહેલા વસઈ રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હરીશ મહેતાના ભાઈ અને જયની પત્ની સહિત નજીકના સંબંધીઓનાં નિવેદનો નોંધ્યાં છે. તેમનું કહેવું છે કે કોઈ જ દેખીતું કારણ તેમના ધ્યાનમાં નથી જેને લીધે પિતા-પુત્ર આત્મહત્યા કરે. સુસાઇડ નોટ મળી છે એ જયે જ લખી છે કે કેમ તેમ જ બન્નેના મોબાઇલના કૉલ-રેકૉર્ડ્સ પર જ આધાર છે. બે-ત્રણ દિવસમાં કૉલ-રેકૉર્ડ્સ આવી જવાની શક્યતા છે.’

