ભાંડુપના ટાવરમાં આવીને મુલુંડની ૧૫ વર્ષની છોકરીએ આત્મહત્યા નહોતી કરી, ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે તેને ટેરેસ પરથી નીચે ફેંકી દીધી હતી
ભાંડુપ-વેસ્ટમાં આવેલી મહિન્દ્ર સ્પ્લેન્ડર ઇમારત
ભાંડુપ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર આવેલી મહિન્દ્ર સ્પ્લેન્ડર ઇમારતની ટેરેસ પરથી પડી જતાં ૨૪ જૂને રાતે ૧૫ વર્ષની કિશોરીનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતીમાં તેના ૧૬ વર્ષના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે પોલીસને જણાવ્યું હતું કે અભ્યાસની તાણને લીધે કિશોરીએ કૂદીને આત્મહત્યા કરી હતી. જોકે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવેલી ઝીણવટભરી પૂછપરછમાં તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે કિશોરીને બત્રીસ માળના બિલ્ડિંગની ટેરેસ પરથી ધક્કો મારીને તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. આ સંદર્ભે સોમવારે સાંજે ભાંડુપ પોલીસે હત્યાનો કેસ નોંધીને ૧૬ વર્ષના કિશોરને તાબામાં લીધો છે. આ કેસમાં કિશોરીના મોબાઇલે અગત્યની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
ફિલ્મી સ્ટોરી પણ આ કેસ સામે ફેલ થઈ જાય એમ જણાવતાં ભાંડુપના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બાળાસાહેબ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડ-ઈસ્ટના મીઠાગર રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી ૨૪ જૂને સાંજે ભાંડુપના LBS માર્ગ પર આવેલી મહિન્દ્ર સ્પ્લેન્ડર ઇમારતમાં તેના ૧૬ વર્ષના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડને મળવા આવી હતી. એ દરમ્યાન રાતે આઠ વાગ્યે કિશોરીની ડેડ-બૉડી અમને એ જ સોસાયટીના કમ્પાઉન્ડમાંથી મળી હતી. તે કોના ઘરે આવી હતી એની માહિતી મળતાં અમે તેના બૉયફ્રેન્ડની પૂછપરછ કરી ત્યારે તેણે અમને જણાવ્યું હતું કે અભ્યાસની તાણને કારણે તે હતાશ હતી, તેને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા પણ તે અચાનક D વિન્ગની ટેરેસ પરથી કૂદી ગઈ હતી. એટલે આ કેસમાં અમે અકસ્માત્ મૃત્યુનો કેસ નોંધ્યો હતો. આ કેસની વધુ તપાસ હાથ ધરતાં કિશોરીનો મોબાઇલ અમને E વિન્ગમાંથી મળી આવ્યો હતો. કિશોરીએ આત્મહત્યા કરી D વિન્ગમાં તો તેનો મોબાઇલ કઈ રીતે E વિન્ગમાં હોઈ શકે એના પરથી અમને શંકા જતાં અમે વિગતવાર તપાસ કરીને સોસાયટીની તમામ વિન્ગના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં કિશોરીના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પર અમને શંકા વધી હતી, કારણ કે જ્યારે કિશોરી ઉપરથી નીચે પડી ત્યારે તે બીજા કોઈને જાણ કર્યા વગર સોસાયટીના જિમમાં ચાલ્યો ગયો હતો એટલે અમે તેની પૂછપરછ કરી હતી. જોકે તેણે ગુનો કબૂલ કર્યો નહોતો એટલે અમે એક પછી એક તમામ પુરાવા ભેગા કર્યા હતા જેમાં છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર છોકરાને પ્રપોઝ કર્યું હતું, પણ રિલેશનમાં રહેવાની છોકરાએ ના પાડી દીધી હતી. છોકરી ત્યાર બાદ છોકરાને મળવા ભાંડુપની તેની સોસાયટીમાં આવી હતી. જોકે એ વખતે એકત્રીસમા માળે બન્ને વચ્ચે ઘણો વિવાદ થયો હતો એવી માહિતી એકત્રીસમા માળે રહેતી એક મહિલાએ અમને આપી હતી. આ તમામ વિગતો ભેગી કરીને છોકરાની ફરી પૂછપરછ કરવામાં આવતાં તેણે જ છોકરીને ધક્કો માર્યો હોવાની કબૂલાત કરી હતી. તેણે અમને જણાવ્યું હતું કે પહેલાં તેઓ રિલેશનશિપમાં હતા અને પછી બ્રેકઅપ થઈ ગયું હતું, જોકે એ છતાં કિશોરી તેને સતત રિલેશનમાં રહેવા માટે ફોર્સ કરી રહી હતી અને એ જ કારણસર બન્ને વચ્ચે એકત્રીસમા માળે વિવાદ થયો હતો. એ વિવાદ દરમ્યાન બન્ને ટેરેસ પર ગયાં હતાં જ્યાં છોકરીએ તેને ધક્કો માર્યો હતો જેની સામે છોકરાએ પણ છોકરીને ધક્કો માર્યો હતો જેમાં કિશોરી નીચે પડી ગઈ હતી. આ કેસમાં હત્યાનો ગુનો નોંધી અમે કિશોરને તાબામાં લીધો છે.’

