કુલ ૧૦૩ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સમાં ગોટાળા અને ગેરરીતિને લીધે અધિકારીઓ સામે વિજિલન્સની લાલ આંખ
પ્રતીકાત્મક તસવીર
સાઉથ મુંબઈના ૧૦૩ કરોડ રૂપિયાના બ્યુટિફિકેશન અને સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરવા બદલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ A વૉર્ડના અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ૨૦૨૩થી ૨૦૨૫ સુધીમાં કોલાબા, કફ પરેડ, મરીન ડ્રાઇવ, પી. ડીમેલો રોડ અને બેલાર્ડ એસ્ટેટના અમુક ભાગમાં આ ગેરકાયદે કામ હાથ ધરવામાં આવ્યાં હતાં.
રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાર્યકર સંતોષ દૌંડકરે કરેલી અરજીના પગલે BMCના વિજિલન્સ ડિપાર્ટમેન્ટે ૧૪ ઑગસ્ટે A વૉર્ડના અધિકારીઓને આ પ્રોજેક્ટ સંબંધિત ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. શંકાસ્પદ બાંધકામોના સાઇટ-ઇન્સ્પેક્શનમાં ગેરરીતિ જણાતાં બાવીસમી સપ્ટેબરે બીજી નોટિસ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સાઇટ-ઇન્સ્પેક્શનમાં મુખ્યત્વે પ્રોજેક્ટ એક્ઝિક્યુશનમાં, રેકૉર્ડ રાખવામાં, નાણાકીય બાબતોમાં ગોટાળા જોવા મળ્યા હતા. મહત્ત્વની અમુક ફાઇલો ગુમ હતી તો કામની અમુક ફાઇલોમાં ગેરરીતિ જણાઈ હતી. ગણેશોત્સવ બાદ અધિકારીઓ દસ્તાવેજો રજૂ કરવાના હતા, પણ હજી સુધી દસ્તાવેજો રજૂ થયા નથી એમ વિજિલન્સ કમિશનરનું કહેવું છે. બીજી તરફ A વૉર્ડના અધિકારીઓએ દસ્તાવેજો રજૂ કરી દીધા હોવાનો દાવો કર્યો હતો.
કોલાબાની ચોથી પાસ્તા લેનમાં અસ્તિત્વમાં જ ન હોય એવા કમ્યુનિટી હૉલના સમારકામ માટે બે ઑર્ડર આપવામાં આવ્યા હતા. બધવાર પાર્કમાં બ્યુટિફિકેશન માટે પ્રસ્તાવિત અનેક બાબતો પર અમલ કરવામાં આવ્યો નથી. આ પ્રકલ્પ માટે જિલ્લા ક્લેક્ટર પાસેથી કોઈ પેમેન્ટ મળ્યું નહોતું કે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પણ મળ્યું નથી.


