ડેરીની ૧૫.૮ એકર જમીનનો કમર્શિયલ, રેસિડેન્શિયલ અને રેક્રીએશનલ હેતુ માટે ઉપયોગ કરવાના પ્લાન પર રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી
ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે વર્ષોથી આ જમીન વણવપરાયેલી પડી હતી.
વરલી ડેરીની જમીનના રીડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ૧૫.૮ એકરની આ જમીન પર ફાઇનૅન્શિયલ અને કમર્શિયલ હબ બનાવવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને સ્પેશ્યલ પ્લાનિંગ ઑથોરિટી (SPA) તરીકે નીમવામાં આવી છે.
ડેરી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે વર્ષોથી આ જમીન વણવપરાયેલી પડી હતી. હવે આ વિસ્તારને કમર્શિયલ, રેસિડેન્શિયલ અને રેક્રીએશનલ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે. રાજ્ય સરકારે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)માં જણાવાયું છે કે સર્વે-નંબર ૮૬૬/૫ અને આસપાસની જમીન MMRDAને ક્લાસ-1 ઑક્યુપન્સી સર્ટિફિકેટ સાથે નિ:શુલ્ક આપવામાં આવશે.
આગામી તબક્કામાં હવે વિગતવાર ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે. સૂચનો અને વાંધાઓ પણ મગાવવામાં આવશે અને ત્યાર બાદ ફાઇનલ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે.
ADVERTISEMENT
ડેરીની જમીન માટે અનેક પ્રસ્તાવ મુકાયા અને ચર્ચાયા
૨૦૧૨માં અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બનાવવાના પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યો ત્યાર બાદ વરલી ડેરીની જમીન પર પ્રતિમા બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને કેન્દ્ર સરકારે ફગાવી દીધો હતો. ૨૦૨૦માં આદિત્ય ઠાકરેએ ઇકો-ફ્રેન્ડ્લી ટૂરિઝમ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો જેને નામંજૂર રાખીને ૨૦૨૨માં જમીન પાછી ડેરી ડેવલપમેન્ટ વિભાગને આાપી દેવાઈ હતી. ૨૦૨૩-’૨૪માં ડેરી ડેવલપમેન્ટ મિનિસ્ટર રાધાકૃષ્ણ વિખે પાટીલે અહીં કન્વેન્શન સેન્ટર ઊભું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતાવાળી કૅબિનેટ કમિટીએ વિકલ્પો તપાસ્યા હતા. આખરે આ જમીન MMRDAને સોંપીને ફાઇનૅન્શિયલ હબ ડેવલપ કરવાની યોજનાને મંજૂરી મળી હતી.


