સૅન્ડહર્સ્ટ રોડ દુર્ઘટનામાં પોતાની ૧૯ વર્ષની દીકરી ગુમાવનાર શીતલ મોમાયા આક્રંદ સાથે પૂછે છે...
દીકરી હેલી સાથે મમ્મી શીતલ મોમાયા.
અકસ્માતના ૪ દિવસ પછી પણ પોલીસ કે રેલવે તરફથી કોઈએ હેલી મોમાયાના પરિવારનો સંપર્ક નથી કર્યો, હૉસ્પિટલે પણ એટલું કહી દીધું કે તેને લાવવામાં આવી ત્યારે જ મૃત્યુ થઈ ગયું હતું; પણ લાડકવાયી દીકરી ગુમાવનાર મમ્મી કહે છે કે બધાએ મને તદ્દન અંધારામાં છોડી મૂકી છે, મને આના જવાબો જોઈએ છે
ગુરુવારે સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન દુર્ઘટનામાં ૧૯ વર્ષની હેલી મોમાયાનું મૃત્યુ થયું હતું. તેનાં મમ્મી શીતલ મોમાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હજી સુધી મને કોઈએ એ નથી કહ્યું કે મારી દીકરી કેવી રીતે મૃત્યુ પામી. દુર્ઘટનાના ૪ દિવસ થઈ ગયા છે, પણ મને જવાબ નથી મળ્યો.’
ADVERTISEMENT
૬ નવેમ્બરે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર રેલવે કર્મચારીઓએ મુંબ્રા અકસ્માતમાં બે રેલવે એન્જિનિયર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાના વિરોધમાં હડતાળ પાડી હતી. એને લીધે CSMTની અપ અને ડાઉન બન્ને લાઇનની અનેક લોકલ ટ્રેનો અટકી ગઈ હતી.
અધવચ્ચે ખોટકાયેલી આવી જ એક ટ્રેનમાં હેલી અને તેનાં ફોઈ ખુશ્બૂ મોમાયા પણ હતાં. સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન ક્રૉસ કર્યા પછી તરત જ ટ્રેન અટકી ગઈ હતી. એ પછી અનાઉન્સમેન્ટ થઈ હતી કે વિરોધ-પ્રદર્શનને કારણે હવે આ ટ્રેન અહીંથી આગળ નહીં વધે. આ અનાઉન્સમેન્ટ પછી અનેક પૅસેન્જરોએ ઊતરીને ટ્રૅક પર ચાલવાનું શરૂ કરી દીધું હતું એટલે હેલી અને તેનાં ફોઈએ પણ ટ્રેનમાંથી નીચે ઊતરવાનું નક્કી કર્યું.
હેલીના એક પરિવારજને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હેલી અને ખુશ્બૂએ ત્યારે ટ્રેનમાંથી નીચે ઊતરવાનું નક્કી કર્યું જ્યારે મોટા ભાગના લોકો પહેલેથી જ ઊતરીને ચાલ્યા ગયા હતા. આ ખોટા સમયે લેવાયેલો એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય હતો.’
અહેવાલો પ્રમાણે એના થોડા સમય પછી ટ્રેનની ટક્કરને લીધે હેલી ટ્રેક પર મૃત અવસ્થામાં મળી આવી હતી. શીતલ મોમાયાએ કહ્યું હતું કે ‘હું જ્યારે જે. જે. હૉસ્પિટલમાં પહોંચી ત્યારે તેમણે મને જણાવ્યું કે હેલીને ટ્રેનની ટક્કર વાગી હતી. હેલીને હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે જ તે મૃત્યુ પામી ચૂકી હતી, પણ કોઈએ મને એ નથી સમજાવ્યું કે એ કેવી રીતે થયું. શું તે પડી ગઈ હતી? શું કોઈએ એવી કોઈ ઘટના બનતી જોઈ હતી? મને નથી ખબર. હું એક મમ્મી છું, મેં મારી દીકરી ગુમાવી છે અને બધાએ મને તદ્દન અંધારામાં છોડી મૂકી છે. મને જવાબો જોઈએ છે.’
અકસ્માતના આટલા સમય પછી હજી સુધી કોઈ પોલીસ-અધિકારીએ કે રેલવે-અધિકારીએ અમારો સંપર્ક નથી કર્યો એમ જણાવતાં શીતલ મોમાયાએ કહ્યું હતું કે ‘માત્ર અમારા લોકલ વિધાનસભ્ય અમીન પટેલ અમને ગઈ કાલે રાતે મળવા આવ્યા હતા. તેમના સિવાય કોઈએ અમને કશું જ જણાવ્યું નથી. પોલીસે બીજા લોકોનાં નિવેદનો લીધાં છે, પણ મને કશું જણાવ્યું નથી. અરે, કોઈએ મને કશા વિશે કશું પૂછ્યું પણ નથી.’ સેન્ટ્રલ રેલવેએ આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ રજિસ્ટર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
- મધુલિકા રામ કવત્તુર


