Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૬૧૦ કરોડ રૂપિયાનું રીફન્ડ આપ્યું, ૩૦૦૦ જેટલી બૅગની ડિલિવરી પહોંચાડી અને ૧૬૫૦ ફ્લાઇટ્સ ઑપરેટ કરી

૬૧૦ કરોડ રૂપિયાનું રીફન્ડ આપ્યું, ૩૦૦૦ જેટલી બૅગની ડિલિવરી પહોંચાડી અને ૧૬૫૦ ફ્લાઇટ્સ ઑપરેટ કરી

Published : 08 December, 2025 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

DGCAએ કંપનીને શોકૉઝ નોટિસ ફટકારીને જવાબ માગ્યો, ઍરલાઇનના એક કર્મચારીએ ઓપન લેટર લખીને ગેરરીતિઓ ખુલ્લી પાડી, ટોચના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા

 અમદાવાદ ઍરપોર્ટ પર ગઈ કાલે બેસવાની ખુરસીઓ વધારવામાં આવી હતી અને સુચારુ વ્યવસ્થાપન જોવા મળ્યું હતું.

અમદાવાદ ઍરપોર્ટ પર ગઈ કાલે બેસવાની ખુરસીઓ વધારવામાં આવી હતી અને સુચારુ વ્યવસ્થાપન જોવા મળ્યું હતું.


ઇન્ડિગો ઍરલાઇન્સની ધાંધલ બાબતે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ તરફથી ગઈ કાલે મહત્ત્વની માહિતી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી પ્રમાણે ઇન્ડિગો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૧૦ કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ પ્રોસેસ કરી દેવામાં આવ્યું છે અને શનિવાર સુધીમાં આ ઍરલાઇને દેશભરમાં ૩૦૦૦ જેટલી બૅગ્સની ડિલિવરી કરી દીધી છે. શનિવારે ઇન્ડિગોએ ૧૫૦૦ ફ્લાઇટ્સ ઑપરેટ કરી હતી એ વધીને રવિવારે ૧૬૫૦ થઈ હતી.



 ગઈ કાલે ચાર દિવસ પછી પહેલી વાર દિલ્હી ઍરપોર્ટ પર ફ્લાઇટો રદ થવાને બદલે શેડ્યુલ થયેલી ફ્લાઇટ્સનું લિસ્ટ લાંબું જોવા મળ્યું હતું.


શોકૉઝ નોટિસ

ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ શનિવારે ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) પીટર એલ્બર્સ અને ઍરલાઇનના ચીફ ઑપરેટિંગ ઑફિસર (COO) ઇસિદ્રે પોર્કેરાસને શોકૉઝ નોટિસ ફટકારી છે, જેનો ૨૪ કલાકની અંદર જવાબ આપવો પડશે. છેલ્લા પાંચ દિવસમાં ઍરલાઇને ઘણી ગંભીર ભૂલો કરી છે અને એની સામે સરકાર કડક કાર્યવાહી શરૂ કરી રહી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ફ્લાઇટ-વિક્ષેપનું મુખ્ય કારણ પહેલી નવેમ્બરે અમલમાં આવેલી નવી ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL)ને લાગુ કરવાની તૈયારી નહોતી. નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એના માટે આયોજન, દેખરેખ અને સંસાધન વ્યવસ્થાપનમાં ખામીઓ હતી જે નિયમોનું ઉલ્લંઘન છે.


આ ખામીઓ ઉપરાંત નોટિસમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ઇન્ડિગોએ મુસાફરોને ફ્લાઇટ રદ કરવા અંગે જરૂરી માહિતી આપી નહોતી, ન તો રદ કરવા અને વિલંબના કિસ્સામાં ફરજિયાત રીતે આપવી પડતી સુવિધાઓ પૂરી પાડી હતી.

સરકારી સૂત્રોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇન્ડિગોના મુસાફરોએ જે ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એના માટે જવાબદારી નક્કી કરવામાં આવશે અને જવાબદાર તમામ લોકો સામે પગલાં લેવામાં આવશે.

