14 જૂન 2025ના રોજ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચક અને જાણીતા ગાયક હાર્દિક પરમારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે તેમની સાથે લગભગ 100 જેટલા ગુજરાતીઓ એ જ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યા હતા જેને લંડનથી વિયેના ડાયવર્ટ કરી દેવામાં આવી.
વિયેનામાં ફસાયેલા ગુજરાતીઓ સાથે હાર્દિક પરમાર - તસવીર સૌજન્ય હાર્દિક પરમાર
12 જૂન 2025ના રોજ લંડનથી મુંબઈ આવતી ઍર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI130ને ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધને કારણે વિયેના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી. આ ફ્લાઈટમાં પ્રવાસ કરતાં 200થી વધુ પ્રવાસીઓમાં અનેક મુંબઈ, દહાણુ અને કોલ્હાપુરમાં રહેતા ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ છે. જેમનામાંથી હાર્દિક પરમાર સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ખાસ વાતચીત કરી છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ વાચક હાર્દિક પરમાર છેલ્લા 2 મહિના માટે લંડનમાં મ્યૂઝિકલ પ્રોગ્રામ માટે ગયા હતા. પાછા ફરવામાં તેમના ગ્રુપ કરતાં તેઓ એક દિવસ મોડા પડ્યા અને તેમણે ઍર ઈન્ડિયાની લંડનથી મુંબઈ ડાયરેક્ટ ફ્લાઈટ લેવાનો વારો આવ્યો છે જે 12 જૂનના રોજ લંડનથી તો સમયસર ઉપડી ગઈ પણ હજી સુધી મુંબઈ પહોંચી નથી. જ્યારે તેમના અન્ય સાથી કલાકારો અને મિત્રો 13 જૂનના રોજ અમદાવાદ પહોંચવાના હતા અને તેઓ હેમખેમ પહોંચી ગયા છે.
ADVERTISEMENT
મૂળ સુરેન્દ્રનગરના ગાયક કલાકાર જેમણે લંડનના બ્રિજ પર પણ ગુજરાતી ગીતો ગાઈને ગુજરાતની લોકસંસ્કૃતિને ધબકતી રાખવાનો પ્રયત્ન કર્યો, તેમની સાથે મુંબઈના અન્ય પ્રવાસીઓ પણ 13 જૂન 2025થી 14 જૂન એટલે કે આજે પણ હજી વિયેના ઍરપૉર્ટ પર પોતે મુંબઈ ક્યારે પહોંચશે તેની રાહમાં બેઠાં છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના આ કડવા અનુભવ વિશે વાત કરતા હાર્દિક પરમાર જણાવે છે કે લંડનના સમય પ્રમાણે અમારી ફ્લાઈટ AI130 12 જૂન 2025ના રોજ 09.05 વાગ્યાની હતી, જેને ઇરાન-ઇઝરાયલ વચ્ચે થયેલા યુદ્ધને કારણે વિયેના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી. ત્યાં વિયેના ઍરપૉર્ટ દરેક પ્રવાસીને 4 કલાક સુધી ફ્લાઈટમાં જ બેસાડી રાખવામાં આવ્યા. કેબિન ક્રૂ પાસેથી કે ગ્રાઉન્ડ સ્ટાફ તરફથી આગામી સૂચનાઓ ન મળતા ફ્લાઈટમાં બેઠેલા દરેક પ્રવાસીમાં ચિંતા અને ભયનો માહોલ હતો. આની સાથે જ ગ્રાઉન્ડ સ્ટાફ પાસેથી પણ કોઈ સ્પષ્ટતા થઈ ન હોવાની આ ફ્લાઈટના દરેક પેસેન્જરને 4 કલાક સુધી ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા. ત્યાર બાદ ઍર ઈન્ડિયાની ફ્લાઈટ AI130ના દરેક પ્રવાસીને વિયેના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉતારવામાં આવ્યા. તેમના રહેવા અને ખાવાની સુવિધા કરવામાં આવી.
14 જૂન 2025ના રોજ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચક અને જાણીતા ગાયક હાર્દિક પરમારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે તેમની સાથે લગભગ 100 જેટલા ગુજરાતીઓ એ જ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યા હતા અને તેઓ બધા હવે વિયેનાના સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે વિયેનાથી મુંબઈ આવતી ફ્લાઈટ જે ગ્રીસના હવાઈ માર્ગે મુંબઈ પહોંચશે તેમાં પ્રવાસ કરશે.
ફ્લાઇટરડાર 24 ડૉટ કૉમ પર આ ફ્લાઇટ વિશેની માહિતીની તપાસ કરતાં ખ્યાલ આવે છે કે ઍર ઈન્ડિયાની આ ફ્લાઈટ લંડનના હીથ્રો ઍરપૉર્ટથી નીકળીને લગભગ ટર્કી નજીક ઈરાક ઇરાન બૉર્ડરથી પાછી વિયેના ઍરપૉર્ટ પર લૅન્ડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રવાસીઓ વિયેના ઍરપૉર્ટ પર રોકાયા અને તેમને ઍરપૉર્ટ પરથી હવે મુંબઈ આવવા માટેની ફ્લાઈટ માટે બૉર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે. આશા છે કે હવે ઍર ઇન્ડિયાના આ ફ્લાઈટના પ્રવાસીઓ કાલે એટલે કે 15 જૂનના રોજ મુંબઈ પાછા પહોંચશે.

