આ હેતુથી મ્યુનિસિપલ કૉર્પોરેશને શરૂ કર્યું માઝે ઘર, માઝા બાપ્પા અભિયાન : વિવિધ સ્થળોએ ઇકૉફ્રેન્ડ્લી મૂર્તિઓ બનાવવાની વર્કશૉપનું આયોજન
બેડેકર વિદ્યામંદિરમાં યોજાયેલી વર્કશૉપ.
રાજ્યમાં પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)થી બનતી ગણેશમૂર્તિઓ વિશે સતત વિવાદો વચ્ચે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા માઝે ઘર, માઝા બાપ્પા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે પર્યાવરણનું રક્ષણ દરેક નાગરિક કરી શકે તેમ જ PoP મૂર્તિથી દૂર રહી શકે એ માટે થાણેનાં વિવિધ સ્થળોએ શાડૂ માટીમાંથી મૂર્તિઓ બનાવવા માટે વર્કશૉપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે પર્યાવરણ વિભાગના અધિકારીઓ તેમ જ અન્ય સામાજિક સંગઠનોનો સહયોગ લેવામાં આવ્યો છે. આ વર્કશૉપનું બધા નાગરિકો માટે મફતમાં આયોજન કરવામાં આવ્યું છે.
TMCનાં પર્યાવરણ વિભાગનાં સિનિયર અધિકારી મનીષા પ્રધાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘PoP મૂર્તિના વપરાશથી પાણીમાં રહેતા જીવોને મોટું નુકસાન થતું હોય છે જેના માટે થાણેનો દરેક નાગરિક શાડૂ માટીથી બનેલી બાપ્પાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપન કરે એવા હેતુથી અમે થાણેની કૉલેજ, સ્કૂલ તેમ જ સોસાયટીમાં જઈ નાગરિકોને શાડૂ માટીમાંથી ગણેશમૂર્તિઓ કેવી રીતે બનાવવી એની મફત તાલીમ આપી રહ્યા છીએ. માઝે ઘર, માઝા બાપ્પાની પહેલ હેઠળ અત્યાર સુધીમાં સ્કૂલના ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણને અનુકૂળ ગણપતિ કેવી રીતે બનાવી શકાય એની માહિતી આપવામાં આવી છે. પર્યાવરણને અનુકૂળ તહેવારોની ઉજવણી વિશે જાગૃતિ પણ લાવવામાં આવી છે.’
ADVERTISEMENT
શાડૂ મૂર્તિઓ માટે પ્રોત્સાહન
TMCએ આ વર્ષે પણ પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવ માટે ૪ મૂર્તિ બનાવનારાઓને મફત જગ્યા પૂરી પાડી છે તેમ જ ૧૭ મૂર્તિ બનાવનારાઓને પચીસ ટન શાડૂ માટી મફતમાં પૂરી પાડવામાં આવી છે.


