ટિકિટ સિવાયની આવક વધારવા માટે મેટ્રો સંચાલકોની યોજના, સૌથી વધુ પ્રવાસી ધરાવતાં ૩૦ મેટ્રો સ્ટેશન પર ૫૦૦ જેટલાં કિઓસ્ક ભાડે અપાશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મેટ્રો 2A અને 7માં પ્રવાસીઓની સંખ્યા વધવાના રેકૉર્ડ બની રહ્યા છે ત્યારે હવે મહામુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) એના કૉરિડોરને રીટેલ અને કમર્શિયલ સ્પેસ તરીકે ડેવલપ કરવા જઈ રહી છે. એ માટે MMMOCLએ બીડિંગ પ્રક્રિયા શરૂ કરી છે.
દહિસર-ઈસ્ટથી ડી. એન. નગર વચ્ચે ચાલતી મેટ્રો-2A અને દહિસર-ઈસ્ટથી ગુંદવલી વચ્ચે ચાલતી મેટ્રો-7ના કૉરિડોરમાં કુલ ૬૮,૧૬૬ ચોરસ ફુટ જગ્યા ઉપલબ્ધ છે. માત્ર ટિકિટના વેચાણમાંથી થતી આવક ઉપરાંત આ જગ્યાનો ઉપયોગ કરીને નૉન-ફેર બૉક્સ રેવન્યુ ઊભી કરવાની MMMOCLની યોજના છે.
ADVERTISEMENT
૩૦ મેટ્રો સ્ટેશન પર કુલ ૬૮,૧૬૬ ચોરસ ફુટ જગ્યામાં ૫૭૫ કિઓસ્કમાંથી ૪૯૭ કિઓસ્ક લાઇસન્સિંગ માટે ઉપલબ્ધ છે. કિઓસ્ક માટે પાંચ વર્ષ અને બ્લૉક સ્પેસ માટે ૧૫ વર્ષ માટે લાઇસન્સ આપવાની તૈયારી છે. મેટ્રોની ખાલી જગ્યાનો ઉપયોગ કરીને આવક વધારવા સાથે પ્રવાસીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા આ પ્રકલ્પ હાથ ધરવામાં આવશે એમ MMMOCLના એક અધિકારીએ જણાવ્યું હતું.


