લોકોના જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકતા લોકોની વહારે આવશે સરકાર
સાપ પકડનારા સર્પમિત્ર
લોકોના જીવ બચાવવા પોતાના જીવ જોખમમાં મૂકીને સાપ પકડનારા સર્પમિત્રના કામની નોંધ લઈને હવે રાજ્ય સરકાર તેમને આઇડેન્ટિટી કાર્ડ આપશે એટલું જ નહીં, એ કામ જોખમી હોવાથી તેમને ૧૦ લાખ રૂપિયાનો વીમો આપવાનું પણ વિચારાઈ રહ્યું છે. સ્નેક-રેસ્ક્યુઅરને ઇન્શ્યૉરન્સનો લાભ મળે એ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક સત્તાવાર અરજી મોકલવામાં આવશે એવું રાજ્યના રેવન્યુ મિનિસ્ટર ચંદ્રકાંત બાવનકુળેએ જણાવ્યું હતું.
સાપ પકડનારાઓના મહત્ત્વના કામને જોતાં હવે સ્નેક-રેસ્ક્યુઅરનો એેસેન્શિયલ સર્વિસિસમાં સમાવેશ કરીને તેમનો સમાવેશ ડિઝૅસ્ટર રિસ્પૉન્સમાં કરવાનું વિચારાઈ રહ્યું છે એમ કહેતાં ચંદ્રકાંત બાવનકુળેએ કહ્યું હતું કે ‘આ બાબતે કો-ઑર્ડિનેશન અને ટ્રાન્સપરન્સી વધારવા માટે સર્ટિફાઇડ સ્નેક-રેસ્ક્યુઅર, સર્પમિત્રની માહિતી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે જેને કારણે કટોકટીના સમયે સાપ દેખાયો હોય ત્યારે લોકો તરત જ તેમનો સંપર્ક કરીને તેમની મદદ લઈ શકશે જેને કારણે સાપને બચાવી શકાશે અને લોકોની જિંદગી પણ બચી શકશે.’