૮ અધિકારીઓ પતન માટે જવાબદાર

ઇન્ડિગોના એક કર્મચારી દ્વારા લખાયેલા ઓપન લેટરમાં CEO સહિત ૮ અધિકારીઓનાં નામ આપવામાં આવ્યાં છે જેમના પર ઍરલાઇનના પતન માટે જવાબદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે જો ઇન્ડિગો એના કર્મચારીઓ સાથે એવું વર્તન કરવાનું ચાલુ રાખશે તો એ ખતમ થઈ જશે. પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જે લોકો ઈ-મેઇલ પણ ડ્રાફ્ટ કરી શકતા નથી તેમને ઇન્ડિગો દ્વારાવાઇસ-પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા છે.

વ્હિસલબ્લોઅરનો આ પત્ર ત્યારે સામે આવ્યો છે જ્યારે ભારતના DGCAએ ઇન્ડિગોના CEOને શોકૉઝ નોટિસ ફટકારી છે. પત્રમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ઍરલાઇનની વર્તમાન કટોકટી વર્ષોથી ચાલી રહી હતી. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ‘મૅનેજમેન્ટ પાઇલટ્સ તરફથી વારંવાર સલામતી ચેતવણીઓને અવગણતું હતું. સ્ટાફ પાસે વધુ પડતું કામ કરાવવામાં આવતું હતું. અયોગ્ય અધિકારીઓને સિનિયર પોઝિશનમાં બઢતી આપવામાં આવી હતી અને જવાબદારીને બદલે ડરના માર્યા કામ કરવાનું વર્કકલ્ચર ઊભું કરવામાં આવ્યું હતું.’

પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે થાક અને સલામતી જોખમો તરફ ધ્યાન દોરનારા પાઇલટ્સને હેડ ઑફિસમાં બોલાવવામાં આવ્યા હતા, તેમને ડરાવવામાં આવ્યા હતા, તેમની સામે બૂમો પાડવામાં આવી હતી અને અપમાનિત કરવામાં આવ્યા હતા. શારીરિક અને માનસિક નુકસાન માટે કોઈ વળતર આપ્યા વિના નાઇટ-ડ્યુટી બમણી કરવામાં આવી હતી અને રજાઓ કાપી નાખવામાં આવી હતી.

ઇન્ડિગોના ૮૭ ટકા મુસાફરો ઍરલાઇન સામે કેસ કરવા માગે છે

લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ઇન્ડિગોના ૮૭ ટકા મુસાફરો માને છે કે ઍરલાઇનની તાજેતરની સેવા ખામીઓને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ (CP ઍક્ટ) ૨૦૧૯ની ક્લાસ ઍક્શન જોગવાઈ હેઠળ ધ્યાનમાં લેવી જોઈએ. ૩૦,૦૦૦થી વધુ લોકોએ ઇન્ડિગોના રીફન્ડ, ઝીરો-કૅન્સલેશન/ઇન્શ્યૉરન્સ પ્રૉમિસ, સંમતિ વિના પ્રવાસ-યોજના બદલવા અને મિસિંગ ફ્લાઇટ્સ પર વળતરના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ક્લાસ ઍક્શન જોગવાઈ ગ્રાહકોનું એક જૂથ સામાન્ય ફરિયાદ ધરાવતું હોય ત્યારે ગેરવહીવટ અથવા છેતરપિંડી જેવા મુદ્દાઓ પર કંપની સામે સામૂહિક રીતે કાનૂની ઉપાયો અપનાવવાની મંજૂરી આપે છે. લોકલસર્કલના જણાવ્યા અનુસાર ઇન્ડિગો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કે નહીં એ મુદ્દે ૩૨,૫૪૭ રિસ્પોન્ડન્ટ્સમાંથી ૮૭ ટકાએ ‘હા’માં જવાબ આપ્યો હતો, ૩ ટકાએ જરૂરી નથી એમ કહ્યું હતું અને ૧૦ ટકાએ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.

