આર્થિક સ્થિતિ સારી હતી, કોઈ બીમારી નહોતી... તો પછી બાપ અને દીકરાએ સાથે મળીને આત્મહત્યા કેમ કરી?
બે મહિના પહેલાં જય અને હરીશ મહેતા ગીરના જંગલમાં આવેલાં કુળદેવી કનકેશ્વરી માતાનાં દર્શને ગયા હતા.
સોમવારે સવારના સાડાઅગિયાર વાગ્યે ભાઈંદર રેલવે-સ્ટેશન પાસે ટ્રૅક પર સૂઈને જીવ આપનારા વસઈના ગુજરાતી બ્રાહ્મણ પિતા-પુત્ર હરીશ અને જય મહેતાના મંગળવારે રાત્રે મીરા રોડમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશ મહેતાના ભાઈ અને જયની પત્નીના કહેવા મુજબ તેમને આર્થિક કે શારીરિક મુશ્કેલી નહોતી અને ૧૩ મહિના પહેલાં જયનાં લગ્ન બાદ પરિવાર ખુશખુશાલ હતો તો તેમણે શા માટે આ પગલું ભર્યું એ સમજાતું નથી. આમ તો હરીશ મહેતા નિવૃત્ત હતા, પણ વસઈમાં ઘર નજીક આવેલા સ્ટૉકમાર્કેટના બોલ્ટમાં જઈને બેસતા હતા અને પુત્ર જય મરોલમાં આવેલી કોલ્ડ ડ્રિન્ક્સની કંપનીમાં જૉબ કરતો હતો એટલે સવારના તે વસઈથી જૉબ પર જવા નીકળતો હતો. સોમવારે બન્ને વસઈથી સાથે કેમ નીકળ્યા? વસઈથી ૮.૩૦ વાગ્યાની આસપાસ નીકળેલા પિતા-પુત્ર ભાઈંદર કેમ ઊતર્યા? ભાઈંદરમાં તેઓ કોને મળ્યા? વગેરે જેવા સવાલના જવાબ તેમના મોબાઇલ ફોનના રૅકોર્ડમાંથી મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.
વસઈ-ઈસ્ટમાં આવેલી વસંતનગરીના રશ્મિ-દિવ્યા કૉમ્પ્લેક્સમાં રહેતા ૬૫ વર્ષના હરીશ મહેતા અને તેમના ૩૪ વર્ષના પુત્ર જયના મૃતદેહ સોમવારે સવારના ભાઈંદર રેલવે-સ્ટેશન પાસેથી ટ્રૅક પરથી મળી આવ્યા હતા. રેલવે પોલીસે બન્નેના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરીને મંગળવારે મોડી સાંજે તેમના મીરા રોડમાં રહેતા પરિવારજનોને સોંપ્યા હતા અને રાત્રે દસેક વાગ્યે મીરા રોડના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.



