હિન્દી સ્પિરિચ્યુઅલ ઍન્ડ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા અહિલ્યાબાઈ હોળકર મેદાનમાં રાખવામાં આવેલા પ્રદર્શનમાં જૈન દર્શન ગૅલરી પણ છે જેમાં તમને જૈન ધર્મના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો પરિચય થશે
જૈન મૂલ્યો અને તેમના યોગદાનની ઝાંખી
હિન્દી સ્પિરિચ્યુઅલ ઍન્ડ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા ગોરેગામના મહારાણી અહિલ્યાબાઈ હોલકર મેદાનમાં રાખવામાં આવેલા વિશાળ પ્રદર્શનમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને પણ જૈન દર્શન ગૅલરી રાખી છે. ગુરુવારથી શરૂ થયેલા આ પ્રદર્શનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ૧૫૦થી પણ વધારે સ્ટૉલ રાખવામાં આવ્યા છે.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા ૯૦૦૦ સ્ક્વેરફુટમાં બનાવવામાં આવેલી આ ગૅલરીમાં જૈન ધર્મનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી લોકોને પરિચય થાય એ માટે હિન્દીમાં અનેક રચનાઓ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંગઠન વતી અતુલ શાહે જણાવ્યું હતું કે ‘આ ગૅલરીમાં જૈન મૂલ્યો અને જૈનો દ્વારા આ દેશની અંદર આપવામાં આવેલા યોગદાનની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. જૈન સમવસરણ જેમાં બિરાજમાન થઈને તીર્થંકરો દેશના આપે છે એની કમ્પ્યુટર સ્ક્રીન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જૈન ફિલોસૉફી અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય, જૈન ઇનક્રેડિબલના પ્રોગ્રામ દ્વારા સંસ્કૃતિ અને ધર્મનો ભવ્ય વારસો તેમ જ જૈનોનાં પ્રાચીન તીર્થોનું તીર્થદર્શન પણ આમાં સામેલ કરવામાં આવ્યાં છે.’
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અંતર્ગત શ્રુતગંગા દ્વારા હસ્તલિખિત ગ્રંથોનો એક સ્ટૉલ રજૂ કરવામાં આવ્યો છે. એમાં લહિયાઓ દ્વારા ૧૦,૦૦૦ જેટલા ગ્રંથો હસ્તલિખિત થયા છે જે ૧૦૦૦ વર્ષ સુધી જળવાઈ રહેશે. જૈન મહાનુભાવો દ્વારા દેશની સ્વતંત્રતા માટે આપવામાં આવેલું યોગદાન અને ફિલોસૉફિકલ ઇનસાઇટ અંતર્ગત વૈશ્વિક વિચારણાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગ્લોબલ વૉર્મિંગ, પર્યાવરણની સુરક્ષા અને જીવરક્ષા માટે જૈનોના તીર્થંકરોનો આદેશ શું છે એ પણ વર્ણવવામાં આવ્યું છે. આવતી કાલ સુધી ચાલનારું આ પ્રદર્શન સવારે ૯થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.