ઇન્ડિગો કટોકટી ઇરાદાપૂર્વકની નહોતી : ગ્રુપ-કેપ્ટન (નિવૃત્ત) એમ. જે. આ‍ૅગસ્ટિન
ગ્રુપ-કેપ્ટન એમ. જે. આ‍ૅગસ્ટિન વિનોદ (નિવૃત્ત)એ એવા તમામ દાવાઓને ફગાવી દીધા છે કે ઇન્ડિગોએ ઇરાદાપૂર્વક મોટા પાયે ફ્લાઇટ કૅન્સલેશન કર્યાં હતાં. તેમણે કહ્યું કે કોઈ પણ ઍરલાઇન ઇરાદાપૂર્વક આવું કરશે નહીં અને કોઈ પણ સંભવિત લાભ કરતાં ૧૦-૨૦ ગણું વધારે નુકસાન સહન કરશે નહીં. તેમણે કહ્યું હતું કે ઇન્ડિગો ઊંઘતી ઝડપાઈ હતી અને ખોટી રીતે ગોઠવાયેલી ઑપરેશનલ સિસ્ટમ એના વિશાળ નેટવર્કને કારણે એકાએક ઠપ થઈ ગઈ હતી. 

ગુવાહાટી ઍરપોર્ટ પર પતિના કૉફિન સાથે મહિલા અટવાઈ
ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાને કારણે શિલૉન્ગની સેન્ટ ઍન્થની હાયર સેકન્ડરી સ્કૂલની સિનિયર અંગ્રેજી ટીચર મંજુરી પાલિત ગુવાહાટી ઍરપોર્ટ પર તેના પતિના કૉફિન સાથે અટવાઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે ‘હું શિલૉન્ગથી આવી છું. મારા પતિનું અવસાન થયું છે અને હું અહીં કાસ્કેટને તેમના વતન કલકત્તામાં દફનાવવા માટે લઈ જવા આવી છું. અમે સવારે ૭.૧૦ વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ બુક કરાવી હતી અને અત્યાર સુધી અમને કોઈ માહિતી નથી કે ફ્લાઇટ ઉડાન ભરશે કે નહીં. હવે આ પરિસ્થિતિમાં મારા જેવી વ્યક્તિ શું કરે?’

આ ટીચર કૉફિનને શિલૉન્ગ પાછી લઈ જઈ શકતી નથી, કારણ કે તેણે ૪૮ કલાક માટે ડેડબૉડીનું એમ્બલિંગ કરાવ્યું છે અને એની મુદત સોમવારે (આજે) સાંજે ૪ વાગ્યે પૂરી થાય છે. તેણે સવાલ કર્યો હતો કે એની જવાબદારી કોણ લેશે?

દિલ્હી ઍરપોર્ટ પર ઇન્ડિગોના કર્મચારીઓ રઝળતા સામાનને શોધીને પૅસેન્જરોના નામ સાથે સરખાવીને વિભાજન કરતા જોવા મળ્યા હતા.

રેલવેએ મુંબઈ ઍરપોર્ટ પર હેલ્પ-ડેસ્ક સ્થાપી
ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઇટ રદ થવાને કારણે હજારો લોકો મુંબઈ ઍરપોર્ટ પર ફસાયા હતા ત્યારે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેએ ટર્મિનલ 1 અને 2 પર મુસાફરોને ટ્રેનની પૂછપરછ અને બુકિંગમાં મદદ કરવા માટે હેલ્પ-ડેસ્ક સ્થાપી છે. આ પગલું દિવસોના વિક્ષેપોને પગલે લેવામાં આવ્યું છે, જેમાં ફક્ત ગઈ કાલે ૧૧૨ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. વેસ્ટર્ન અને સેન્ટર રેલવે તેમજ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)નો રેલવે-સ્ટાફ સંયુક્ત રીતે કાઉન્ટરનું સંચાલન કરી રહ્યો છે.

મુસાફરોને હાલાકીથી બચાવવા રેલવેએ દોડાવી ૮૯ સ્પેશ્યલ ટ્રેન
ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરીમાં હાલાકીનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા માટે ભારતીય રેલવેએ શનિવારથી આજ સુધીમાં તમામ ઝોનમાં કુલ ૮૯ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું હતું. નવી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બૅન્ગલોર, પટના અને હાવડા જેવાં મુખ્ય શહેરો માટે આ ટ્રેનો આજ સુધીમાં ૧૦૦થી વધુ ટ્રિપ કરવાની છે એવી જાણકારી રેલવેએ આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK