ઘાટકોપરમાં પર્યુષણ નિમિત્તે અહિંસાની સૂક્ષ્મ સમજને એક નવો દૃષ્ટિકોણ આપતું એક્ઝિબિશન શ્રાવકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

વિવિધ સૌંદર્ય પ્રસાધનો અને એમાં ઉપયોગમાં લેવામાં આવતા પ્રાણીજન્ય પદાર્થોની માહિતી
ઘાટકોપર-ઈસ્ટના સૌથી જૂના અને જાણીતા હિંગવાલા લેન સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના પરિસરમાં ચાતુર્માસ માટે બિરાજમાન પરમ પૂજ્ય શ્રી સૌમ્યજી મહાસતીજી આદિ દ્વારા જૈનોના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અવસરે જૈન સમાજ અને અન્ય સમાજને અહિંસાની સૂક્ષ્મ સમજણ આપવા ગઈ કાલે એક અનોખા ‘ચેક ઍન્ડ કૅર એક્ઝિબિશન’નું લોકાર્પણ ઘાટકોપર-ઈસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પરાગ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની સૌથી મોટી વિશેષતા એ છે કે સવારના ૯ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી દરેક ટૉપિક પર સમજણ આપવા મહાસતીજીઓ હાજર રહે છે.
આ એક્ઝિબિશન સંદર્ભમાં માહિતી આપતાં મહાસતી સૌમ્યજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈન સમાજ એના અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત માટે વિશ્વમાં પ્રખ્યાત છે. જૈનોની એવી માન્યતા છે કે તેઓ કંદમૂળ કે નૉન-વેજ કે ઈંડાં આદિ વાપરતા ન હોવાથી અહિંસક છે. આ તો થઈ અહિંસાની સ્થૂળ પરિભાષા. જોકે સૂક્ષ્મ રીતે તેઓ અભ્યાસ કરે તો મોટા ભાગના જૈનો અને દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ હિંસક પદાર્થ ઉપયોગમાં લેતા જ હોય છે, પછી એ કૉસ્મેટિકના રૂપમાં હોય કે પર્ફ્યુમના રૂપમાં કે પછી હેર-કલરના રૂપમાં કે પછી મેકઅપનાં પ્રસાધનોના રૂપમાં. આ બધા જ પદાર્થોમાં કોઈ ને કોઈ પ્રાણીની હિંસા થતી હોય છે અથવા તો તેમના પર અત્યાચારો થતા જ હોય છે. ચેક ઍન્ડ કૅર એક્ઝિબિશનમાં વિઝ્યુઅલી અમે આ વાતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી લોકો આ વાતને સમજે, ઉજાગર થાય અને જૈન ધર્મના સૂક્ષ્મ જીવદયાના સિદ્ધાંતને સમજીને પરોક્ષ રીતે હિંસા કરતા અટકે.’
ચેક ઍન્ડ કૅર એક્ઝિબિશનમાં અમે આ સત્યને મોટા-મોટા પ્રોજેક્ટ્સ અને મૉડલ્સના માધ્યમથી પ્રદર્શિત કર્યું છે, એમ જણાવતાં મહાસતી સૌમ્યજીએ કહ્યું હતું કે ‘આજના યુગમાં લોકોને ઘણી વસ્તુઓમાં થતી હિંસા અને પ્રાણીજન્ય પદાર્થોની પૂરતી જાણકારી નથી. તેઓ જે સૌંદર્ય માટે પ્રોડક્ટનો ઉપયોગ કરે છે એમાં નેઇલ-પૉલિશમાં સીમર ઇફેક્ટ માછલીની સ્કેલને સૂકવીને એના પાઉડરમાંથી બનાવવામાં આવે છે. લિપસ્ટિકમાં લાલ રંગ કોકીનીલ અને બીટલ ઇન્સેક્ટ્સને મારીને નાખવામાં આવે છે. આઇ-શૅડોમાં ક્રીમી ટેક્ચર્સ ગાય અને ઘેટાંના પેટી ટિસ્યુના ટેલોમાંથી કરવામાં આવે છે. પર્ફ્યુમ બ્યુર, કિવેટ આ પશુઓના એનલ સેક્શનમાંથી બનાવવામાં આવે છે. હેર-સિલ્ક પ્રોટિન હેર પ્રોડક્ટોમાં સિલ્ક વૉર્મસને મારીને બનાવવામાં આવે છે. એક્ઝિબિશનમાં આ વિઝ્યુઅલી દર્શાવવામાં આવ્યું છે. આની સાથે વર્તમાન કાળમાં મોહમાયા, ધનસંપત્તિ, સંબંધો અને સુખ પાછળ દોડતો માનવી કેવી રીતે કરોળિયાની જેમ જાળમાં સંડોવાઈ રહ્યો છે, અટવાઈ રહ્યો છે એ આઇ ઓપનર હકીકતને સ્પાઇડર વૅબ દ્વારા દૃશ્યાંકન કરવામાં આવી છે.’
ચેક ઍન્ડ કૅર એક્ઝિબિશન એક એવું એક્ઝિબિશન છે જે માત્ર જૈનો માટે જ નથી, પણ અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત માનનારાઓ દરેક સમાજ અને જ્ઞાતિના લોકો માટે છે, એમ જણાવતાં મહાસતી સૌમ્યજીએ કહ્યું હતું કે ‘આજના યુગમાં કૉસ્મેટિક્સનો, મેક-અપનો ક્રેઝ દરેક વ્યક્તિને છે. આ સર્વ વ્યક્તિઓ માટે આ પ્રદર્શન છે. અહિંસક ઘર-પરિવારના દરેક ભાવિક માટે આ છે. આ પ્રદર્શન અહિંસાનો ચેક પૉઇન્ટ બનશે અને અબોલા જીવની કૅર કરવાની સૌને પ્રેરણા આપશે. આ પ્રદર્શન સૂક્ષ્મ હિંસાથી બચવાનું માર્ગદર્શન મેળવી એક અનેરો આત્માનંદ પ્રાપ્ત કરવાની તક છે.’